બોરસદ :બોરસદ નગરપાલિકામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમત હોવા છતા પ્રમુખની કાર્ય પદ્ધતિ તથા નિતીરીતીથી અન્ય સભ્યો નારાજ હતા. દોઢ વર્ષથી સત્તામાં હોવા છતા વિકાસના કામો ઠપ્પ થઈ ગયા હોવાનો આક્ષેપ ભાજપના જ સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો. આ નારાજ સભ્યોની ધીરજનો અંત આવતા તેઓએ પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે સંદર્ભે બુધવારના રોજ ખાસ સામાન્ય સભા મળી હતી. જેમા પાલિકાના પ્રમુખ સાથે માત્ર 6 સભ્યો રહેતા અને દરખાસ્તની તરફેણમાં ભાજપના 14 સહિત 25 સભ્યો રહેતા પ્રમુખ સામેની દરખાસ્ત મંજૂર થઇ જતાં રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી.
બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગત ફેબ્રુઆરી 2021માં યોજાઈ હતી. પાલિકાની 36 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 20, કોંગ્રેસને 6, આપને 1 તથા અપક્ષને 9 બેઠક મળી હતી. આમ સ્પષ્ટ બહુમત સાથે ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. પાલિકાના પ્રમુખપદે આરતીબેન દુશ્યંતભાઈ પટેલ તથા ઉપપ્રમુખ પદે રણજીતભાઈ ચંપકભાઈ પરમાર સત્તારૂઢ થયા હતા. ભાજપ શાસિત બોર્ડ દ્વારા દોઢ વર્ષ દરમિયાન વિકાસલક્ષી કામો નહી થતા હોવાનો અસંતોષ સત્તાધારી જૂથમાં શરૂ થયો હતો. ભાજપના જ અસંતુષ્ટ સભ્યો દ્વારા પોતાના વોર્ડ તથા અન્ય વિકાસલક્ષી કામો માટે વારંવાર રજૂઆતો કરતા હોવા છતા સંતોષકારક પરિણામ મળતુ ન હતુ.
જેને કારણે કોંગ્રેસના 6, આપ – 1 તથા અપક્ષના 9 મળી કુલ 16 સભ્યોની સહિઓ સાથે અવિશ્વાસની દરખાસ્ત 2જી ઓગષ્ટ,2022ના રોજ બોરસદ પાલિકાના ચીફ ઓફિસરને મોકલી આપી હતી. જેમા જણાવ્યું હતુ કે, પ્રમુખ આરતીબેન દુશ્યંતભાઈ પટેલની કાર્યપદ્ધતિ યોગ્ય નથી. આ ઉપરાંત વિકાસના કામો માટે લેખિત રજૂઆતો કરતા હોવા છતા થતા નથી. જેથી આ દરખાસ્ત અન્વયે નિયમ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરી હતી. પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતાજ સ્થાનિક રાજકારણમાં ભૂકંપની સ્થિતી સર્જાઈ હતી. કારણકે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા 24 સભ્યોની જરૂર પડતી હોય છે. એટલે કોંગ્રેસ, આપ અને અપક્ષના 16 સભ્યો દ્વારા રજૂ કરેલ અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપના અસંતુષ્ટોનું આડકતરૂ સમર્થન હોવાની વાત જોરશોરથી ચાલી રહી હતી.
જેથી પ્રાંત અધિકારીએ પાલિકાની ખાસ સામાન્ય સભા અંગે તમામ સભ્યોને નોટીસ બજાવી હતી. જેથી બુધવારના રોજ પાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમા 36 પૈકી 31 સભ્યો હાજર હતા. આ સભ્યોની ઉપસ્થિતીમાં અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે મતદાન થયું હતુ. જેમાં દરખાસ્તની તરફેણમાં 25 અને દરખાસ્તની વિરૂદ્ધમાં 6 મત પડ્યા હતા. જેથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પ્રમુખની ખુરશીના પાયા હચમચી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દરખાસ્તની તરફેણમાં 25 પૈકી ભાજપના 14 સભ્યોએ સમર્થન આપતા રાજકીય હડકંપ મચી ગયો હતો. ભાજપ દ્વારા વ્હિપ આપ્યો હોવા છતા 14 સભ્યોએ અનાદર કરી દરખાસ્તની તરફેણ કરતા આગામી સમયમાં રાજકીય ગરમાવો રહેવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી.
