વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું. પરંતુ કોયલ અને મોર ઉદાસ હતા કોયલનો ટહુકાર અને મોરનો કેકારવ ગાયબ હતો. રાજા સિહંએ કારણ શોધવા માટે કાગડાને કહ્યું, કાગડાએ તપાસ કરી તો ખબર પડી કે એક દિવસ મોર અને કોયલ ગામમાં ગયા હતા ત્યાં એક ઘરની બારીમાંથી ટેલિવિઝન જોયું કે એક નૃત્યાંગના મોરના પીછા પહેરીને નૃત્ય કરી રહી હતી અને ગાયિકા મધુર કંઠે ગાય રહી હતી અને કાર્યક્રમની સમાપ્તિ બાદ બંનેનું સન્માન કરવામાં આવ્યું. ખૂબ તાળીઓથી તેમને વધારવામાં આવ્યા. આ કાર્યક્રમ જોઈને બંને ઉદાસ થઈ ગયા .. મોર અને કોયલ બંને વિચારવા લાગ્યા કે અમે તો દિન રાત મધુર વાણી અને મોહક અદાઓથી બધાને આનંદ આપીએ છીએ પરંતુ અમારી પ્રશંસા અને સન્માન તો કોઈ ક્યારેય નથી કરતું. કોઈ અમને તાળીઓથી નથી વધાવતું.
આ બધી વાત જાણ્યા બાદ કાગડાએ બંને પક્ષીઓને સમજાવ્યું કે સૌથી વધુ અપમાનજનક રીતે મને જોવામાં આવે છે. અમારા ગુણોની અવગણના કરવામાં આવે છે. અમે આસપાસની ગંદકીને સાફ કરીએ છીએ, અમે અન્ય પક્ષીઓની જેમ ઝઘડતા નથી, અમારો ભાઈચારો પણ સૌથી સાચો અને સારો છે, અમે અમારા જાત ભાઈના સુખ-દુઃખમાં સહભાગી થઈએ છીએ. મિત્ર અને મહેમાનોના આવવાની સૂચના આપીએ છીએ. છતાં લોકો અમારી કદર કરતા નથી છતાં અમે ગીતાના ઉપદેશ પ્રમાણે ફળની આશા રાખ્યા વિના અમારું કામ કરીએ જ છીએ ને…
આટલું સમજાવી કાગડાએ મોર અને કોયલ ને પૂછ્યું,’ શું તમે આજ સુધી પ્રસન્નતા અને પુરસ્કાર માટે નાચતા અને ગાતા હતા? શું આ વાતાવરણને ખુશ રાખવા માટે તમારી મહત્વની ભૂમિકા નથી? ‘ કાગડાની આ સમજાવટ પછી કોયલ અને મોર ફરી નાચવા ગાવા લાગ્યા. આખા જંગલમાં ખુશી અને આનંદની લહેર દોડી ગઈ બધા પ્રાણીઓ આનંદમાં આવી ડોલવા લાગ્યા. કાગડા એ કોયલ અને મોરને કહ્યું,’ જોયું તમારા નાચવા ગાવાથી બધા આનંદમાં આવી ગયા બધાના આનંદનું તમે કારણ છો આનાથી વધારે કયો પુરસ્કાર હોઈ શકે?’ બંને પંખીઓની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પ્રકૃતિએ આપણને સોંપેલું કર્મ કરવું જોઈએ ફળની ચિંતા અને ફળની કોઈ આશા ન રાખવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.