Charchapatra

કામ કરો તેમાં જ બધા ઉપાય છે

તા. 25.11.22ના ‘ગુજરાતમિત્ર’માં ચર્ચાપત્ર કોલમમાં પ્રભા પરમારનું મજૂરનો દીકરો પણ માલિક બની શકે શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચી લખવા પ્રેરાયો. એમણે ગ્રેજયુએટ થયેલા યુવાનોને પોતાને લાયક નોકરી ન મળે તો તેમણે બાપુકો ધંધો કરવો જોઇએ અથવા તેઓએ જેમાં રસ રુચિ હોય તે ધંધો કરવો જોઇએ એ વાત કરી છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચાનો વ્યવસાય કર્યો હતો. દરેક કામ નિષ્ઠાથી થાય તો એમાં સફળતા મળે જ મળે. કોઇ પણ પ્રકારનું કૌશલ ધરાવનાર વ્યકિત ખૂબ કમાઈ શકે છે. સચીન તેંડુલકરે બેટીંગમાં કૌશલ પ્રાપ્ત કર્યું અને તેણે ક્રિકેટનો ભગવાન બિરુદ પ્રાપ્ત કર્યું. એનો અભ્યાસ ધો. 10 સુધીનો.

અભિનેતા રાજકપૂર પણ ઓછું ભણેલા પણ મહાન અભિનેતા દિગ્દર્શક, નિર્માતા બન્યા હતા. બોલપેનના કારખાનામાં નોકરી કરતા માણસે પારકર બોલપેન પોતે બનાવી હતી અને તે માલિક બન્યો. આજે આપણને વાયરમેન, ટર્નર, ફીટર કે આધુનિક યંત્રોને રીપેર કરનાર કારીગરો ઝાઝાં મળતાં નથી. એનું કારણ બધાને વ્હાઇટ કોલર જોબ જોઇએ છે. જો ભણેલો યુવાન માસ નિષ્ક્રિય બેસી રહે તો પેલી કહેવત છે ને નવરો બેઠો નખ્ખોદ વાળે. પોતે પોતાનો ધંધો વિકસાવે તો પોતે માલિક, કોઇની ગુલામગીરી નહીં પોતાનું શોષણ પણ નહિ થાય એ લટકામાં ફાયદામાં. બેકાર યુવાનોએ પોતાની વિચારસરણી બદલવાની જરૂર છે. આમ કરવાથી પોતાનો તો વિકાસ થાય જ તેની સાથે દેશનો પણ વિકાસ થાય.
નવસારી           – મહેશ નાયક     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પેન્શનરો અવાજ ઉઠાવતા શીખો
આશારામના પુત્ર નારાયણ સાંઇને જેલમાં રૂપિયા ચાર હજાર પોકેટ મની મળે છે અને EPS 95 (EPFO)ના પેન્શનરોને માત્ર ચારસોથી માંડીને બે હજાર રૂપિયા સુધીનું પેન્શન મળે છે! થોડા સમય પૂર્વેનાં વર્તમાનપત્રોના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે આ પેન્શન વધારવાની દરખાસ્ત ફગાવી દીધી છે. તો બીજી તરફ વર્ષો બાદ આ પેન્શન બાબતે સુપ્રિય કોર્ટનો જે ચુકાદો આવ્યો છે તેમાં અનેક વિસંગતતાઓ છે અને તેનાથી પેન્શરોને કોઇ લાભ ખાસ થશે નહીં! જેની સામે ધારાસભ્યો અને સાંસદોને ચૂંટાયા પછી અને ‘ઘેર બેઠા’ પછી પણ બખ્ખે-બખ્ખા જ છે! કેન્દ્ર સરકારે ૨૦૨૨ ના વર્ષમાં બે વાર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધાર્યું જેનો લાભ રાજય સરકારના કર્મચારી – પેન્શરોને પણ થયો છે. એટલે અન્યાય માટે EPS 95 ના પેન્શનરોને જ થાય છે, જેની સંખ્યા દેશમાં લાખોની છે. વિચારો કે આ બધા ભેગા થઇ સરકાર સામે અવાજ ઉઠાવે તો શું થાય? ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે જો સરકાર તમારું ના વિચારતી હોય તો સરકાર માટે તમારે ‘વિચારવું’ પડે!
સુરત     – ભાર્ગવ પંડયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top