Sports

મહિલા વર્લ્ડકપ : પાકિસ્તાને 13 વર્ષ અને સતત 18 હાર પછી જીત મેળવી

સોમવારે અહીં રમાયેલી વરસાદથી પ્રભાવિત મહિલા વર્લ્ડકપની એક મેચમાં અનુભવી સ્પીનર નિદા દારની પ્રભાવક બોલિંગ અને ઓપનર મુનીબા અલીની ઉપયોગી ઇનિંગની મદદથી પાકિસ્તાને વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે હરાવીને આઇસીસી મહિલા વર્લ્ડકપમાં 13 વર્ષ અને સતત 18 પરાજય પછી પોતાનો પહેલો વિજય મેળવ્યો હતો. વરસાદ અને આઉટફિલ્ડ ભીનું હોવાના કારણે ટુંકાવીને મેચ 20-20 ઓવરની કરવામાં આવી હતી. જેમાં વેસ્ટઇન્ડિઝની ટીમ 7 વિકેટે 89 રન બનાવી શકી હતી અને પાકિસ્તાને 18.5 ઓવરમાં બે વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કર્યો હતો.
પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી દાવ લેવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમ નિદા દારની જોરદાર બોલિંગ સામે લથડી પડી હતી. નિદાએ 4 ઓવરમાં માત્ર 10 રન આપીને ચાર વિકેટ ઉપાડી હતી. વેસ્ટઇન્ડિઝ વતી માત્ર ડિએન્ડ્રા ડોટિન 27, કેપ્ટન સ્ટેફની ટેલર 18 અને એફી ફ્લેચર નોટઆઉટ 12 રન બનાવીને બે આંકડે પહોંચી શકી હતી. પાકિસ્તાન માટે પણ લક્ષ્યાંક કબજે કરવો સરળ નહોતો, જો કે ઓપનર મુનીબા અલીએ 43 બોલમાં 37 રન બનાવીને સારો પાયો નાંખ્યો હતો અને તે પછી કેપ્ટન બિસ્માહ મારૂફે નોટઆઉટ 20 તેમજ ઓમાઇમાં સોહેલે નોટઆઉટ 22 રન કરીને ત્રીજી વિકેટની 33 રનની નોટઆઉટ ભાગીદારી વડે ટીમને જીતાડી હતી.

Most Popular

To Top