અફઘાનિસ્તાને (Afghanistan) પાકિસ્તાનને (Pakistan) હરાવીને વર્લ્ડ કપમાં (World Cup) મોટો અપસેટ સર્જ્યો હતો. આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમે ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સાથે જ પાકિસ્તાનના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. અફઘાનિસ્તાને ODIમાં પાકિસ્તાન સામે પ્રથમ જીત હાંસલ કરી છે. બંને ટીમો વચ્ચે આ આઠમી વનડે હતી. આ પહેલા પાકિસ્તાનની ટીમ સાતેય વનડે જીતી હતી. વિશ્વ કપના ઇતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનની ટીમ 275+ રનનો બચાવ કરતી વખતે હારી છે.
બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ જીત્યા બાદ સમગ્ર સ્ટેડિયમમાં દર્શકો તેને ચિયર કરી રહ્યાં હતાં. લોકોએ અફઘાનિસ્તાનની ટીમને વધાવી લીધી હતી. અફઘાનિસ્તાનની ટીમે પણ મેચ જીત્યા બાદ સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકોનો આભાર માન્યો હતો. પાકિસ્તાનને હરાવ્યા બાદ આખી ટીમ મેદાનની આસપાસ ઘૂમી રહી હતી અને ચાહકો પાસેથી તાળીઓ મેળવી હતી. મેચ જોવા આવેલા દર્શકોએ અફઘાનિસ્તાન ટીમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ભારતીય પૂર્વ ખેલાડી ઇરફાન પઠાણે પણ અફઘાનિસ્તાનની ટીમ સાથે ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અફઘાનિસ્તાનના ખેલાડીઓ ઘણા ખુશ દેખાતા હતા. અફઘાનિસ્તાનની જીત બાદ પાકિસ્તાન સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલનો સામનો કરી રહ્યું છે.
જણાવી દઈએ કે અફઘાનિસ્તાને ચેન્નાઈમાં પાકિસ્તાન સામે 286 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ પહેલા તેણે 2019માં લોડ્ઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 288 રન બનાવ્યા હતા. પાકિસ્તાને અફઘાનિસ્તાનને 283 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અફઘાનિસ્તાન દ્વારા ODIમાં આ સૌથી મોટો ચેઝ છે. આ પહેલા તેણે 2014માં દુબઈમાં UAE સામે 274 રનનો પીછો કર્યો હતો. પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં કોઈપણ ટીમ દ્વારા આ સૌથી મોટો ચેઝ પણ છે.
સચિનના આ દોસ્તની મહેનતે અફઘાનિસ્તાનને જીત અપાવી
તમને સાંભળીને નવાઈ લાગશે કે પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની જીતમાં એક ભારતીયનો પણ હાથ હતો અને જ્યારે વર્લ્ડ કપની વાત આવે છે તો કોઈ પણ ભારતીય પાકિસ્તાન સામે કેવી રીતે હારી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી અજય જાડેજાની જે હાલમાં અફઘાનિસ્તાન ટીમ સાથે છે. તેઓ અફઘાનિસ્તાન સાથે મેન્ટર તરીકે જોડાયેલા છે. આ ઐતિહાસિક જીતમાં તેમની મોટી ભૂમિકા રહી છે. કોઈપણ રીતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતીયોનો રેકોર્ડ સર્વશ્રેષ્ઠ રહ્યો છે.