Sports

મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ : નિખત, સાક્ષી અને નુપુરની વિજયી શરૂઆત

નવી દિલ્હી : આજે ગુરૂવારથી અહીં શરૂ થયેલી મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં (Women’s World Boxing Championship) ભારતની ટોચની બોક્સર (Boxer) નિખત ઝરીને રેફરી સ્ટોપ કોન્ટેસ્ટ (આરએસસી) દ્વારા અઝરબૈજાનની અનાખાનિમ ઈસ્માઈલોવાને કારમી હાર આપીને પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. આ સાથે જ ભારતની ડેબ્યુટન્ટ સાક્ષી અને નુપુર શેઓરને પણ પહેલા રાઉન્ડની જીત સાથે વિજયી શ્રીગણેશ કર્યા હતા.

  • નિખતના પંચના પાવરથી રેફરીએ બીજા રાઉન્ડમાં જ હરીફ અનાખાનિમ ઇસ્માઇલોવાને બચાવવા મેચ અટકાવી દેવી પડી
  • ડેબ્યુટન્ટ સાક્ષીએ કોલંબિયાની માર્ટિનેઝ મારિયા જોસ અને નુપુર શેઓરને ગુયાનાની અબીઓલા જેકમેનને હરાવી

ટૂર્નામેન્ટની શરૂઆત જ આ ટાઇટલ માટેની પ્રબળ દાવેદાર રહેલી નિખતની બાઉટથી થઇ હતી અને તેણે ઘરના પ્રેક્ષકોને નિરાશ કર્યા ન હતા. કોમનવેલ્થ ગેમ્સ 2022ની ગોલ્ડ મેડલિસ્ટ નિખતે 50 કિગ્રા વર્ગમાં તેની હરીફને જજ કરવામાં થોડો સમય લીધો હતો પરંતુ એકવાર તે અઝરબૈજાનની બોક્સરની રમત સમજી ગઈ, તે પછી તેણે પાછળ વળીને જોયું નહોતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા છતાં બિનક્રમાંકિત તરીકે રીંગમાં ઉતરેલી નિખતે જોરદાર પ્રહાર કરીને એવા પંચ માર્યા કે રેફરીએ ત્રણની ગણતરી કરીને ઈસ્માઈલોવાને સમય આપ્યો અને પછી બીજા રાઉન્ડમાં જ ફાઈટ અટકાવી દીધી. ચેમ્પિયનશિપમાં બિનક્રમાંકિત હોવા અંગે નિખતે કહ્યું હતું કે તે કોઈ સમસ્યા નથી. તે ડ્રો પર આધાર રાખે છે અને કોઈપણ સીડ મેળવી શકે છે. તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ મારો ડ્રો સારો છે અને જેમ જેમ સ્પર્ધા આગળ વધશે તેમ હું સખત સ્પર્ધાનો સામનો કરીશ.
નિખત હવે ટોચની ક્રમાંકિત અને 2022ની આફ્રિકન ચેમ્પિયન રુમેસા બૌલમ સામે ટકરાશે. તેણે કહ્યું હતું કે હું તે બોક્સરને ઓળખું છું પરંતુ હું તેની સામે ક્યારેય રમી નથી. હું ખુશ છું કે મેં ભારત માટે પ્રથમ મેચ લડી અને આશા રાખું છું કે હું તેનો સારી રીતે અંત કરીશ. અન્ય એક બાઉટમાં ભારતની ડેબ્યુટન્ટ સાક્ષી 52 કિગ્રાની કેટેગરીના પ્રથમ રાઉન્ડમાં કોલંબિયાની માર્ટિનેઝ મારિયા જોસને સર્વસંમત નિર્ણય સાથે 5-0થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી. જ્યારે નુપર શેઓરને પણ ગુયાનાની અબીઓલા જેકમેનને સર્વસંમત નિર્ણય સાથે 5-0થી હરાવી હતી.

Most Popular

To Top