Sports

ટાઇમ આઉટ વિવાદના બીજા જ દિવસે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન વર્લ્ડ કપમાંથી બહાર, આ છે કારણ

વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) એક નિર્ણયને કારણે ચર્ચામાં આવેલા બાંગ્લાદેશના (Bangladesh) કેપ્ટન શાકિબ અલ હસન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ડાબી બાજુની તર્જની આંગળીમાં ઈજાના કારણે તે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટીમની છેલ્લી મેચમાં તે રમી શકશે નહીં. 6 નવેમ્બર 2023 ના રોજ દિલ્હીમાં શ્રીલંકા સામે બાંગ્લાદેશની અંતિમ લીગ તબક્કાની રમતમાં બેટિંગ કરતી વખતે શાકિબને ઈજા થઈ હતી. બાંગ્લાદેશ માટે આ એક મોટો ઝટકો છે કારણ કે તેને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે.

બાંગ્લાદેશ શ્રીલંકાની રમત બાદ શાકિબની આંગળીના એક્સ-રેમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી. જેના કારણે 11 નવેમ્બરે પુણેમાં ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશની ટુર્નામેન્ટની છેલ્લી મેચમાંથી શાકિબ બહાર થઈ ગયા છે. રાષ્ટ્રીય ટીમના ફિઝિયો બાયજેદુલ ઈસ્લામ ખાને ઈજા અંગે વધુ વિગતો આપી હતી. તેમણે કહ્યું કે શાકિબને તેની ઈનિંગની શરૂઆતમાં ડાબા હાથની તર્જની પર ઈજા થઈ હતી પરંતુ તેણે સપોર્ટિવ ટેપ અને પેઈનકિલર કાઈ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.

તેમણે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે મેચ પછી તેણે દિલ્હીમાં ઇમરજન્સી એક્સ-રે કરાવ્યો જેમાં ડાબા પીઆઈપી જોઈન્ટમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ. શાકિબના ત્રણથી ચાર અઠવાડિયામાં સાજા થવાની અપેક્ષા છે. ઇલાજ શરૂ કરવા માટે તે આજે બાંગ્લાદેશ જવા રવાના થશે. જણાવી દઈએ કે શાકિબે 65 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 82 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી અને પોતાની ટીમને શ્રીલંકા સામે ત્રણ વિકેટથી જીત અપાવી.

તેણે શાનદાર બોલિંગ કરી અને 57 રનમાં બે વિકેટ લીધી હતી. તણાવપૂર્ણ સ્થિતિમાં પણ ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ જ મેચમાં શાકિબે શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુસ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી અને લોકોએ આ વિવાદની ટીકા પણ કરી હતી. દિગ્ગજ ક્રિકેટરોનું માનવું છે કે શાકિબે રમતગમતની ભાવનાઓનું સન્માન કર્યું નથી જ્યારે બાંગ્લાદેશી કેપ્ટનનું કહેવું છે કે તેણે જે કર્યું તે ખોટું છે તો ICCએ નિયમોમાં ફેરફાર કરવો જોઈએ.

Most Popular

To Top