ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે અને આ બદલાવનો સૌથી શક્તિશાળી ચહેરો દેશની મહિલાઓ છે. શિક્ષણથી લઈને વિજ્ઞાન, રમતગમતથી લઈને રાજકારણ અને બિઝનેસ સુધી દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાની ઓળખ બનાવી રહી છે. જાહેર થયેલા એક સર્વે મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓનાં શિક્ષણ દરમાં ૧૫%નો વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે છોકરીઓ આત્મનિર્ભર બનવાના માર્ગે આગળ વધી રહી છે. શિક્ષણ એ મહિલા સશક્તિકરણની પ્રથમ સીડી છે. ઓફિસ, ફેક્ટરી, સ્ટાર્ટઅપ અને મોટા કોર્પોરેટ હાઉસમાં મહિલાઓ પોતાની મહેનત અને નેતૃત્વથી ઉદાહરણ બની રહી છે.
તેઓ માત્ર મતદાર જ નહીં, પણ નેતા બની ગઈ છે. પરંતુ દેશની મહિલાઓ પ્રગતિનાં પંથે આગળ વધી રહી છે છતાં કેટલાક પડકારો હજુ પણ અસ્તિત્વમાં છે. ઘરેલુ હિંસા, દહેજ, યૌન સતામણી અને લિંગ આધારિત ભેદભાવ જેવી સમસ્યાઓ હજુ પૂર્ણપણે નાબૂદ થઈ નથી. સમાજને વધુ સંવેદનશીલ અને જાગૃત થવાની જરૂર છે. આજની સ્ત્રી પરંપરા અને આધુનિકતાનું સુંદર સંયોજન છે. તે સંસ્કારી પણ છે અને બહાદુર પણ, તે માતા પણ છે અને અધિકારી પણ, તે શિક્ષિકા પણ છે અને વૈજ્ઞાનિક પણ, જો તેને સમાન તક મળે તો તે દરેક અશક્યને શક્ય બનાવી શકે છે.
સુરત – પઠાણ નગમા ખાન રહિમ ખાન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે