પરમ કલ્યાણકારી શિવને સમજવા અતિ કઠિન છે પણ શિવજીની કૃપા પામવી ખૂબ સરળ હોવાનું શાસ્ત્રોમાં સમજાવાયું છે. સમગ્ર જગતમાં શિવપ્રતિમા અને શિવલિંગ બંને પૂજનીય છે. શિવલિંગ શિવજીનું પ્રતીક છે. વાયુપુરાણમાં જણાવ્યાનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેમાં વિલીન થઈ જાય છે અને પુન: સૃષ્ટિનું સર્જન જ્યાંથી થાય છે તે તત્ત્વ શિવલિંગ.. એ પ્રકારે વિશ્વના સમગ્ર ઊર્જાસ્ત્રોતનું પ્રતીક શિવલિંગ છે. શ્રી શિવમહાપુરાણના સૃષ્ટિખંડના અધ્યાય 12 ના 82 થી 86 માં શ્લોકમાં બ્રહ્માજીના પુત્ર સનતકુમારજી વેદવ્યાસને ઉપદેશ આપતા કહે છે કે દરેક ગૃહસ્થીએ દેહધારી સદ્દગુરૂની દિક્ષા લઈને પંચદેવ (ગણેશ, સૂર્ય, વિષ્ણુ, દુર્ગા અને શિવ) પ્રતિમાઓનું નિત્ય પૂજન કરવું જોઈએ.
ખાસ કરીને શિવપૂજા કે શિવલિંગ પૂજા અવશ્ય કરવા માટે જણાવાયું છે કેમ કે શિવજી દેવો કે દેવ, સર્વોપરી દેવ છે. શિવલિંગ માત્રની પૂજાથી સર્વદેવતાઓ પ્રસન્ન રહે છે. એકવાર આવેશમાં દેવર્ષિ નારદજીથી વિષ્ણુ ભગવાનને શ્રાપ અપાઈ ગયો હતો પણ પછી પશ્ચાતાપ થતા વિષ્ણુ ભગવાને પશ્ચાતાપરૂપે શિવલિંગનુ પૂજન, શિવભક્તોનો સત્કાર અને શિવજીના સ્તોત્રોના જાપ વગેરે ક્રિયા કરવા જણાવેલું. શિવમહાપુરાણમાં સૃષ્ટિખંડમાં જ જણાવ્યા મુજબ સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુએ નિર્ગુણ, નિરાકાર, અજન્મા બ્રહ્મ એવા શિવને પ્રાર્થના કરી હતી કે પ્રભુ આપ પ્રસન્ન કેવી રીતે થાઓ? ત્યારે શિવજીએ સ્વમુખે કહ્યુ કે મને પ્રસન્ન કરવા શિવલિંગનું પૂજન કરો.
શિવલિંગ પૂજા સરળ છે. એક લોટી જળ, બિલ્વપત્ર અને ભભૂત થકી શિવલિંગ પૂજા સર્વપ્રકારના સંકટનો નાશ કરે છે અને જીવનની પ્રસન્નતા સાથે મનની શાંતિ મળે છે. આપણી સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મ પરંપરા મુજબ આપણે ત્યાં પ્રત્યેક શહેર, ગામ, કસબાઓમાં શિવમંદિર અચૂક જોવા મળે. મોગલ આક્રાંતાઓના મંદિરો ધ્વંશના અધમ કૃત્યો પછી પણ હજારો વર્ષ પૌરાણિક શિવમંદિરો આજે પણ અડીખમ ઉભા છે. ઉપરાંત સંસ્કૃતિની પરંપરાનુસાર કેટલાંયે શિવમંદિરો નિર્માણ થતા રહ્યાં છે. અહીં કેટલાંક શિવમંદિરોના વિશાળ શિવલિંગની વાત કરવી છે. તો કેટલાંક રહસ્યમયી શિવમંદિરો કે જેને વિજ્ઞાન પણ સમજવા અસમર્થ છે તેવી રસપ્રદ ઉલ્લેખ કરવો છે.
