Gujarat

વિશ્વ કેન્સર દિવસ 2026 – GCRI બન્યું દેશનું અગ્રણી કેન્સર સારવાર કેન્દ્ર બન્યુ

26,810 નવા દર્દીઓને સારવાર, 9,147 અન્ય રાજ્યોમાંથી; રોબોટિક સર્જરી, HIPEC અને PET-CTમાં ઐતિહાસિક પ્રગતિ

ગાંધીનગર,તા.3
અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)એ વિશ્વ કેન્સર દિવસ 2026ના અવસરે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે હવે માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારતનું વિશ્વસનીય અને અગ્રણી કેન્સર સારવાર કેન્દ્ર બની ચૂક્યું છે. વર્ષ 2025 દરમિયાન GCRIમાં 26,810થી વધુ નવા કેન્સરના દર્દીઓ નોંધાયા, જેમાંથી 9,147 દર્દીઓ ગુજરાત બહારના રાજ્યોમાંથી આવ્યા હતા, જે GCRIને સશક્ત નેશનલ રેફરલ સેન્ટર તરીકે સ્થાપિત કરે છે.

GCRI તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર સહિતના રાજ્યોમાંથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, જે તેની રાષ્ટ્રીય સ્તરની વિશ્વસનીયતા અને આધુનિક આરોગ્ય સેવાઓનું પ્રતિબિંબ છે. ગુજરાતના આરોગ્ય માળખાને મજબૂત બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે GCRIના વિસ્તરણનો પાયો નાખ્યો હતો, જે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ઓળખ પામતું કેન્દ્ર બની રહ્યું છે.

રોબોટિક સર્જરી અને HIPECથી સર્જિકલ ઓન્કોલોજીમાં ક્રાંતિ
GCRIએ કેન્સરની સારવારમાં અદ્યતન ટેક્નોલોજી અપનાવીને નવો માપદંડ સ્થાપ્યો છે. ફક્ત 6 મહિનામાં 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઓ અને ગત 3 વર્ષોમાં 40 અત્યાધુનિક HIPEC (હાઇપરથર્મિક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી) પ્રોસીજર્સ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. પેટના જટિલ કેન્સર માટે ઉપયોગી HIPEC જેવી સારવાર હવે ગુજરાતમાં જ ઉપલબ્ધ થવાથી દર્દીઓને મોટી રાહત મળી છે.

PET-CT તપાસમાં ચારગણી વૃદ્ધિ
કેન્સરની ચોક્કસ ઓળખ અને સારવાર માટે જરૂરી PET-CT સ્કેનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2021માં 1,813 રહેલી PET-CT તપાસોની સંખ્યા 2025માં વધીને 6,333 થઈ છે, જે GCRIની ટેક્નોલોજીકલ ક્ષમતાનો સ્પષ્ટ પુરાવો છે.

વર્ષ 2025માં રેકોર્ડ આરોગ્ય સેવાઓ
વર્ષ 2025 દરમિયાન GCRIમાં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ નોંધાઈ, જેમાં 17,800થી વધુ સર્જરીઓ (50 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત), 50,130 કીમોથેરાપી સેશન્સ, 5,852 રેડિયેશન ટ્રીટમેન્ટ્સ અને 24.6 લાખથી વધુ લેબોરેટરી તપાસો કરવામાં આવી. આ આંકડાઓ GCRIની કાર્યક્ષમતા અને વધતી વિશ્વસનીયતાનું પ્રતિબિંબ છે.

પ્રિવેન્શન અને પ્રારંભિક ઓળખને સર્વોચ્ચ પ્રાથમિકતા
કેન્સરની વહેલી ઓળખ માટે GCRIએ 2025માં સમગ્ર ગુજરાતમાં 110 સામુદાયિક સ્ક્રીનિંગ કેમ્પ્સ યોજ્યા, જેમાં 12,000થી વધુ લોકોએ ભાગ લીધો. ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’ હેઠળ અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું મફત સ્ક્રીનિંગ થયું છે, જેમાંથી 118 કેન્સરના કેસો પ્રારંભિક તબક્કામાં જ શોધાઈ સારવાર શક્ય બની.
આ ઉપરાંત, HIV સંક્રમિત મહિલાઓ માટેના HPV DNA સ્ક્રીનિંગ કાર્યક્રમ અંતર્ગત 1,400થી વધુ મહિલાઓની તપાસ કરવામાં આવી, જેમાંથી 21 ટકા HPV પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું અને 57 સર્વિક્સ કાર્સિનોમા ઇન-સિટુના કેસોમાં

સમયસર સારવાર શક્ય બની.
વિશ્વ કેન્સર દિવસ પર 500 કેન્સર સર્વાઇવરોનું સન્માન
વિશ્વ કેન્સર દિવસ 2026ના દિવસે, 4 ફેબ્રુઆરીએ GCRI ખાતે 10 વર્ષથી વધુ સમયથી કેન્સર-મુક્ત જીવન જીવી રહેલા 500 સર્વાઇવરોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ સમારોહ સમાજ માટે પ્રેરણાસ્પદ સંદેશ આપશે કે સમયસર અને યોગ્ય સારવારથી કેન્સર પર વિજય શક્ય છે.

