Vadodara

જંબુસરથી મહુધા જતી બસના કંડકટરને મહિલાઓએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું

વડોદરા: (Vadodra) જંબુસરથી મહુધા જતી બસના (Bus) કંડક્ટરની આશિક મિજાજી તેને ભારે પડી હતી. બસમાં રોજેરોજ અપડાઉન કરતી મહિલાઓ સાથે છેડખાની કરતા કંડક્ટર (Conductor) સામે આખરે મહિલાઓ રણચંડી બની હતી અને તેને સારો એવો મેથીપાક ચખાડ્યો હતો એટલું જ નહિ તેને પોલીસને હવાલે પણ કર્યો હતો. જંબુસરથી મહુધા જતી બસમાં પાદરા તાલુકાના મુવાલની મહિલાઓ રોજેરોજ અપડાઉન કરે છે. આ બસનો કંડક્ટર થોડો આશિક મિજાજ હોઈ અવાર-નવાર મહિલાઓની છેડતી અને તેઓ સાથે અણછાજતું વર્તન કરતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ક્યારેક તો મહિલાઓને બેસવા પણ દેતો ન હતો. તો મહિલાઓ પ્રતિકાર કરે તો બસ ઉભી પણ રાખતો ન હતો.

છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આ નાટકનો અંત લાવવા મહિલાઓ આજે વિફરી હતી. અને બસમાં અપડાઉન કરતી મહિલાઓએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. બસ ઉભી ન રાખતા મહિલાઓ રોડ વચ્ચે આવી ગઈ હતી અને બસ ઉભી રાખવા ફરજ પાડી હતી. ત્યાર બાદ બસમાં ચઢી અને કંડકટરને માર માર્યો હતો. આ અંગેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો અને વડું પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. મહિલાઓ અને સ્થાનિકો તેમજ અન્ય મુસાફરોએ આ કંડકટરને પોલીસને હવાલે કર્યો હતો. મહિલાઓ રણચંડી બનતા એક તબક્કે કંડક્ટર પણ હેબતાઈ ગયો હતો.

Most Popular

To Top