Sports

World Cup 2023: ફક્ત એક વિકેટ ગુમાવી ન્યૂઝીલેન્ડની શાનદાર જીત, ડેવન કોનવે 152 પર અણનમ

અમદાવાદ: (Ahmedabad) ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો (World Cup 2023) અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે આરંભ થઈ ચુક્યો છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ (England And New Zealand) વચ્ચે રમાઈ રહી છે. બપોરે 2 વાગ્યે મેચ શરૂ થઈ હતી. ન્યૂઝીલેન્ડએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યુઝીલેન્ડનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો. લોકી ફર્ગ્યુસન પણ ઈજાના કારણે બહાર છે. બીજી તરફ બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડના પ્લેઇંગ 11માં નથી. પૂરી 50 ઓવર રમીને 9 વિકેટ ગુમાવી ઇંગ્લેન્ડએ ન્યૂઝીલેન્ડને 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ન્યૂઝીલેન્ડએ એક વિકેટ ગુમાવી 36 ઓવર અને 2 બોલમાં જ 283 રન બનાવી લીધા હતા.

આજે ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે 9 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે આ લક્ષ્યનો પીછો 36.2 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને કરી લીધો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓપનર ડેવન કોનવેએ અણનમ 152 અને યુવા રચિન રવિન્દ્રએ અણનમ 123 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનરને બે-બે વિકેટ મળી હતી. છેલ્લી વખતની ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમને વર્લ્ડ કપની પહેલી જ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

ઈંગ્લેન્ડને પહેલો ફટકો ડેવિડ મલનના રૂપમાં લાગ્યો હતો. તેને આઠમી ઓવરના ચોથા બોલ પર મેટ હેનરીએ આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમની બીજી વિકેટ 13મી ઓવરના પાંચમા બોલ પર ગઈ. મિશેલ સેન્ટનરે ઓપનર જોની બેયરસ્ટોને આઉટ કર્યો હતો. બેયરસ્ટો 35 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. રચિન રવિન્દ્રએ ન્યૂઝીલેન્ડને ત્રીજી સફળતા અપાવી હતી. હેરી બ્રુકને બાઉન્ડ્રી પર ડેવોન કોનવેએ કેચ આપ્યો હતો.

ગ્લેન ફિલિપ્સે ન્યૂઝીલેન્ડને ચોથી સફળતા અપાવી. તેણે 22મી ઓવરના બીજા બોલ પર મોઈન અલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. મેટ હેનરીએ ન્યૂઝીલેન્ડને મેચમાં પાંચમી સફળતા અપાવી હતી. તેણે 34મી ઓવરના બીજા બોલ પર ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને આઉટ કર્યો હતો. બટલર 42 બોલમાં 43 રન બનાવીને આઉટ થયા હતા. ટ્રેન્ટ બોલ્ટે લિયામ લિવિંગસ્ટોનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને છઠ્ઠી સફળતા અપાવી હતી.

ઇંગ્લેન્ડે સતત બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. મિશેલ સેન્ટનરે 45મી ઓવરના છેલ્લા બોલ પર ક્રિસ વોક્સને આઉટ કર્યો હતો. વોક્સ 12 બોલમાં 11 રન બનાવીને વિલ યંગના હાથે કેચ આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં સેમ કરન પણ પેવેલિયન પરત ફર્યો હતો. કરન 19 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. મેટ હેનરીએ ત્રણ વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ કપની વર્તમાન આવૃત્તિની પ્રથમ અડધી સદી ઈંગ્લેન્ડના અનુભવી ખેલાડી જો રૂટે ફટકારી હતી. રૂટે 30મી ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો હતો. જોકે ઈંગ્લેન્ડનો મુખ્ય બેટ્સમેન જો રૂટ પણ 77 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 86 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. રૂટના બેટમાંથી એક સિક્સર પણ નીકળી હતી. ગ્લેન ફિલિપ્સે તેને 42મી ઓવરના પહેલા બોલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો.

જણાવી દઈએ કે મેચના પહેલા દિવસ બપોરે 12 વાગ્યાથી જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટ રસીકો પહોંચી ગયા હતા. મોટેરા ખાતે સ્ટેડિયમની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે બીજી તરફ પાર્કિંગને લઈને પણ લોકો વહેલા સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે મેદાનની અંદર શરૂઆતના તબક્કમાં વધુ દર્શકો જોવા મળ્યા ન હતા. જેન કારણે આયોજકો ચિંતામાં પડી ગયા હતા. દર્શકોમાં ઇંગ્લેન્ડના બેન સ્ટોકસને લઈ વધુ ક્રેઝ જોવા મળી રહ્યો હતો. મેચ શરૂ થયા બાદ પણ લોકો સ્ટેડિયમમાં પ્રવેશ લેતા જોવા મળી રહ્યા હતા.

જણાવી દઈએ કે વિશ્વ કપની મેચો ભારતના 10 શહેરોમાં રમાશે. હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતામાં સ્પર્ધાઓ યોજાઈ છે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં યોજાશે. 10માંથી ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં જશે. ગત વખતે આ જ ફોર્મેટમાં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઈંગ્લિશ ટીમે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. 2019ના વર્લ્ડ કપની ફાઈનલ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. ત્યારબાદ મેચ અને સુપર ઓવર ટાઈ થયા બાદ બાઉન્ડ્રી કાઉન્ટના નિયમ પ્રમાણે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

આ પહેલા બંને ટીમો વચ્ચે મેચ શરૂ થવા પહેલા જોસ બટલરે કહ્યું હતું કે અમે પોતાને ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે જોતા નથી. ટુર્નામેન્ટની પૂર્વસંધ્યાએ અહીં બેઠેલા દરેક વ્યક્તિની જેમ અમે પણ એક જ બોટમાં સવાર છીએ. અમારી ટીમ તૈયાર છે અને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (wk/c), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરેન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન
ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (wk/c), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મેટ હેનરી, મિશેલ સેન્ટનર, જેમ્સ નીશમ, ટ્રેન્ટ બોલ્ટ.

Most Popular

To Top