આણંદ : આણંદ શહેરમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલી બનાવાઈ છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલા 4 ભોજન વિતરણ કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર નાનામાં નાના વ્યક્તિની પણ દરકાર કરીને તેમને મહત્તમ લાભ આપી રહી છે. શ્રમિકોના સ્વાસ્થ્યનો વિચાર કરીને તેમને પૂરતી કેલરી વાળો આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત કર્યા છે, જેમાં અત્યાર સુધી 10 જિલ્લામાં 118 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત હતા, તેમાં વધારો કરીને નવા 155 કેન્દ્રો શરૂ કરવામાં આવતા હવે રાજ્યના 17 જિલ્લાઓમાં કુલ 273 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત થશે.
આણંદ જિલ્લામાં શરૂ થનાર નવા 4 ભોજન વિતરણ કેન્દ્રોના લોકાર્પણ થકી જિલ્લાના બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક શ્રમિકોને પૌષ્ટિક આહાર મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, બાંધકામ શ્રમિકો માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જે અંતર્ગત ધનવંતરી રથ થકી શ્રમિકોના આરોગ્યની કાળજી રાખવામાં આવે છે. આ ઉપરાંત શ્રમિકોના બાળકોને શિક્ષણ સહાય, સ્ત્રીઓને પ્રસુતિ સહાય, દીકરીના જન્મ સમયે ભાગ્યલક્ષ્મી બોન્ડ તેમજ આકસ્મિક મૃત્યુ ના કિસ્સામાં પણ સહાય આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શરૂ થયેલા 155 નવા ભોજન વિતરણ કેન્દ્રો પૈકી આણંદ જિલ્લામાં 4 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત આણંદ શહેરના સો ફૂટ રોડ પર આવેલ ભવનાથ મહાદેવ મંદિર પાસે, આણંદ શહેરની બોરસદ ચોકડી પાસેના ત્રી-પાંખીયા ઓવર બ્રીજ પાસે, વલ્લભવિદ્યાનગરના મોટાબજાર ખાતે ઇસ્કોન મંદિર સામે તેમજ બોરસદ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક શરૂ કરવામાં આવેલ ભોજન વિતરણ કેન્દ્રોનો બહોળી સંખ્યામાં શ્રમિકો લાભ લઈ શકશે. આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, કલેકટર પ્રવીણ ચૌધરી, નિવાસી અધિક કલેકટર આર. એસ. દેસાઈ, આણંદ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિત સંબંધિત અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.