Charchapatra

શબ્દ-ભાષા પ્રયોગ

માનવવ્યવહારમાં  કેટલીક વાર બોલાચાલી થાય એ સામાન્ય બાબત છે. ક્યારેક શાબ્દિક પ્રહારોને લીધે ઝઘડાનું સ્વરૂપ બદલાતાં વાત વણસી જતી હોય છે. ગુસ્સાથી સંબંધો પણ બગડે છે. બોલાચાલીમાં ગેરવર્તનનાં દૃશ્યો સર્જાતાં જોવા મળે છે. એકમેકને ઠેસ પહોંચી જાય એવું વર્તન કરતાં પહેલાં અહમને છોડવો આવશ્યક છે. સૌ જાણે છે કે અશોભનીય વ્યવહાર, અસંસ્કારી વર્તન, અભદ્ર ભાષામાં ગંદા-ગલીચ શબ્દપ્રયોગ જે તે વ્યક્તિની છાપ અને ચારે તરફનું વાતાવરણ બગાડવા પર્યાપ્ત છે.

ચર્ચા-દલીલ, ઝગડા વખતે વ્યક્તિ જે ખોટી ભાષાનો પ્રયોગ કરે, ઉગ્રતામાં માનવી સાવ નિમ્ન કક્ષાએ પહોંચી જાય, અંગત ટીકા, અંગત આક્ષેપો કરે તે શોભાસ્પદ નથી, સંસ્કાર નથી. ઘણાં એવું કહે છે કે સામેના વિરોધ પક્ષને શાંત કરવા મોટેથી બોલવું, ગાલી-ગલોચ કરો તો જ શાંત પડે-આ માન્યતા સાવ પાયા વગરની અને તદ્દન ખોટી જ છે. અહીં સવાલ આપણી ભાષા શિસ્તનો પણ છે. અશિસ્ત વર્તન કરનાર વાતાવરણ બગાડે છે. અન્યોની લાગણી દુભાવવાની, સાંભળનારને તકલીફમાં મૂકવાની આ રીત અયોગ્ય છે. આવી બાલિશતામાંથી મુક્ત થવાની તાતી જરૂર છે. તું તારી જીભને આજે મ્યાન રાખ, ક્યારેક તો મારા હ્રદયનું ધ્યાન રાખ. (આસુ-સંકલિત)
નવસારી           – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top