પેટલાદ : સોજિત્રાના કડીયાવાડ વિસ્તારમાં આવેલા માદર તળાવમાં ગંદકીના પ્રશ્નો પ્રજામાં ભારે રોષની લાગણી જન્મી છે. આ તળાવ પાસે મૃત પશુઓના અવશેષો નાંખવામાં આવતા આસપાસના રહિશો ભડક્યાં હતાં અને શુક્રવારના રોજ પાલિકા ખાતે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. આ વિસ્તારમાં અસહ્ય ગંદકીને કારણે સ્થાનિક રહિશોમાં રોગચાળાની દહેશત ફેલાઇ છે. આ અંગે અગાઉ પણ અનેક રજુઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઇ પગલાં ન ભરાતાં સમસ્યા ઠેરની ઠેર છે. જેથી રહિશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સોજીત્રા નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નં.6માં કાઠીયાવાડ, વણકર વાસ, વ્હોરા વાડ, મંદિરવાળુ ફળીયું વગેરે વિસ્તારો આવેલો છે. આ વિસ્તારના મધ્યે માદર તળાવ આવેલું છે. આ તળાવ હાલ સદંતર ગંદકીમાં ગરકાવ થઈ ગયેલું જોવા મળે છે. અહીં પાલિકા દ્વારા દિવસ દરમ્યાન નગરની સફાઈ કરી તમામ સૂકો ભીનો કચરો આ તળાવ પાસે ઠલવાય છે. ટનબંધ કચરો અને ગંદકીમાં ગાય, કૂતરા, પશુ, પક્ષી ફરતા જોવા મળે છે. જેને કારણે એ ગંદકી વિસ્તારમાં ચારે બાજુ ફેલાય છે. ગંદકીથી ખદબદ તળાવની અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિક રહિશો ત્રાહિમામ પોકારી ગયા છે.
તેમાંય છેલ્લા ત્રણેક વર્ષથી બકરી ઈદના તહેવાર સમયે મૃત પશુઓનો કચરો અહિયાં ઠલવાતા રહિશો બિમારીના ભોગ બનતા હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન છે. આ ઉપરાંત માદર તળાવ પાસે પાલિકાની જગ્યા ઉપર જ મૃત પશુઓનો કચરો કે અવશેષો નાંખવા પાલિકા દ્વારા એક ખાડો ખોદવામાં આવ્યો હતો. જેને કારણે જ બકરી ઈદના તહેવાર અગાઉ કડીયાવાડની મહિલાઓએ આ તમામ મુદ્દાઓ આધારિત લેખીત અરજી નગરપાલિકા, મામલતદાર, પોલીસ સ્ટેશન વગેરેમાં આપી હતી. આમ છતાં તહેવારના દિવસે કુરબાની આપેલા મૃત પશુઓનો કચરો અહીંયા ઠલવાતા સ્થાનિક રહિશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
જેથી શુક્રવારના રોજ કડીયાવાડની મહિલાઓ પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. પરંતુ પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી કાઉન્સિલર દુષ્યંતભાઈ ભટ્ટને સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરતા કહ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રશ્ન છે. તળાવમાં ભારે ગંદકીને કારણે અમારા ઘરના દરવાજા કાયમ બંધ રાખવા પડે છે. અમારા બાળકો અને વડીલોના આરોગ્ય જોખમમાં મૂકાયા છે. ઉપરથી મૃત પશુઓનો કચરો અહીંયા ઠલવાતા અમારી તકલીફો વધી છે.
આ અંગે દુષ્યંતભાઈએ હૈયાધારણા આપી હતી કે, વહેલી તકે આ સમસ્યાનો સુખદ અંત આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાનો વિધીવત પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે માદર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. જો આવામાં રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની ? શા માટે પાલિકાની તળાવની સફાઇ નથી કરતા ? શા માટે આ વિસ્તારના લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે ? આવા અનેક પ્રશ્નો સ્થાનિક રહિશોમાં ઉઠવા પામ્યા છે.
જાહેરનામાનો ભંગ છતાં કોઇ સામે પગલાં ન ભરાયાં
બકરી ઈદના તહેવાર પૂર્વે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે, પશુની કુરબાની આપ્યા બાદ તેના અવશેષો કે કચરો ખુલ્લામાં નાખવો નહીં. આમ છતાં સોજીત્રાના માદર તળાવ પાસે રાત્રે પણ મૃત પશુઓનો કચરો ખુલ્લામાં નાંખ્યો હોવાનું સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું. જો કે શુક્રવારે વહેલી સવારે આવો તમામ કચરો ઉઠાવી લેવામાં આવ્યો હતો. પરંતુ જાહેરનામાની ઐસીતૈસી કરી આવું કૃત્ય કરનાર તત્વો સામે કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી. શા માટે અહીંયા જ આટલી બધી ગંદકી ફેલાવવામાં આવી રહી છે ? આવા પણ અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
પાલિકામાં પ્રમુખ કે ચીફ ઓફિસર ફરકતા નહીં હોવાની બૂમ
સોજીત્રા પાલિકામાં બજેટ સંદર્ભે વિવાદ થતાં અનિર્ણીત રહ્યું હતું. જેથી હાલ પાલિકા માત્ર પગાર અને પ્રાથમિક જરૂરિયાતના ખર્ચ કરતા હોવાનું જાણવા મળે છે. તેમાંય કેટલાક સફાઈ કામદારો શોષણ થતું હોવાના મુદ્દે હડતાળ ઉપર છે. જેથી કોઈને કોઈ વિવાદમા ઘેરાયેલી સોજીત્રા પાલિકામાં પ્રમુખ કે ચીફ ઓફિસર ફરકતા નહીં હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. તેમાંય ચીફ ઓફિસર તો મોબાઈલ કોલ પણ રિસીવ કરવાની તસ્દી લેતા નથી. જેને કારણે નગરમાં પ્રશ્નો અને સમસ્યાઓનું કોકડું વધુ ગુંચવાતું જતું હોવાનું જાણવા મળે છે.
ધારાસભ્યએ સમસ્યાના નિરાકરણ માટે ચીફ ઓફિસરને સુચના આપી
સોજીત્રાના માદર તળાવની ગંદકીને લઈ ધારાસભ્યને પણ જાગૃત નાગરીક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે ધારાસભ્યે દરમ્યાનગીરી કરતા ચીફ ઓફિસરને આ અંગે જાણ કરી વહેલીતકે સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે. જોવાનું એ રહેશે કે ધારાસભ્ય અને ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખના આદેશનું પાલન થાય છે કે કેમ ? કે પછી શેઠની શીખામણ ઝાંપા સુધી જ રહેશે.
આંગણવાડીના બાળકોનું આરોગ્ય જોખમમાં મુકાયું
માદર તળાવની અસહ્ય ગંદકી વચ્ચે આંગણવાડી આવેલી છે. જ્યાં રોજેરોજ નાના બાળકો આવતા હોય છે. જેઓના આરોગ્ય સામે પણ ચેડાં થઈ રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આંગણવાડી દ્વારા પણ અનેક વખત લેખીત અને મૌખીક રજૂઆતો પાલિકાને કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આમ છતાં પાલિકાના સત્તાધિશો આ પ્રશ્નને ગંભીરતાથી નહીં લેતા હોવાની વાત ચર્ચામાં છે.