બાલાસિનોર : બાલાસિનોરથી સેવાલીયા તરફ જવાના રસ્તા પર ગુરૂવારની સવારે જાનૈયા સાથેના વરઘોડામાં પુરપાટ ઝડપે ધસી આવેલી કાર ઘુસી જતાં અફડા તફડી મચી ગઈ હતી. આ અકસ્માતમાં કાર હડફેટે ચડેલા 25 જેટલા જાનૈયા ગંભીર રીતે ઘવાયાં હતાં. જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
બાલાસિનોરના રિલાયન્સ પેટ્રોલ પંપ સામે રહેતા કમલેશભાઈ કાળીદાસ વાઘેલા શાકભાજીનો વેપાર કરે છે. તેમને સંતાન ભાવેશ અને કૌશિકના લગ્ન લેવાયાં હતાં. જેથી સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં આવ્યાં હતાં. દરમિયાનમાં 15મી ફેબ્રુઆરી, 23ના રોજ બન્ને દિકરાની લગ્ન વિધી પુરી કરી સમાજના રીત રીવાજ મુજબ ઘરેથી મહેમાનો સાથે ઘરેથી બાલાસિનોરના બળીયાદેવના મંદિરે દેવદર્શન કરાવવા માટે વરઘોડા સાથે નિકળ્યાં હતાં. રાત્રિના સાડા બારેક વાગ્યાના સુમારે સેવાલિયા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામેથી એક સફેદ કલરની કાર નં.જીજે 31 એ -4159 પુરઝડપે ધસી આવી હતી અને સીધી વરઘોડામાં ઘુસી ગઇ હતી.
હજુ જાનૈયા કંઇ સમજે તે પહેલા કારે 25થી 30 વ્યક્તિને અડફેટે ચડાવી દીધાં હતાં. લગ્નના ગીત વચ્ચે એકાએક ઘવાયેલા લોકોની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉંઠ્યું હતું. આસપાસના લોકો દોડી આવ્યાં હતાં, જ્યારે વરઘોડામાં બચી ગયેલા અન્ય મહેમાનોએ કારને આંતરી હતી. તેમાં જોયું તો કુલ ચાર શખસ બેઠાં હતાં. જેમાં ડ્રાઇવર તથા તેની સાથેના એક શખસને પકડી લીધો હતો. જ્યારે બાકીના બે શખસ ભાગી ગયાં હતાં. કાર ચાલકનું નામ પુછતાં તે સ્મીત મંગળસિંહ ઝાલા અને બીજો હાર્દિક રામનિવાસ સહાની (બન્ને રહે. જલારામ સોસાયટી, બાલાસિનોર) હોવાનું જણાવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં બાલાસિનોર પોલીસ અને 108ની એમ્બ્લુયન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત ખાનગી વાહનોમાં પણ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં સારવાર દરમિયાન મણીબહેન ઇશ્વરભાઈ વાઘેલા (ઉ.વ.60, રહે. બાલાસિનોર)નું મોત નિપજ્યું હતું. આ અંગે બાલાસિનોર પોલીસે કાર ચાલક સ્મીત મંગળસિંહ ઝાલા (રહે. બાલાસિનોર) સામે ગુનો નોંધી તેની સામે તપાસ હાથ ધરી છે.
ગંભીર રીતે ઘવાયેલા જાનૈયા
કિરીટભાઈ તળપદા (રહે.ભાનેર)
મહેશભાઈ વાઘેલા (રહે. મહુધા)
રીટાબહેન વાઘેલા
જયાબહેન તળપદા (રહે. ચલાલી, તા. મહુધા)
108 એમ્બ્યુલન્સ પણ ખુટી પડી
બાલાસિનોર ખાતે લગ્નના વરઘોડામાં નાચતા જતા મહેમાનો પર અચાનક સ્વીફ્ટ કાર મહેમાનોને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું જ્યારે કેટલાક મહેમાનો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ પણ ખુટી પડી હતી કેટલાક લોકોને પોલીસની ગાડીમાં અને પ્રાઈવેટ ગાડીઓમાં સારવાર અર્થે ગાડીમાં હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતાં.