આણંદ, તા.11
મહિલાઓ પશુપાલનના ધંધામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેને વધુ સાર્થક કરતા અમૂલ ડેરી દ્વારા પાંચ દિવસની મહિલા ઉદ્યોગ સાહસિક વિકાસ કાર્યક્રમ તાલીમની શરૂઆત કરવામાં આવી. અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તથા અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર ગોપાલ શુક્લા, મેનેજર -અમૂલ ડેરી દ્વારા કાર્યક્રમની સગડી રૂપરેખા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં 100થી વધારે મહિલા પશુપાલકો ઉપસ્થિત રહયા હતા.
અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસે જણાવ્યું હતું કે મહિલાઓ પશુપાલનના ધંધામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહી છે. હવે આપણે નવી ટેકનોલોજી અપનાવવા માટે તાલીમની ખૂબ જ જરૂરિયાત છે. આપણે આપણા ધંધાને વિસ્તારવો હશે, તો નવી ટેકનોલોજીને અપનાવી પડશે. તેમણે સોર્ટેડ સેક્સ સિમેન, એમ્બ્રિઓ ટ્રાન્સફર ટેકનોલોજી, ડિજિટલ બેલ્ટ અને ટોટલ મિક્સ રાશન વિશે સગડી માહિતી આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમૂલ ડેરી દ્વારા આ તાલીમ અંતર્ગત જે પણ નવી પદ્ધતિ વિશે વાત કરવામાં આવી અને શીખવાડવામાં આવે છે તેનો ચુસ્તપણે મહિલા પશુપાલકોએ અમલીકરણ કરવું જોઈએ જેથી પશુઓના દૂધ ઉત્પાદન, ફેટ અને એસ.એન.એફ.માં વધારો થઈ શકે અને પશુપાલનનો ધંધો વધુ નફાકારક બની શકશે.
આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ દ્વારા મહિલાઓના યોગદાનને સાર્થક કરતા જણાવ્યું હતું કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. આપણા જિલ્લાની પશુપાલક મહિલાઓ પણ ખૂબ જ ઉત્સાહથી અને મહેનતથી કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓને આત્મનિર્ભર બનાવી પડશે અને તે માટે સરકાર તથા અમૂલ ડેરી દ્વારા ચાલતી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમ આણંદ, ખેડા તેમજ મહીસાગર જિલ્લાના દરેક તાલુકા મુકામે કરવામાં આવશે અને દરેક મહિલાઓને તેનો લાભ મળશે. આ કાર્યક્રમથી નવી પદ્ધતિઓ સમજાવવામાં આવી રહી છે તેનો મહિલાઓએ ચોક્કસ પણે અમલીકરણ કરવું જોઈએ અને વધુને વધુ ફાયદો મેળવવો જોઈએ. તેમને જણાવ્યું હતું કે અમૂલ ડેરી તેમના માટે સદાય ખુલ્લી છે અને તેઓએ તેનો લાભ લેવો જોઈએ.
આ કાર્યક્રમમાં મહિલા પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે પારુલબેન પટેલ, સારસાથી પણ હાજર રહ્યા હતા. જેઓ આઠ વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરે છે. આઠ વર્ષ અગાઉ તેમણે એક ગાયથી આ ધંધો શરૂ કર્યો હતો અને આજે 130થી વધુ ગાયોનું સંચાલન કરે છે. તેઓએ ગત વર્ષે રૂપિયા 46 લાખનું દૂધ ભરાવ્યું હતું અને સવા આઠ લાખ રૂપિયાથી વધુનું બોનસ મેળવ્યું હતું. શ્રીમતી પારુલ બેને જણાવ્યું હતું કે પશુપાલનો વ્યવસાય અપનાવ્યા બાદ તેમનું જીવન આર્થિક અને સામાજિક રીતે ખૂબ જ ઊંચું આવ્યું. તેઓએ જણાવ્યું કે આ વ્યવસાય થકી તેઓ તેમના પુત્રને સારી જગ્યાએ એડમિશન અપાવી શક્યા અને ભણાવી રહ્યા છે. તેઓએ આહવાન કર્યું હતું કે દરેક મહિલા પશુપાલકે આ ધંધામાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવું જોઈએ અને વધુને વધુ દૂધ ઉત્પાદન કરી નફો મેળવવો જોઈએ.