બારડોલી: બારડોલીના તાજપોર બુજરંગ ગામમાં શ્વાનની જેમ દીપડા રખડી રહ્યા છે. આ ગામ જાણે દીપડા માટે અભ્યારણ્ય બની ગયું હોય તેમ ખેતરોની સાથે સાથે હવે રહેણાક વિસ્તારોમાં પણ દીપડા જોવા મળતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ત્યારે ગામના વૈજનાથ ફળિયામાં આવેલી હોસ્ટેલમાં સવારે બ્રશ કરી રહેલી મહિલાને દીવાલ પર દીપડો બેઠેલો દેખાતાં મહિલા બેભાન થઈને નીચે પડી ગઈ હતી. મહિનાને હાથમાં ફેક્ચર થતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
- તાજપોર બુજરંગમાં હોસ્ટેલની દીવાલ પર બેઠેલા દીપડાએ ત્રાડ પાડતાં મહિલા બેભાન
- દીપડાની એકદમ નજીક પહોંચી ગયા બાદ એકાએક મહિલાની નજર પડી
- બેભાન થઈ ઢળી પડતાં હાથમાં ફેક્ચર થઈ ગયું
બારડોલીના તાજપોર ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દીપડા દેખાતા હોવાથી ગ્રામજનોમાં ગભરાટનો માહોલ છે. હાલમાં જ એક ડ્રોન કેમેરામાં પણ દીપડો ખેતરના શેઢા પર બિનધાસ્ત બેઠેલો નજરે પડ્યો હતો. દરમિયાન તાજપોરના વૈજનાથ ફળિયામાં આવેલી હોસ્ટેલમાં નોકરી કરતાં સીમાબેન અવચિતભાઈ સોમવારે સવારે 7.30 વાગ્યે બ્રશ કરતાં કરતાં હોસ્ટેલ તરફ જઇ રહ્યાં હતાં. એ સમયે હોસ્ટેલની બાજુમાં પતરાના શેડ પાસે દીવાલ પર એક દીપડો બેઠો હતો. સીમાબેન નજીક પહોંચી ગયા બાદ તેમની નજર દીપડા પર પડતાં દીપડાએ ત્રાડ પાડી હતી.
આથી સીમાબેન ગભરાઈ ગયાં હતાં અને ચક્કર ખાઈને નીચે પડી ગયાં હતાં. ત્યારબાદ દીપડો દીવાલ પાછળ આવેલા શેરડીના ખેતરમાં નાસી છૂટ્યો હતો. સીમાબેનને હોસ્પિટલ લઈ જવાતાં હાથમાં ફેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. આ અંગે તાજપોર ગામના ઉપસરપંચ રાહુલ કોંકણીએ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલફેર ટીમને જાણ કરતાં પ્રમુખ જતીન રાઠોડે બારડોલી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી હતી. સામાજિક વનીકરણ વિભાગે સ્થળ પર પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી તેમનામાં પણ ભય જોવા મળી રહ્યો છે.