સુરત : થોડા સમય પહેલા સુરત (Surat) માં ભગવાન શ્રીગણેશ દૂધ પીતા હોવાની વાતે ભક્તોમાં ભારે કુતુહલ સર્જાયું હતું, ભક્તોએ ગણેશજીને દૂધ પીવડાવવા માટે દોટ મુકી હતી, ત્યાં હવે શિવાલયોમાં (Shivalaya) નંદી મહારાજ પાણી પીતા હોવાનો વીડિયો વાઇરલ (Video viral) થતા ભક્તો નંદી મહારાજને પાણી પીવડાવવા લાઇનમાં લાગી ગયા છે. શહેરના કામરેજ, પાંડેસરા, ભેસ્તાન અને ઉધના સહિતના વિસ્તારોમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે.
કહેવાય છે કે ભગવાન શિવ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરતા પહેલા મહાદેવના પોઠિયા નંદિ મહારાજની પૂજા કરવામાં આવે છે. તેમાં પણ નંદિ મહારાજને કાનમાં કહેલી વાત સીધી જ મહાદેવ સુધી પહોંચતી હોવાની પણ શ્રદ્ધા છે. આ વાતને અનેક લોકો માને છે તો બીજા અનેક લોકો અંધશ્રદ્ધા પણ ગણાવે છે. આવી શ્રદ્ધા રાખનાર અનેક લોકોની ઇચ્છા પણ પૂરી થાય છે. ત્યાં શિવાલયોમાં નંદી મહારાજને વાત કહેવાની સાથે જ હવે તે પાણી પીતા હોવાની વાત પણ વાયુવેગે પ્રસરી છે.
શહેરની આજુબાજુમાં આવેલા ગામડા વિસ્તારના શિવાલયોમાં આવી ઘટનાઓ બની છે, આ ઉપરાંત સુરતના પાંડેસરા, ભેસ્તાન, ઉધનામાં પણ શિવાલયોમાં નંદી મહારાજ પાણી પીતા હોવાની વાત પ્રસરી છે. નંદી મહારાજને અનેક લોકો પાણી પીવડાવવા માટે આવ્યા હતા અને તેઓએ પાણી પીધું હોવાના વીડિયો વાઇરલ થયા છે. મોડી સાંજે પ્રસરેલી આ વાત સમગ્ર સોશીયલ મીડિયામાં ખુબ જ વધુ ફેલાઇ છે. મહાદેવના ભક્તો પોતાની ઇચ્છાઓ પુરી થાય તે માટે નંદી મહારાજને પાણી પીવડાવવા માટે શિવાલયોમાં પહોંચીને લાંબી કતારમાં જોવા મળ્યાની વિગતો પણ મળી છે.
વલસાડ, પારડી, વાંસદા, ખેરગામમાં નંદીને દૂધ અને પાણી પીવડાવવા લાઈન લાગી
વલસાડ, પારડી, વાંસદા, ખેરગામ: શનિવારે સમી સાંજે સમગ્ર ગુજરાતમાં નંદી દૂધ અને પાણી પીતો હોવાની વાત વહેતી થતાં દક્ષિણ ગુજરાતમાં પણ ભક્તો મંદિરે ઊમટી પડ્યા હતા. વલસાડ શહેરના ધોબી તળાવ અને મોગરાવાડી વિસ્તારના મહાદેવના મંદિરમાં નંદીને દૂધ અને પાણી પીવડાવવા ભાવિકોની ભીડ લાગી હતી. ધોબી તળાવ વિસ્તારના પંચનાથ મહાદેવ મંદિરમાં 9 વાગ્યાથી સ્થાનિકો નંદીને પાણી પીવડાવતા જોવા મળ્યા હતા. ત્યાંથી આ વાત મોગરાવાડી પહોંચતાં ત્યાં લોકો નંદીને દૂધ પીવડાવવા પ્રયાસ કરી રહ્યા હતા. જો કે, વલસાડમાં મહાદેવ મંદિરમાં નંદી દૂધ નહીં પાણી જ પી રહ્યો હોવાનું પણ જોવા મળ્યું હતું.
પારડી તાલુકાના કિકરલા, ખડકી અને નાના વાઘછીપાના મહાદેવજીના મંદિરની આરસની મૂર્તિઓને ચમચી ભરી પાણી પીવડાવવા માટે લાઇન લાગી હતી. ખડકીમાં તડકેશ્વર મહાદેવજીના કાચબાને ચમચી ભરી પાણી પીવડાવવા લાંબી કતાર લાગી હતી. જેનો વિડીયો શનિવારે વાયરલ થયો હતો. થોડા વર્ષ અગાઉ પણ આ જ રીતે ગણપતિ બાપાએ ચમચીથી દૂધ પીધું હતું. એ સમયે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વાંસદા નગરના શંકર ફળિયા ખાતે આવેલા આશરે ૨૦૦ વર્ષ જૂના પૌરાણિક વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી નંદીની મૂર્તિ પાણી પીતી હોવાની વાત વહેતી થતાં શ્રદ્ધાળુઓનાં ટોળેટોળાં ઊમટી પડ્યા હતા. ભક્તોએ નંદીની મૂર્તિને પાણી પીવડાવવા માટે પડાપડી થઈ હતી.
તો ખેરગામના પાટી ગામના શિવમંદિર સહિતનાં મંદિરોમાં પણ નંદીને દૂધ અને પાણી પીવડાવવા માટે ભક્તોની મેદની ઊમટી પડી હતી. ભક્તો નંદીને દૂધ અને પાણી પીવડાવતા હોવાના વિડીયો વાયરલ થયા હતા. એ જ રીતે ચીખલીના બગલાદેવ મંદિર સહિતનાં મંદિરોમાં પણ ભક્તોની કતાર લાગી હતી.