SURAT

મચ્છરોથી સાચવજો!, સુરતમાં મેલેરિયાથી બે જ દિવસમાં મહિલાનું મોત

સુરત: ચોમાસાની શરૂઆત થતાં જ શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. કોલેરા, ગેસ્ટો, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગની બીમારી સાથે નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

  • મગદલ્લાની પરિણીતાનું મોત, બે દિવસથી તાવ આવતો હતો, રિપોર્ટ કરાવતા મેલેરિયા પોઝિટિવ આવ્યો
  • નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો
  • શહેરમાં મેલેરિયા, ડેંગ્યુ અને પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું સુરત મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું

સામાન્ય દિવસ કરતા હાલમાં આવા દર્દીઓની સંખ્યામાં વધારા સાથે હવે મોતના આંકડા પણ સામે આવી રહ્યાં છે. જેમાં મગદલ્લા ખાતે 22 વર્ષીય પરિણીતાને બે દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી તેણીનો રિપોર્ટ કરાવતા મેલેરિયા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. સારવાર દરમિયાન બુધવારે મધરાત્રે તેણીનું મોત નિપજ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અમિત ધુમસિંગ ભુરીયા હાલ મગદલ્લા ચોકડી પાસે રાજહંસ એસ્ટેલિયા નામની નવનિર્મિત બિલ્ડિંગમાં પત્ની મમતા (22 વર્ષ) તેમજ 11 માસના સંતાન સાથે રહે છે. તેમજ તે જ બિલ્ડિંગમાં મજૂરી કામ કરે છે.

અમિતની પત્ની મમતાને બે દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી પાંડેસરા કૈલાશ ચોકડી પાસે ખાનગી હોસ્પિટલમાં તેણીની સારવાર ચાલી રહી હતી. મમતાની તબિયત સારી નહીં થતાં તેણીનો રિપોર્ટ કઢાવતા તેમાં મેલેરિયા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી પરિવારજનો મમતાને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરીથી રિપોર્ટ કરાવતા ફરીથી મેલેરિયા પોઝિટિવ આવ્યો હતો.

સારવાર દરમિયાન બુધવારે મધરાત્રે તેણીનું મોત નિપજ્યું હતું. મમતાના પિયર પક્ષે હત્યાના આક્ષેપ કર્યા હતા. જેથી નવી સિવિલ હોસ્પિટલના તબીબે એમએલસી કેસ કરીને ઉમરા પોલીસને ઘટનાની જાણ કરી હતી. જેથી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી મમતાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

Most Popular

To Top