સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સૌથી વધુ અસર અમેરિકા અને યુરોપમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે કુલ 88,526 લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે ગુુરૂવારે સવારે 11 વાગ્યા સુધીમાં કોરોનાના કુલ 15,19,012 પોઝિટિવ દર્દીઓ સમગ્ર વિશ્વમાં નોંધાયા હતા. જે દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે તે પૈકી 48,177 દર્દીઓનની પરિસ્થિતિ કટોકટ છે જ્યારે 1,51,507 દર્દીઓ મીડ કન્ડિશનમાં છે.
દરમિયાન બુધવારે અમેરિકાએ કોવિડ-19 કેસનો 4,00,000નો આંકડો પસાર કરી લીધો હતો. આ રોગચાળો અત્યાર સુધીમાં અમેરિકામાં ઓછામાં ઓછા 12,936 લોકોને ભરખી ગયો છે. બાલ્ટીમોર સ્થિત શાળાની ગણતરી અનુસાર પુષ્ટિ થયેલા 401,116 ચેપની સાથે તે વિશ્વમાં સૌથી આગળ પહોંચ્યું છે. આ પહેલા શનિવારે અમેરિકાએ 3,00,000નો આંકડો વટાવી લીધો હતો. બીજી તરફ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાવાયરસને કારણે એકલા યુરોપમાં જ 60,000 લોકોનો ભોગ લેવાયો છે અને આ આંકડો વિશ્વભરના સત્તાવાર મરણાંકના 70 ટકાથી વધુ છે.
બુધવારે ન્યુયોર્કમાં એક દિવસમાં સર્વાધિક મરણાંકનો વિક્રમ નોંધાયો હોવા છતાં ગવર્નર એન્ડ્રુ ક્યુઓમોએ કહ્યું હતું કે હવે આ રોગચાળો સ્થિર થઇ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 779 વ્યક્તિ મોતને ભેટ્યા છે. જે સોમવારના એક દિવસના મરણાંક 731 કરતાં વધુ હતો. બુધવારે બ્રિટનમાં કોવિડ-19ના કારણે વિક્રમી 938 લોકોના મોત નોંધાયા હતા, જે તેના આગલા એક દિવસમાં સર્વાધિક મોતના આંકડા કરતાં 152 વધુ હતો, તેની સાથે જ અહીં મરણાંક 7000 પાર થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કર્યું હતું કે 7મી એપ્રિલે સાંજે 5 વાગ્યે યુકેની હોસ્પિટલમાં દાખલ કોરોનાવાયરસના 7097 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. મંગળવાર સુધીનો કુલ મરણાંક 6159 હતો.