Madhya Gujarat

કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે શરૂ કરાયેલા રેલવે ઓવરબ્રિજનું કામ પાંચ વર્ષથી પુરૂ થયું નથી

કાલોલ: કાલોલ વિસ્તારમાં સ્થાનિક નેતાગીરીની ક્ષમતા અને સરકારી તંત્રના વિકાસના કામોની લાલિયાવાડી દર્શાવતો દાખલો એટલે ડેરોલસ્ટેશનનો રેલવે ઓવરબ્રિજ. કાલોલથી પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક ગામોને જોડતા ડેરોલસ્ટેશન ખાતે પસાર થતી રેલવે લાઇન પરના મુખ્ય ફાટક પર થતી ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ અને પાછલા અનેક વર્ષોની રજૂઆતને પગલે વર્ષ ૨૦૧૪માં રેલવે અને રાજ્ય સરકારના સંયોજનથી રેલવે ઓવરબ્રિજ મંજૂર થયો હતો.

 જેનું વર્ષ ૨૦૧૫માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જોરશોર અને ધામધૂમથી જાહેર કાર્યક્રમ યોજીને વિકાસના કામોના ઢોલ પીટીને ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત કર્યું હતું અને બે વર્ષની ડેડલાઈન સાથે ઓગસ્ટ ૨૦૧૭માં લોકાર્પણ પણ કરવાની જાહેરાત કરી હતી. જેથી પ્રારંભે શુરા તંત્રએ અસરગ્રસ્ત ફાટક બંધ કરીને તેની ત્રણ ચાર કીમીનો ડાયવર્ઝન આપી તાંત્રિક ધોરણે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

પરંતુ દુર્ભાગ્યે ઓવરબ્રીજના પાયાના પિલ્લર ઉભા કર્યા સુધી વર્ષ ૨૦૧૭ના પ્રારંભે ઓવરબ્રીજ બનાવતી જવાબદાર કોન્ટ્રાકટ કંપની અને રાજ્ય સરકાર વચ્ચે ગમે તે કારણોસર ગુંચવાળો ઉભો થતાં ૨૦૧૭થી ઓવરબ્રીજની કામગીરી ખોરંભે ચડી જવા પામી હતી. જેથી ઓવરબ્રીજના ખાતમુહૂર્તના પાંચ વર્ષ અને અધુરી કામગીરી ચાર વર્ષ વીતી જવા છતાં હજુ સુધી તંત્રએ આ ગુંચવણ ઉકેલી શકી નથી અને ઓવરબ્રીજ બનાવવાની યોજના અદ્ધરતાલ લટકી રહી છે.

જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષથી મુખ્ય ફાટક બંધ રહેતા આ ફાટકને અસર કરતા અનેક ગામોના વાહનચાલકો અને સ્થાનિક લોકોની હાડમારીઓ રોજ વકરતી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખોરંભે ચઢેલા ઓવરબ્રીજને કારણે હાડમારીઓનો સામનો કરતા ડેરોલસ્ટેશન પંચાયતના સરપંચ, વિદ્યાર્થીઓ અને લોકોએ ગત વર્ષે ધરણાં ધરતાં તત્કાલીન સમયે વડોદરા સ્થિત પશ્ચિમ રેલવેના અધિકારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે ફાટક પાસે તાત્કાલિક અસરથી રેલવે અંડરગ્રાઉન્ડ ગરનાળું બનાવવાની જાહેરાત કરી હૈયાધારણા આપી હતી અને ગરનાળું બનાવવા માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું અને રેલવે તંત્ર દ્વારા એ ગરનાળું બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

પરંતુ એ ગરનાળાની કામગીરીના ૫૦% જેટલી કામગીરી કર્યા પછી પાછલા બે ત્રણ મહિનાથી ગરનાળાની કામગીરી પણ અધુરી છોડી દીધી છે જે અંગે રેલ્વે તંત્ર દ્વારા બાકીની મુખ્ય રેલવે લાઇન નીચે હોલ પાડવાની કામગીરી ચોમાસું સિઝન પછી દિવાળીએ કરવાની જાહેરાત કરી હતી. આમ પાછલા ચાર પાંચ વર્ષથી રેલવે ઓવરબ્રિજ અને વૈકલ્પિક રેલ્વે અંડરબ્રીજ બન્નેની કામગીરી અદ્ધરતાલ રીતે અધુરી રહી જતા સ્થાનિક લોકો અને વાહનચાલકોની હાલત નહી ઘરના કે નહીં ઘાટના ધોબીના કૂતરા જેવી બની ગઇ છે.

Most Popular

To Top