ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ન થવાને કારણે લોકો તીવ્ર ગરમીથી પરેશાન છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઇ છે. આવા સંજોગોમાં સ્થાનિક મહિલાઓએ અનોખી વિધિ અપનાવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે.
મહારાજગંજની સ્થાનિક મહિલાઓએ અહીંના ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના નેતા ગુડ્ડુ ખાનને કાદવ અને પાણીથી સ્નાન કરાવ્યું. આ વિધિ વર્ષો જૂની માન્યતાને આધારે કરવામાં આવી હતી, જેમાં માનવામાં આવે છે કે જો ગામ કે નગરના વડાને કાદવથી સ્નાન કરાવવામાં આવે, તો ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને વરસાદ વરસે છે.
મહિલાઓ કજરી ગીતો ગાતા-ગાતા ગુડ્ડુ ખાનના નિવાસસ્થાને પહોંચી. તેમણે જમીન પર બેસાડી, દોરડાથી હાથપગ બાંધીને કાદવ અને પાણીથી નવડાવવાનું શરૂ કર્યું. સાથે જ અન્ય મહિલાઓ દ્વારા પરંપરાગત ગીતો ગવાતા રહ્યા અને વાતાવરણમાં એક અનોખી ધાર્મિક શ્રદ્ધાનું દૃશ્ય સર્જાયું હતું.
ભાજપ નેતા ગુડ્ડુ ખાન પણ આ વિધિમાં પૂરી રસપૂર્વક સામેલ થયા હતા. તેમણે કહ્યું કે, અમારા પૂર્વજો કહેતા કે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે આ વિધિ કરવામાં આવે છે. જે રીતે પહેલા રાજાઓ અને મહારાજાઓને કજારી ગીત ગાઈ સ્નાન કરાવવામાં આવતું હતું, તે જ પ્રમાણે હાલના સમયમાં લોકો લોકપ્રતિનિધિઓ સાથે આ વિધિ કરે છે.
આ વિધિનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ ગુડ્ડુ ખાનને કાદવથી નવડાવી રહી છે અને ગુડ્ડુ ખાન પણ હસતાં મુખે આ વિધિમાં સહભાગી બન્યા છે. ઘણી મહિલાઓએ જણાવ્યું કે તેઓ દર વર્ષે આ વિધિ કરે છે અને વરસાદ પણ વરસે છે. જેથી આ વખતે પણ એવી જ આશા છે કે આ વિધિ પછી વરસાદ થશે.