અખબારી આલમ દ્વારા તાજેતરમાં દિલ્હની પ્રદૂષિત હવાના સમાચાર જાણ્યા. પર્યાવરણ સુરક્ષા માટે મહિલાઓ પણ સ્વયંનું યોગદાન શ્રેષ્ઠ રીતે અર્પણ કરી જ શકે. સ્વચ્છતામાં જ પ્રભુતા નિહાળીએ. કચરો કચરાપેટીમાં જ નાંખીએ. સૂકો કચરો- ભીનો કચરો અલગ કરી કચરાગાડીને આપીએ. શક્ય હોય એટલો પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળીએ. ગ્રામ્ય વિસ્તારની બહેનો શૌચાલયનો ઉપયોગ જરૂર કરે. વાયુ પ્રદૂષણ નિયંત્રિત કરવા બહેનો, દ્વિચક્રિય અને ચાર ચક્રિય વાહનોમાં ઉત્તમ ગુણવત્તાનું ઈંધણ ભરાવી શકે. હવે તો ઈલેક્ટ્રીક અને સી.એન.જી. વાહનો ઉપલબ્ધ છે જ. ગ્રામ્ય વિસ્તારની બહેનો બળતણ તરીકે લાકડાનો ઉપયોગ ન કરે અને નિર્ધૂમ ચૂલા વાપરી શકે.
પશુધન હોય તો એના ગોબારામાંથી ગોબર ગેસ પણ ઉત્પન્ન કરી બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકે. વૃક્ષારોપણ કરી વૃક્ષની માવજત કરી શુધ્ધ પ્રાણવાયુ પ્રાપ્ત કરી શકે. શક્ય હોય તો સોલાર સિસ્ટમ તથા સૂર્યકુકરનો ઉપયોગ કરી સૂર્યઊર્જાનો ઉપયોગ કરી શકે. સ્વગ્રહે વીજબચત તથા જળસંચય કરી પર્યાવરણ સુરક્ષામાં મહિલાઓ સ્વયંનું વિશિષ્ટ યોગદાન અર્પણ કરી શકે. પર્યાવરણ દિન ઉજવીએ પણ એને સાર્થક પણ કરીએ. તો આપણા શહેરને સ્વચ્છ બનાવી વાયુ પ્રદૂષણથી મુક્ત પણ રાખી શકીએ. પ્રકૃતિ આપણી માતા છે. જેના દ્વારા સજીવ સૃષ્ટિની ઘણી બધી જરૂરિયાતો પૂર્ણ થાય છે. પ્રકૃતિપ્રેમી બનીએ.
રાંદેર રોડ, સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.