સુરત: સિંગણપોર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાના પતિએ સોસાયટીના પ્રમુખ અને ઉપપ્રમુખ પાસેથી વ્યાજે 6 લાખ લીધા હતા. જેમાંથી 3 લાખ ચુકવી આપ્યા. હતા. જોકે ત્યારબાદ કોરોના મહામારી આવતા તેના પતિનો એમ્બ્રોઈડરીનો ધંધો બંધ થઈ જતા વ્યાજ ચુકવી શક્યા ન હતા. દરમિયાન સોસાયટીના પ્રમુખ અને ઉપપ્રમુખે વ્યાજ સહિત 8.50 લાખની પઠાણી ઉઘરાણી કાઢી મિલકત પચાવી પાડવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદને આધારે સોસાયટીના વ્યાજખોર પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મની લેન્ડરીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- વ્યાજના નાણાંની પઠાણી ઉઘરાણી કરવા મહિલાને ધમકી
- સોસાયટીના જ પ્રમુખ જતિન લાખાણી અને ઉપપ્રમુખ ચિરાગ ગોટી સામે મની લેન્ડરીંગ એક્ટ મુજબ ગુનો દાખલ
- મહિલાએ 6 લાખની સામે 3 લાખ ચુકવ્યા હોવા છતાં વ્યાજ સહિત 8.50 લાખની ઉઘરાણી કરી મિલકત પચાવી પાડવાની ધમકી આપી
ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ સિંગણપોર ચાર રસ્તા તૃપ્તિ સોસાયટીમાં રહેતા ચંદ્રીકાબેન રવજીભાઈ વાઘાણી (ઉ.વ.40) એ ગતરોજ સિંગણપોર ચાર રસ્તા ખાતે આવેલ રાધેશ્યામ સોસાયટીના પ્રમુખ જતિન મનજી લાખાણી અને ચિરાગ ઘનશ્યામ ગોટી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું તે પહેલા આરોપીઓની સોસાયટીમાં રહેતા હતા અને તેમનો પતિ એમ્બ્રોઈડરી મશીન ચલાવતા હતા. તે વખતે પતિને પૈસાની જરૂર પડતા આરોપીઓ વ્યાજનો ધંધો કરતા હોવાથી તેમની પાસેથી રૂપિયા 6 લાખ વ્યાજે લીધા હતા જેમાંથી 3 લાખ ટુકડે ટુકડે કરી ચુકવી આપ્યા હતા.
જોકે ત્યારબાદ કોરોના મહામારી આવતા ધંધામાં નુકસાન થવાની સાથે ધંધો બંધ થઈ ગયો હતો અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે સુપરવાઈઝર તરીકે નોકરી કરવા લાગ્યા હતા. ચંદ્રીકાબેનને પતિ જતિનભાઈએ આરોપીઓને તેમને વ્યાજ પરવડે તેમ નથી હોવાનું કહી મકાન વેચી વ્યાજના 6 લાખ ચુકવી આપવાની વાત કરતા આરોપીઓ તેમની વાતથી સહમત ન થઈ વ્યાજ સહિત 8.50 લાખના ઉઘરાણી કાઢી મિલકત પોતાના નામે કરાવી આપવા માટે ધમકી આપી હતી.
ગત તા 17મી ફેબ્રુઆરીના રોજ સોસાયટીમાં આરોપીઓએ ચંદ્રીકાબેનના પતિ જતિનભાઈને તેમની રાધેશ્યામ સોસાયટીના કોમન પ્લોટમાં મિટીંગ કરવા માટે બોલાવ્યો હતો ત્યાં અન્ય સાતેક જણા પણ હાજર હતા. મિટીંગમાં આરોપીઓ ઉશ્કેરાઈને પૈસા નહી આપશે તો ઘરના અન્ય સભ્યોને મારવાની અને તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ચોકબજાર પોલીસે ચંદ્રીકાબેનની ફરિયાદને આધારે બંને વ્યાજખોરો સામે મની લોન્ડીંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.