વર્લ્ડ કપ 2023માં (World Cup) સેમિફાઇનલની માત્ર એક મેચ પહેલા રવિવારે ભારતે નેધરલેન્ડને 160 રને હરાવ્યું હતું. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (Stadium) રમાયેલી આ મેચમાં ભારતે આપેલા 411 રનના ટાર્ગેટ સામે નેધરલેન્ડની ટીમ 47.5 ઓવર રમી 250 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharama) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે 50 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 410 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 94 બોલમાં 128 રન બનાવ્યા હતા જ્યારે કે એલ રાહુલે 64 બોલમાં 102 રન બનાવ્યા હતા. નેધરલેન્ડ તરફે તેજા નિદામનુરૂએ અર્ધસદી ફટકારી હતી.
નેધરલેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં કંઈક એવું થયું જે આ પહેલા વર્લ્ડ કપમાં ક્યારેય બન્યું ન હતું. કેપ્ટન રોહિત શર્માએ તેની 54 બોલની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન રોહિતે ટૂર્નામેન્ટમાં 500 રન પણ પૂરા કર્યા. તેણે આ આંકડાને સ્પર્શ કરીને ઈતિહાસ રચ્યો હતો. તે સતત બે વર્લ્ડ કપમાં 500થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. રોહિતે 2019 વર્લ્ડ કપમાં 648 રન બનાવ્યા હતા.
તો બીજી તરફ વિરાટ કોહલીના બેટમાંથી ઐતિહાસિક ઇનિંગ જોવા મળી હતી. તેણે ODI વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તેણે 56 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન વિરાટે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. વર્લ્ડ કપ 2023માં આ 7મી વખત હતું જ્યારે વિરાટ કોહલીએ 50 કે તેથી વધુ રનની ઇનિંગ રમી હતી. આ સાથે તે વિશ્વ કપની એક જ આવૃત્તિમાં 50+ રનની સૌથી વધુ ઇનિંગ્સ રમનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ પહેલા માત્ર સચિન તેંડુલકર અને શાકિબ અલ હસન જ આ વર્લ્ડ કપમાં 7 વખત 50+ રનની ઇનિંગ્સ રમી શક્યા હતા.
પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતો વિરાટ કોહલી કેટલાક પ્રસંગોએ બોલિંગ કરતો પણ જોવા મળ્યો છે. વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કાની છેલ્લી મેચમાં નેધરલેન્ડ સામે પણ બોલિંગ કરી હતી. આ દરમિયાન તેણે નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સની વિકેટ લીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટની આ 9મી વિકેટ છે. ખાસ વાત એ છે કે તેણે 7 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ લીધી છે.
ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ નેધરલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓપનિંગ કરવા આવેલા રોહત શર્મા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ પછી વિરાટ કોહલી અને શ્રેયાર અય્યરે પણ પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું હતું. કેએલ રાહુલે પણ રનની લયને ધીમી થવા ન દીધી. આ તમામ બેટ્સમેનોએ 50થી વધુ રન બનાવ્યા હતા. વર્લ્ડકપના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ટીમના ટોપ 5 બેટ્સમેનોએ એક જ મેચમાં 50થી વધુ રન બનાવ્યા હોય. વર્લ્ડ કપમાં આ પહેલા ક્યારેય બન્યું ન હતું. શ્રેયસ અય્યરે 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. કેએલ રાહુલે પણ 40 બોલમાં 50 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો.