ભારતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાને કારણે ઘણાં દેશોએ મુકેલા ટ્રાવેલ પ્રતિબંધોને ધ્યાને લઇને આઇપીએલ દરમિયાન રમાતી ત્રણ ટીમો વચ્ચેની વુમન્સ ટી-20 ચેલેન્જનું આયોજન આ વર્ષે થવાની સંભાવના જણાતી નથી. બીસીસીઆઇ હવે ભારતીય મહિલા ક્રિકેટરો માટે એક કેમ્પનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે.
ભારતમાં વઘેલા કોરોના સંકટને કારણે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝના ક્રિકેટર ભારત આવી શકે તેમ નથી. બીસીસીઆઇના એક ટોચના સૂત્રએ માહિતી આપી હતી કે ભારતીય ખેલાડીઓના ક્વોરેન્ટીનનો મુદ્દો નથી પણ હાલના સમયે કોઇ વિદેશી ખેલાડી ભારત આવવા ઇચ્છતા નથી. અમે પાછળથી સ્થિતિ સુધરશે ત્યારે તેનું આયોજન કરીશું.
ગત વર્ષે યુએઇમાં રમાયેલી આઇપીએલની સિઝન દરમિયાન રમાયેલી મહિલા ટી-20 ચેલેન્જમાં ઓસ્ટ્રેલિયાની એકપણ મહિલા ખેલાડી બિગબેશ ચાલુ હોવાને કારણે રમવા આવી નહોતી. એસ સૂત્રએ એવી પણ માહિતી આપી હતી કે મહિલા ટી-20 ચેલેન્જ દિલ્હીમાં રમાવાની હતી પણ હાલ બધા દિલ્હી જવાથી ડરી રહ્યા છે.