મધ્યપ્રદેશમાં ભોજપુર ખાતે 11મી શતાબ્દીમાં પરમાર રાજા ભોજે ભોજેશ્વર મંદિરનું નિર્માણ કરાવેલું. અહીં એક જ વિશાળ ચટ્ટાનમાંથી તૈયાર કરાયેલું 18 ફૂટ ઊંચું શિવલિંગ દર્શનીય છે. મધ્યપ્રદેશના કેટલાક અદ્દભૂત મંદિરોમાંનું આ એક પૌરાણિક મંદિર છે. સમુદ્રતટથી 5754 ફૂટની ઉંચાઈએ અરુણાચલ પ્રદેશના કદારાના ગાઢ જંગલોમાં જીરો નામના પ્રદેશમાં સિધ્ધેશ્વરનાથ મંદિર આવેલું છે. અહીં પ્રાકૃતિક શિવલિંગનુ સ્વરૂપ ઘણું જ વિશાળ છે. શિવપુરાણના 17મા અધ્યાયના રૂદ્રખંડમાં આવતા વર્ણન મુજબ અરૂણાચલ પ્રદેશના જંગલોમાં એક શિવલિંગ જમીનની અંદર હતું. જે 2004માં કેટલાંક કઠિયારાઓ લાકડા કાપવા જંગલમાં ગયા હતા ત્યાં તેમણે શોધી કાઢ્યુ હતું. 25 ફૂટની ઉંચાઈ અને 22 ફૂટની પહોળાઈ ધરાવતા આ શિવલિંગની આજુબાજુ ગણેશજી, પાર્વતીજીની મોહક પ્રતિમાઓ પ્રસ્થાપિત છે. સિધ્ધેશ્વરનાથ મંદિર એક અદ્દભૂત દર્શનીય સ્થળ બની રહ્યું છે.
મધ્યપ્રદેશના અનુપપુરમાં અમરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં એક જ ચૂનાના પથ્થમાંથી બનેલું 11 ફૂટ ઊંચું શિવલિંગ છે. નર્મદા નદીના ઉદ્દગમ સ્થાન એવા આ સ્થળે દ્વાદશ જ્યોર્તિલિંગ પણ પ્રસ્થાપિત છે. ખૂબસુરત અને શાંત વાતાવરણમાં નિર્મિત આ મંદિરની આજુબાજુ વહેતા ઝરણાંઓ પ્રાકૃતિક વાતાવરણમાં મોહકતાની અભિવૃધ્ધિ કરે છે. ઝારખંડના ગિરિડીહ વિસ્તારમાં લગભગ 25 એકર જમીન પર હરિહર ધામ શિવમંદિરનું નિર્માણ થયું છે. અહી સૌથી ઊંચું ગણાતું 65 ફૂટ ઊંચાઈ નું વિશાળ શિવલિંગ જોવા મળે છે. આ શિવલિંગના દર્શનાર્થે લોકો ઉમટી પડે છે. ખાસ કરીને શ્રાવણમાસમાં ભારતભરમાંથી શ્રધ્ધાળુ આવે છે. આ પર્યટક અને યાત્રાધામ જેવા સ્થળે અદ્યતન સગવડો હોવાથી લગ્ન, સમારંભો અને શુભકાર્યો માટે લોકપ્રિય બન્યું છે.
તામિલનાડુનું બૃહદેશ્વર મંદિર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે સુરક્ષિત કરાયું છે. એક હજાર વર્ષ પહેલા એટલે કે 11મી સદીમાં ચોલ શાસકો દ્વારા આ મંદિરનું નિર્માણ કરાયેલું. રાજરાજ ચોલ નામના રાજાએ 1003 થી 1010 દરમ્યાન આ મંદિર બંધાવેલ, 13 માળના ઊંચા આ મંદિરમાં 1,30,000 ટન ગ્રેનાઈટ વપરાયો છે. લોખંડ, લાકડું કે સિમેન્ટ વગર આ મંદિરનું સ્થાપત્ય વાસ્તુશાસ્ત્રનો અદ્દભુત નમૂનો છે. અહી મંદિરમાં 13.5 ફૂટ ઊંચુ શિવલિંગ છે તો પ્રાંગણમાં એક જ પથ્થરમાંથી કંડારાયેલ 13 ફૂટ ઊંચા નંદીની પ્રતિમા પણ છે.
