દુબઇ: (Dubai) સંયુક્ત આરબ અમીરાત(યુએઇ)ની સરકારે આજે જાહેરાત કરી હતી કે પહેલી જાન્યુઆરીથી તેના હાલની સપ્તાહના પાંચ દિવસના કામની નીતિ બદલાશે અને તેના બદલે સપ્તાહના કામકાજના દિવસો (Working Days) સાડા ચાર જ રહેશે. જ્યારે અઢી દિવસ કર્મચારીઓને આરામ મળશે. તેઓ શુક્રવારનો અડધો દિવસ અને શનિ, રવિ રજા (Holiday) માણશે. કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા અને કામ અને અંગત જીવન વચ્ચે સમતુલા સ્થાપવાના તેના પ્રયાસોના ભાગરૂપે કર્મચારીઓ (Employee) માટે સાનુકૂળ આવું પરિવર્તન કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
- યુએઇમાં હવે સપ્તાહના સાડા ચાર દિવસ જ કામ: આવો સુધારો કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો
- પહેલી જાન્યુઆરીથી નવી સિસ્ટમ અમલી બનશે: સોમથી ગુરુ પુરા કામકાજના દિવસ, શુક્રવારે અડધો દિવસ: સામાન્ય રીતે સવારના સાડા સાતથી બપોરના સાડા ત્રણ સુધીનો કામકાજનો સમય રહેશે
- શુક્રવારે બપોરના બાર વાગ્યા સુધી: પહેલી જાન્યુઆરીથી યુએઇમાં શુક્રવારની નમાઝનો સમય બપોરના ૧.૧પ પહેલા રાખી શકાશે નહીં
નવા કાર્યક્રમ મુજબ, સોમવારથી ગુરુવાર સુધી કામકાજનો સમય સવારના ૭.૩૦થી બપોરના ૩.૩૦ સુધીનો રહેશે, તેના પછી શુક્રવારે અડધો દિવસ કામ કરવાનું રહેશે, જેમાં કામનો સમય સવારના ૭.૩૦થી બપોરના ૧૨.૦૦ કલાક સુધી રહેશે, એમ યુએઇ સરકારની મીડિયા ઓફિસે જણાવ્યું હતું. શનિ અને રવિવાર એ આ નવા નિયમ મુજબ સંપૂર્ણ રજાના દિવસો રહેશે. આ જાહેરાતને અનુરૂપ હવે પછી શુક્રવારના તમામ ખુત્બા(પ્રવચન) અને નમાઝ બપોરના ૧.૧૫ વાગ્યા પછી જ કરવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે ઉત્પાદકતા અને કામકાજ તથા જીવન વચ્ચેની સમતુલા સુધારવા માટે ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી લાંબા સપ્તાહાંતો રહેશે.
આ નવી સિસ્ટમ પહેલા તો ફેડરલ સરકારના તમામ એકમોમાં અમલી બનાવાશે. શાળાઓ, કોલેજો અને ખાનગી સંસ્થાઓ તેને અનુસરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. દુબઇ અને અબુધાબીની અમીરાતી સરકારોએ સાડા ચાર દિવસના કામકાજના સપ્તાહની જાહેરાત કરી પણ દીધી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ નવું પગલું ફક્ત વ્યાપારની તકોને જ વેગ નહીં આપે પરંતુ એક સરળ, સલામત અને માણવા યોગ્ય જીવનની તકોમાં પણ વધારો કરશે, જે યુએઇ તેના નાગરિકો અને રહેવાસીઓને પુરી પાડે છે એમ આ અહેવાલમાં જણાવાયું છે.