ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં 89 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું. આ પછી, વિમાનને મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. એરપોર્ટના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે મુંબઈ-વારાણસી ફ્લાઇટનું ચિકલથાણા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની વતની સુશીલા દેવી મુંબઈથી ફ્લાઇટમાં સવાર થઈ હતી. હવામાં જ તેમની તબિયત લથડવા લાગી. તબીબી કટોકટીના કારણે ફ્લાઇટ રાત્રે લગભગ 10 વાગ્યે ચિકલથાણા એરપોર્ટ પર ઉતરાણ કર્યું. લેન્ડિંગ સમયે મેડિકલ ટીમે મહિલાની તપાસ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
અધિકારીએ જણાવ્યું કે MIDC સિડકો પોલીસ સ્ટેશનમાં જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી અને વિમાન વારાણસી જવા માટે રવાના થયું. એરલાઇનના જણાવ્યા અનુસાર મહિલાના મૃતદેહને છત્રપતિ સંભાજીનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