ખાસ બાબત તો એ છે કે આજુબાજુ 60 કિ.મી. ના અંતરમાં ક્યાંય ગ્રેનાઈટ પથ્થરની ખાણ નથી તો આટલો પથ્થર ક્યાંથી લાવ્યા હશે? એક માહિતી એવી મળી કે દૂરથી પથ્થરો લાવવા માટે 3000 હાથીઓનો ઉપયોગ કરાયો હતો. મંદિરની ઉપર વિશાળ ઘુમ્મટ પણ અત્યારના આધુનિક સાધનો વગર કેવી રીતે બનાવ્યો હશે તેનું સંશોધકો આજે પણ સંશોધન કરી રહ્યાં છે. આ ઘુમ્મટ 80 ટનના એક જ પથ્થરમાંથી કંડારવામાં આવ્યો છે.
ઊંચા અને વિશાળ શિવલિંગની વાત હોય ત્યારે અમરનાથના બરફના શિવલિંગને કેમ ભૂલાય? જમ્મુ અને કાશ્મીર સ્થિત અમરનાથ ગુફા મંદિરમાં પ્રતિ વર્ષ સ્વયંભૂ નિર્માણ થતા બરફનું આ શિવલિંગ 130 ફૂટ ઊંચું છે. પ્રતિવર્ષ સ્વયં નિર્માણ થતું હોવાથી ઊંચાઈ ઓછી-વધતી થતી રહે છે. સમુદ્રતટથી 3,888 મીટરની ઊંચાઈએ આવેલ બાબા અમરનાથ મંદિર સનાતનીઓનું પવિત્ર તીર્થધામ છે. કેરળના થિરુવનંતપુરમ જિલ્લાના ચેંકલ ખાતે મહેશ્વરમ શ્રી શિવ-પાર્વતી મંદિર આવેલું છે. ઇંડિયા બુક ઓફ રેકોર્ડસમાં નોંધાયેલ અહીંના શિવલિંગની ઊંચાઈ 111 ફૂટ છે. વેલણાકારમાં નિર્મિત આ મંદિરમાં આઠ માળ છે. માનવ શરીરના ઊર્જાકેન્દ્ર-ચક્રો સાથે અહીંના છ માળ સંકળાયેલા છે.
કર્ણાટકના કોલાર જિલ્લાના કમસમંદ્રા ગામમાં અદ્દભૂત કોટીલિંગેશ્વરા સ્વામી મંદિર આવેલું છે. સંભા શિવમૂર્તિ નામના સ્વામીજી અને તેની પત્ની રુકમણીજીએ આ મંદિર 1980માં જીર્ણોદ્ધાર કરીને બનાવેલું છે. મૂળ દશમી શતાબ્દીમાં અહીં મંદિરની સ્થાપના થયેલી. કોટી એટલે કરોડ, કોટીલિંગેશ્વર એટલે કે એક કરોડ શિવલિંગ અહીં સ્થાપિત થયેલા જોવા મળે છે. વચ્ચે વિશાળ 108 ફૂટ ઊંચુ શિવલિંગ છે. તેની સામે નંદીની ભવ્ય અને વિશાળ પ્રતિમા પ્રતિષ્ઠિત છે જેની ઉંચાઈ 35 ફૂટ છે, 60 ફૂટ લંબાઈ અને 40 ફૂટ પહોળાઈ છે. અહીં લોકો માનતા માગે છે અને માનતા પૂર્ણ થયે એક ફૂટ થી ત્રણ ફૂટ સુધીના શિવલિંગની પ્રતિષ્ઠા કરાવે છે.
