વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આગામી 19 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે. જેમાં 13 કામો એજન્ડા ઉપર લેવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે શહેરના વિકાસના કામોની વિવિધ ગ્રાન્ટમાંથી ફાળવણી કરવામાં આવશે.
શહેરના વિકાસ માટેના કામોને વેગ આપવા માટે સામાન્ય સભામાં 13 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીસી 78 અંતર્ગત 2023 – 24ની આઉટ ગ્રોથ વિસ્તારની ગ્રાન્ટ પેટે રૂ. 5670 લાખની ફાળવણી કરવામાં આવી છે જે પરત્વે 16,734 લાખના વિકાસના કામોનો સમાવેશ કરી તે પૈકીના કામોને મંજૂરી આપવામાં આવશે.
ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલા વ્યવસાય વેરા ની ગ્રાન્ટ પેટે પ્રોરેટા ધોરણે મળવા પાત્ર 2762 લાખ પૈકી હાલ ઉપલબ્ધ રકમ 1381 લાખની ફાળવણી પરત્વે રૂ. 5376 લાખની વિવિધ આંતર માળખાકીય વિકાસનો સમાવેશ કરવામાં આવશે. આ સભામાં શહેરમાં રેવન્યુ શેરિંગ મોડ પાર આધારિત ઇલેક્ટ્રિક ચારેગિંગ સોલ્યુશન બેસાડવાના કામને મંજૂરી માટે મુકવામાં આવ્યું છે ઉપરાંત પાલિકામાં આઉટ સોર્સીંગથી 100 જેટલા પાવાળાઓની ભરતીનું કામ, વર્ષ 2024ની કુલ 32,000 નંગ ડાયરીઓ છપાવવા , ડાયરીની વેચાણ કિંમત નક્કી કરવા સહિતના કામો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. શહેરના વિકાસ માટે યોજાનાર આ સામાન્ય સભા શાંત રીતે પતે છે કે તોફાની બને છે. તે આવનારો સમય બતાવશે.