વ્હિપનો અનાદર થતાં શિસ્તભંગના પગલાં ભરાશે : પ્રાંત અધિકારી
બોરસદ પાલિકાની ખાસ સામાન્ય સભાનું કામકાજ શરૂ થતા પહેલા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતુ કે, ગુજરાત પક્ષાંતર ધારા થકી સત્તા મંડળના સભ્યોને ગેરલાયક ઠરાવવાની જાેગવાઈ અધિનિયમ 1986થી પ્રત્યેક કાયદા અંતર્ગત ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા મુજબ રાજકીય પક્ષ પોતાના અધિકૃત પ્રતિનિધી મારફતે વ્હિપ સભામાં રજૂ કરી શકે છે અથવા વંચાણે લઈ શકે છે. જે મુજબ જીલ્લા ભાજપ પ્રમુખને મળેલ સત્તાની રૂઈએ મોકલેલા પ્રતિનિધી કાંતિભાઈ ચાવડાએ વ્હિપનું વંચાણ કરતા જણાવ્યું હતુ કે ભાજપના મેન્ડેટ ઉપર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ ઉપસ્થિત રહી અવિશ્વાસની દરખાસ્ત વિરૂદ્ધ મતદાન કરવાનું રહેશે. જોકે, વ્હિપનો અનાદર કરવામાં આવશે તો તે શિસ્તભંગ ગણાશે.
બોરસદ શહેર ભાજપ પ્રમુખે સભ્યોને સસ્પેન્ડ કરવા ભલામણ કરી
બોરસદ શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ પટેલે બળવાખોરોને સસ્પેન્ડ કરવા જિલ્લા ભાજપ પ્રમુખને ભલામણ કરી છે. તેમાં જણાવ્યું હતું કે, બોરસદ નગરપાલિકાની બુધવારે મળેલી સભામાં વિપક્ષો દ્વારા પ્રમુખ સામે આવેલી અવિશ્વાસ દરખાસ્ત ઉપર મતદાન હતું. આ કાર્યવાહીમાં ભાજપના મેડેન્ટથી ચૂંટાયેલા 20 સભ્યો હતાં. તેમાંથી એક સભ્ય પહેલાથી જ સસ્પેન્ડ હતાં. બાકીના 19 સભ્યોમાંથી 13 સભ્યએ વ્હીપ આપેલા હોવા છતાં તેનો અનાદર કરીને પાર્ટીને ક્યારેય ભરપાઇ ન થાય તેટલું નુકશાન કર્યું છે. આથી, ખત કાર્યવાહી કરીને 14 સભ્યોને તાત્કાલીક સભ્ય પદે તેમજ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવાની ભલામણ છે.
આગામી ત્રણેક દિવસમાં ઉપપ્રમુખ સામેની દરખાસ્ત માટે સભા મળશે
બોરસદ પાલિકામાં પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત ઉપર કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પહેલા જ ઉપપ્રમુખ રણજીતભાઈ પરમાર સામે પણ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ ચૂકી છે. આ અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે પ્રાંત અધિકારી દ્વારા 1લી પહેલા નિર્ણય લેવાનો હોવાથી વધુ એક ખાસ સામાન્ય સભા યોજાશે. આ સભા બાદ પ્રમુખની ચૂંટણીની સભા મળશે. આમ દિવાળી સુધીમાં બોરસદ પાલિકામાં ખાસ સામાન્ય સભાનો દોર ચાલુ રહેશે.
પ્રમુખની ચૂંટણી માટે કાર્યવાહી થશે : ચીફ ઓફિસર
આ અંગે બોરસદ પાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ જણાવ્યું હતુ કે, હવે પ્રમુખની જગ્યા ખાલી પડી છે. જેથી પ્રમુખની ચૂંટણી કરવા ત્રણ દિવસ બાદ કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. જ્યારે ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત સંદર્ભે હજુ સુધી કોઈ નિર્ણય થયો નથી.
અમને વ્યક્તિનો વિરોધ છે : અસંતુષ્ટ સભ્યો
આ ઉપરાંત રીતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અગાઉના બોર્ડ દ્વારા જે કામો મંજૂર થયા હતા તે સિવાયના કોઈ વિકાસલક્ષી કામ થયા નથી. સભ્યોના કામો પણ થતા નથી. જેથી અમોને ભાજપનો નહી પરંતુ પ્રમુખનો વ્યક્તિગત વિરોધ છે. બોરસદ પાલિકામાં ભાજપ પૈકીના જ સભ્ય પ્રમુખ બનશે. આ અંગે પાર્ટીના નેતાઓ સાથે પણ ચર્ચા કરીશુ.