સુરત: (Surat) આજે આપણે વિશ્વ મહિલા દિવસે નારી શક્તિની વાત કરી રહ્યા છે. એવી મહિલાઓ જેમનું સમાજના ઘડતરમાં સમાજના સિંચનમાં યોગદાન છે. વિશ્વ મહિલા દિવસ (International Womens Day) નારીરત્નોને નવાજવાના ખાસ દિને એક ખાસ મહિલા આઈ.પી.એસ.ની સંઘર્ષમય દાસ્તાન અનેક મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવામાં સફળ થઈ છે. એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા, ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી આજે આઈ.પી.એસ. છે. તનતોડ મહેનતથી લક્ષ્ય હાંસલ કરનાર સરોજકુમારી લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવાની સાથોસાથ મહિલાઓ પ્રત્યેની રૂઢિવાદી માનસિકતા દૂર કરવામાં સફળ બન્યા છે. મૂળ રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાના રણવિસ્તારમાં આવેલા ખોબા જેવડા બુડાનીયા ગામના વતની ૨૦૧૧ની બેચના ગુજરાત કેડરના આઈ.પી.એસ. સરોજકુમારી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ પોલીસ કમિશનર(વહીવટ અને મુખ્યમથક) તરીકે ફરજ બજાવી રહ્યા છે.
સીએમઓ ડો.નિશા ચંદ્રાના શબ્દોમા તેમની વાત
ડો.નિશા ચંદ્રાના શબ્દોમાં વર્ણવીએ તો હું મુળ રાંચી ઝારખંડની વતની છું. મે મારો અભ્યાસ રાંચીની મેડિકલ કોલેજમાંથી વર્ષ 1992 માં પુર્ણ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2000 માં હું ગુજરાતમાં આવી અને મને મેડિકલ ઓફિસર તરીકે ગુજરાત સરકારમાં સેવા કરવા અવસર મર્યો હતો. શરૂઆતમાં હાંસોટ ખાતે સીએચસીમાં સેવા આપ્યા બાદ વર્ષ 2004 થી નવી સિવિલમાં ફરજ બજાવું છું. અત્યારસુધી મે 5000 થી વધારે પોસ્ટમોર્ટમ કર્યા છે. જેમાં અકસ્માત, અપઘાત, હત્યા થયેલા કે પોયઝનીંગના પોસ્ટમોર્ટમ કર્યા છે. એક મહિલા તરીકે કોઈ બોડીનું પોસ્ટમોર્ટમ કરવું શરૂઆતમાં ખૂબ અઘરું લાગતું હતું. મારા પહેલા ડો.નેહા મહેતા અને અન્ય એક મહિલા સીએમઓ પણ પોસ્ટમોર્ટમ કરી ગયા છે. પણ લગભગ નવી સિવિલમાં મારા કરિયરમાં એક મહિલા તરીકે સર્વાધિક પોસ્ટમોર્ટમ મેં કર્યા છે.
આઈપીએસ સરોજકુમારીના શબ્દોમાં તેમની વાત
સરોજકુમારી આઈ.પી.એસ.બનવાની ગાથા તેમના શબ્દોમાં સાંભળીએ તો ‘હું જ્યારે ૦૪ વર્ષની હતી, ત્યારે મારા પિતા બનવારીલાલ આર્મીની સેવાથી નિવૃત્ત થયા હતા. એ સમયે તેમનું ૪૫૦ રૂપિયા પેન્શન આવતું હતું. જ્યારે પેન્શન શું કહેવાય એ સમજાય એ વય સુધી પહોંચી ત્યારે પિતાનું પેન્શન ૭૦૦ રૂપિયા થયું હતું. આટલી ટૂંકી આવકમાં અમારા ચાર ભાઈ-બહેનનું પાલનપોષણ કરવું અશક્ય હતું. એ સમયે ગુજરાન માટે માતાપિતા ખેતમજૂરી તેમજ અન્ય ખેડૂતોની જમીન ભાગિયું (સાથી) રાખીને ખેતી કરવા લાગ્યા. મારા માતાપિતા મને ઉચ્ચ અભ્યાસ કરાવવા ઈચ્છતા હતા. અમે ચારેય ભાઈ-બહેનો વહેલી સવારે ઉઠી ઘરના અને ખેતરના કામોમાં માતા-પિતાને મદદ કરીને સ્કૂલે જતા હતા. હું વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને માતાને ગાય-ભેંસ અને બકરીઓ દોહવામાં મદદ કરતી. ગોબર ઉઠાવતી, ચારો કાપતી. શાળાએથી આવ્યા બાદ પણ પશુઓ માટે ખેતરે ચારો લેવા જતી.
સરોજકુમારીએ જણાવ્યું કે, જયપુરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સમાજશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજયુએશન પૂર્ણ કર્યું. રાજસ્થાન યુનિવર્સિટીથી એમ.ફિલ કર્યું. બાદમાં ચુરૂ જિલ્લાના સરદાર શહરની ગવર્નમેન્ટ કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા. તેઓ યુ.પી.એસ.સી.ની તૈયારી અને આઈ.પી.એસ.બનવાના સપના અંગે જણાવે છે કે, દેશના પ્રથમ મહિલા આઈ.પી.એસ. કિરણ બેદીના જીવનમાંથી પ્રેરણા લઈ હું હંમેશા તેમના જેવી બનવા ઇચ્છતી હતી. કોલેજના ‘યુથ ડેવલપમેન્ટ સેન્ટર’ની પ્રેરણાથી લેક્ચરરની નોકરી સાથે યુ.પી.એસ.સી.ની તૈયારી શરૂ કરી.
મારા પ્રથમ પગારમાંથી યુ.પી.એસ.સી.ના વાંચન માટે પુસ્તકો ખરીદ્યા. ત્યાં સુધી હું કોલેજની લાયબ્રેરીના પુસ્તકોમાંથી જ વાંચન કરતી હતી. પ્રિલીમીનરી પરીક્ષા આપવા પ્રથમવાર દિલ્હી ગઈ અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે હું ગામડે હતી, પરંતુ અંતરિયાળ ગામ હોવાથી ૧૫ દિન બાદ મને ખબર પડી હતી કે હું પ્રિલીમીનરી કસોટીમાં પાસ થઈ છું. વર્ષ ૨૦૧૧માં યુ.પી.એસ.સી.માં ઉત્તીર્ણ થઈ વલસાડ ખાતે ટ્રેનિંગ મેળવી. બાદ સુરત રૂરલ એ.એસ.પી., બોટાદ જિલ્લાના એસ.પી., વડોદરામાં ડી.સી.પી. તરીકે ફરજ નિભાવ્યા બાદ હાલ સુરત ખાતે ડી.સી.પી. તરીકે કાર્યરત છું.’સુરત શહેર પોલિસમાં ૮૪૭ મહિલા અધિકારી-કર્મચારીઓ કાર્યરત છે, જેઓ શહેરની સુરક્ષા માટે યોગદાન આપી રહ્યા છે.