નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ મેચને લઇને મોટા સામચાર સામે આવ્યા છે. વરસાદને (Rain) કારણે ટીમ ઇન્ડિયા (Team India) એક પણ પ્રક્ટિસ મેચ રમી શકી નથી, ટીમ ઈન્ડિયાની બંને પ્રેક્ટિસ મેચ (Practice Match) વરસાદને કારણે રદ થઇ ગઇ છે. ભારત અને નેધરલેન્ડ વચ્ચે મંગળવારે (3 ઓક્ટોબર)ના રોજ તિરુવનંતપુરમમાં યોજાનારી પ્રેક્ટિસ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પહેલા ગુવાહાટીમાં રમાનાર ભારતની ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચ પણ વરસાદને કારણે રદ થઈ હતી. હવે ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ સીધી ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023, 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ભારતની ધરતી પર યોજાવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની શરૂઆતની મેચ 5 ઓક્ટોબરે વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને છેલ્લી વખતના રનર-અપ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ત્યાં યજમાન ભારત હવે તેની રમતની શરૂઆત 8મી ઑક્ટોબરે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. હવે જ્યારે ભારતની બંને પ્રેક્ટિસ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે, ત્યારે આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા સીધી ઓસ્ટ્રેલિયા સામે રમશે. જેની સાથે હાલમાં જ ભારતે 3 વન-ડે મેચોની શ્રેણી રમી હતી.
ચેન્નાઈના મેદાનમાં ઓસ્ટ્રેલિયન ટીમનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમએ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં છ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે પાંચ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાનો એકમાત્ર પરાજય 2017માં ભારત સામે થયો હતો. ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ વનડે મેચ રમાઈ છે, જેમાં કાંગારુ ટીમે બે અને ભારતે એક મેચ જીતી છે. વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 12 મેચ રમાઈ છે, જેમાં ભારત માત્ર ચાર મેચ જીતી શક્યું છે. આંકડાઓના આધારે સ્પષ્ટપણે ઓસ્ટ્રેલિયાની ટીમ મજબુત જણાય રહી છે.
કોને જીત અપાવશે ચેપોકની પીચ ?
ભારતીય ટીમે ચેન્નાઈના ચેપોક મેદાન પર કુલ 14 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે સાત મેચ જીતી અને છમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ અનિર્ણિત રહી હતી. ચેપોકની પિચ સામાન્ય રીતે સ્પિનરો માટે અનુકૂળ માનવામાં આવે છે. ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ જેવા વર્લ્ડ ક્લાસ સ્પિનરો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પાસે એડમ ઝમ્પા અને ગ્લેન મેક્સવેલ છે. જો કે બંને ટીમો પાસે સારામાં સારા બેટ્સમેનો પણ છે, જે મિનિટોમાં મેચને પલટાવી શકે છે. આ હાઈ વોલ્ટેજ રમતમાં, જે ટીમ દબાણની ક્ષણોમાં સારું રમશે તે ચોક્કસપણે જીતશે.
- વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું સેડ્યુલ
- 8 ઑક્ટોબર, ઈન્ડિયા vs ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
- 11 ઓક્ટોબર, ઈન્ડિયા vs અફઘાનિસ્તાન, દિલ્હી
- 14 ઓક્ટોબર, ઈન્ડિયા vs પાકિસ્તાન, અમદાવાદ
- 19 ઓક્ટોબર, ઈન્ડિયા vs બાંગ્લાદેશ, પુણે
- 22 ઓક્ટોબર, ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
- 29 ઓક્ટોબર, ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ, લખનૌ
- 2 નવેમ્બર, ઈન્ડિયા vs શ્રીલંકા, મુંબઈ
- 5 નવેમ્બર, ઈન્ડિયા vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા
- 12 નવેમ્બર, ઈન્ડિયા vs નેધરલેન્ડ, બેંગલુરુ
ICC વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ.
ICC વર્લ્ડ કપ 2023 માટે ઓસ્ટ્રેલિયન ટીમ- પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.