GCRI – વિશ્વ કેન્સર દિવસ 2026

  • ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) દેશનું વિશ્વસનીય કેન્સર સારવાર કેન્દ્ર બની; 26,810થી વધુ દર્દીઓને નવજીવન તેમજ 9140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવાર
  • વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપી GCRIમાં સંપન્ન થઈ
  • ફક્ત 6 મહિનામાં GCRIમાં 50 રોબોટિક સર્જરી, ગત 3 વર્ષમાં 40 અત્યાધુનિક HIPEC પ્રોસીઝર થઈ; 2021-2025 દરમિયાન અત્યાધુનિક PET-CT સ્કેન પણ 1813થી વધીને 6333 થયા
  • ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 118 કેન્સરના કેસની પ્રારંભિક તબક્કામાં જ ઓળખ થઈ
  • મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારથી દર્દીઓની ભારે આવક – GCRIની રાષ્ટ્રીય સ્તરની વિશ્વસનીયતા સાબિત
  • ફક્ત એક વર્ષમાં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ – કેન્સર સારવારમાં GCRI પર દેશનો વધતો વિશ્વાસ
  • 17,800થી વધુ સર્જરીઓ, 50,130 કીમોથેરાપીઓ અને 5,852 રેડિયેશન ટ્રીટમેન્ટ્સ – રેકોર્ડ લેવલ હેલ્થકેર ડિલિવરી
  • ફક્ત 6 મહિનામાં 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઓ – સર્જિકલ ઓન્કોલોજીમાં ઐતિહાસિક સિદ્ધિ
  • ગત 3 વર્ષોમાં 40 HIPEC પ્રોસીજર્સ – પેટના જટિલ કેન્સર માટે ગુજરાતમાં અદ્યતન સારવાર ઉપલબ્ધ
  • PET-CT સ્કેનમાં ચારગણી વૃદ્ધિ – 2021ના 1,813થી વધીને 2025માં 6,333 તપાસો
  • ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ – 118 કેસ પ્રારંભિક તબક્કામાં ઓળખાયા
  • 2025માં રાજ્યભરમાં 110 કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ્સ – 12,000થી વધુ લોકો સુધી પ્રિવેન્ટિવ હેલ્થકેર
  • વિશ્વ કેન્સર દિવસ 2026એ 10 વર્ષથી કેન્સર-મુક્ત 500 સર્વાઇવરોનું સન્માન – આશા અને પ્રેરણાનો શક્તિશાળી સંદેશ

વિશ્વ કેન્સર દિવસ–2026 – “United by Unique” થીમ સાથે રાજ્યમાં કેન્સર સામે વ્યાપક લડત

દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવાતા વિશ્વ કેન્સર દિવસ–2026ની થીમ “United by Unique” વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળ પર ભાર મૂકે છે. કેન્સર સામે દરેક વ્યક્તિની લડત અનન્ય હોવાથી સંવેદનશીલ, સમાન અને કરુણાસભર સારવાર જરૂરી છે. કેન્સર આજે ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. દેશમાં વર્ષ 2025માં અંદાજિત 14 લાખથી વધુ નવા કેન્સરના કેસ નોંધાયા હોવાનું નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના અહેવાલમાં દર્શાવાયું છે. ICMR–NCDIR મુજબ ગુજરાતમાં પુરુષોમાં 9માં 1 અને મહિલાઓમાં 12માં 1ને જીવનકાળ દરમિયાન કેન્સર થવાનો જોખમ છે, જેમાં પુરુષોમાં તમાકુ સંબંધિત અને મહિલાઓમાં સ્તન તથા સર્વાઇકલ કેન્સર વધુ જોવા મળે છે.

રાજય સરકારે છેલ્લા ચાર વર્ષમાં 30 વર્ષથી વધુ ઉંમરના 3 કરોડથી વધુ લોકોનું મોંઢાના કેન્સર, 1.6 કરોડથી વધુ મહિલાઓનું સ્તન કેન્સર અને 82 લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કરીને કેન્સરની વહેલી ઓળખને પ્રાથમિકતા આપી છે. રાજ્ય સરકાર તમાકુ મુક્તિ, આરોગ્યદાયક જીવનશૈલી, રસીકરણ અને જનજાગૃતિ અભિયાન દ્વારા કેન્સર નિયંત્રણ માટે સક્રિય છે. GCRI સાથે MoU કરીને શરૂ કરાયેલા ‘Training of Trainers’ કાર્યક્રમ હેઠળ 400થી વધુ નિષ્ણાતો દ્વારા રાજ્યભરના 37,000થી વધુ ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.પેટા આરોગ્ય કેન્દ્રોથી મેડિકલ કોલેજો સુધી સ્ક્રીનિંગ સુવિધાઓ અમલી બનાવાઈ છે, જ્યારે જિલ્લાકક્ષાના હોસ્પિટલોમાં ડે-કેર કીમોથેરાપી સેન્ટરો દ્વારા સારવાર સુલભ કરાઈ રહી છે. સાથે જ GCRI અને તેના સેટેલાઇટ સેન્ટરો દ્વારા OPD, તપાસ, સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપીની સેવાઓ પૂરી પાડીને રાજ્ય કેન્સર સામે સશક્ત લડત આપી રહ્યું છે.

Most Popular

To Top