એક, બે નહિ, સેંકડો હજારો કે લાખો નહીં પણ એક કરોડ શિવલિંગ એવી રીતે ગોઠવાયેલા છે કે તમારી નજર પણ પહોંચે નહીં. આવું સ્થળ ભારતમાં છે એ પણ ઘણાંબધાને ખબર નહી જ હોય. આ મંદિરની આજુબાજુમાં બ્રહ્માજી, વિષ્ણુજી, રામ-લક્ષ્મણ-સીતાજી તથા વેંક્ટરમાની સ્વામીના અન્ય 11 મંદિરો પણ છે. આ વિશાળ દર્શનીય સ્થળે યાત્રાળુઓ અને પર્યટકોનો સતત ધસારો રહે છે. શ્રાવણમાસ અને શિવરાત્રી દરમ્યાન શ્રધ્ધાળુઓની સંખ્યા બે લાખ સુધી પહોંચી જાય છે.
ઉ.પ્ર.ના હાપુડ જિલ્લામાં ગઢમુક્તેશ્વર ગામ ખાતે પ્રાચીન ગંગા મંદિર છે. અહીં શિવમંદિરના શિવલિંગમાં ઉપર પ્રતિવર્ષ દેવી-દેવતાઓની આકૃતિઓ ઉપસી આવે છે. જેનું રહસ્ય આજે પણ સંશોધકો માટે સંશોધનનો વિષય બની ગયો છે એટલું જ નહીં આ મંદિર સુધી 108 પગથિયાં ચઢીને જવું પડે છે આ પગથિયાં કયા પથ્થરને કેવી રીતે ગોઠવીને બનાવ્યા છે એ પણ સંશોધનનો વિષય એટલા માટે છે કે તેના પર ઝડપથી ચઢો કે ઉતરો અથવા તો પથ્થર તેના પર ફેંકો તો પાણીની છાલક મારતા હોય તેવો અવાજ આવે છે. મૂળ આ જગ્યા ખૂબ જ પૌરાણિક મનાય છે અને મહાભારતના ઉલ્લેખ મુજબ હસ્તિનાપુરનો એક ભાગ હતો.
ઓરિસ્સાના ટિટલાગઢમાં કુમ્હાડા વિસ્તાર એ પહાડી વિસ્તાર છે. અહીં પથરીલા પર્વતોને કારણે પ્રચંડ ગરમી હોય છે પણ અહીં પ્રસ્થાપિત એક શિવ મંદિરની એવી રચના છે કે મંદિરની અંદર માત્ર પગ મૂકતા જ એકદમ શીતળ, ઠંડા વાતાવરણનો અનુભવ થાય છે. પણ મંદિરમાંથી બહાર નીકળો એટલે એજ કાળઝાળ ગરમી સહેવી પડે. એવું કેવું સ્થાપત્ય હશે આ મંદિરનું કે સખત ગરમીમાંયે મંદિરમાં એરકંડીશન જેટલી ઠંડક અનુભવાય. આ રહસ્ય આજે પણ રહસ્ય જ રહ્યું છે.
બાંગરમઉ ઉન્નાવનગરની દક્ષિણે કટરા-બિલ્હૌર માર્ગ પર બોધેશ્વર મહાદેવ મંદિર પ્રસ્થાપિત છે. અહી પંચમુખી શિવલિંગ છે. લોકોમાં માન્યતા છે કે શિવલિંગનો સ્પર્શ કરવાથી બિમારીઓ મટી જાય છે. ઉપરાંત એક હકીકત એવી છે કે રોજ મધ્યરાત્રિએ પંચમુખી શિવલિંગને સ્પર્શ કરવા કેટલાક સાપ આવે છે અને સ્પર્શ કરી પાછા જંગલમાં ચાલ્યા જાય છે. પણ નવાઈ એ બાબતની છે કે આ રોજીંદા ક્રમમાં કોઈપણ માણસને સાપે ક્યારેય ક્ષતિ નથી પહોંચાડી.