એક મહિલા રૂપિયા 4 લાખની કિંમતના દાગીના ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગઈ હતી, જેને સુરતની ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી શોધી કાઢી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયતની સહજાનંદ સોસાયટીમાં રહેતી ગૃહિણી કવિતા રવિન્દ્ર જગદેવ (ઉં.વ.40) આજે ઉધના પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને તેણી પોતે પોતાની બહેનને મળવા નવસારી જવા માટે ગોડાદરા કઠીમહારાજ મંદિર પાસેથી રિક્ષામાં બેસીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતર્યા હતા. દરમિયાન કવિતાબેન પોતાની બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. આ બેગમાં કપડાં અને આશરે 4 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના હતા.

મહિલાની ફરિયાદ સાંભળ્યા બાદ સમય ન વેડફતા ઉધના પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. મહિલા જે રિક્ષામાં બેઠી હતી તે રિક્ષા તરત શોધી કાઢી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાની ખોવાયેલી બેગ તેમાં મુકેલા સોના-ચાંદીના કિંમતી દાગીનાની મુદ્દામાલ શોધી કાઢી હતી. તે મહિલાને પરત સોંપવામાં આવ્યો હતો. ઉધના પોલીસની આ સરાહનીય કામગીરીને લીધે મહિલાને પોતાનો કિંમતી સામાન પાછો મળ્યો છે. પોલીસે શહેરના નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના મજબૂત કરી છે.