ભાજપ સરકારના રાજમાં પોલીસ સ્ટેશનમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. ઉત્તર પ્રદેશમાં હાલ ભાજપની સરકાર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજમાં ગુંડાઓના એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશને ક્રાઈમ ફ્રી સ્ટેટ બનાવવામાં આવી રહ્યું હોવાના દાવા થઈ રહ્યાં છે ત્યારે ભાજપની સરકારમાં ભાજપની જ એક અગ્રણી મહિલા કાર્યકરે ચોંકાવનારું નિવેદન કર્યું છે. ઉત્તરપ્રદેશના પોલીસ સ્ટેશનો પણ મહિલાઓ માટે સુરક્ષિત નહીં હોવાના મહિલા કાર્યકરના નિવેદને ખાસ્સી ચકચાર જગાવી છે.
પોતાની જ પાર્ટીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેબી રાની મૌર્યએ રાજ્યને ગુનામુક્ત બનાવનારી ભાજપ સરકાર પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા કર્યા છે. વારાણસીમાં આયોજિત વાલ્મિકી મહોત્સવના કાર્યક્રમને સંબોધિત કરતી વખતે બેબી રાનીએ મહિલા સુરક્ષાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. બેબી રાનીએ કહ્યું કે એક મહિલા અધિકારી અને સબ-ઇન્સ્પેક્ટર ચોક્કસપણે પોલીસ સ્ટેશનોમાં બેસે છે, પરંતુ હું ચોક્કસપણે એક વાત કહીશ કે સાંજે 5 વાગ્યા પછી ક્યારેય પોલીસ સ્ટેશન ન જાવ. જરૂર જણાય તો બીજા દિવસે સવારે ઉઠીને તમારા ભાઈ, પતિ કે પિતા સાથે પોલીસ સ્ટેશન જાવ.
બેબી રાની મૌર્ય અહીંથી ન અટક્યા અને યુપીમાં ખેડૂતોને ખાતર ન મળવાનું ઉદાહરણ આપતા કહ્યું, “અધિકારીઓ બધાને ગેરમાર્ગે દોરતા રહે છે. મને ગઈકાલે આગ્રાથી ખેડૂત ભાઈનો ફોન આવ્યો. તેને ખાતર મળતું ન હતું. મારી વિનંતી પર, અધિકારીએ કહ્યું કે ખાતર મળશે, પરંતુ આજે તે અધિકારીએ ના પાડી કે હું નહીં. આ પ્રકારની ગુંડાગીરી નીચલા સ્તરે થાય છે. તમારે આ જોવાની જરૂર છે. જો કોઈ અધિકારી ગુંડાગીરી કરતો હોય તો DM ને ફરિયાદ કરો, વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખો.
આમ બેબી રાનીએ રાજ્યમાં કાયદો અને પ્રશાસન ખાડે ગયું હોવાનું સ્પષ્ટ કર્યું છે. બેબી રાનીના મતે ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા એટલી ખરાબ હાલતમાં છે કે અહીં સામાન્ય વ્યક્તિને ન્યાય મેળવવો મુશ્કેલ બન્યો છે. પોલીસ સ્ટેશનમાં ગરીબોને સાંભળવામાં આવતા નથી અને મહિલાઓ પણ પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત નથી.