સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવાયો છે, ત્યારે ઘણા ઠેકાણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી તે નિયમનું સારી રીતે વાહનચાલકો પાલન કરી રહ્યાં છે, પરંતુ અવારનવાર ક્રેઈન દ્વારા વાહનો ઉપાડી જવાની ટ્રાફિક પોલીસની હરકતથી વાહનચાલકો નારાજ છે. આજે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલા ટ્રાફિક ક્રેઈન પર ચઢી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિંડોલી વિસ્તારમાં એક ટ્રાફિક ક્રેઈર્ને નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી હતી. આ ગાડી મહિલાની હોવાથી મહિલા રણચંડી બની હોય તે રીતે ક્રેઈર્નની ગાડી આડે ઉભી રહી ગઈ હતી.
બાદમાં બોલાચાલી કરવા લાગી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસ દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતાં. સામાન્ય જીભાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેઈન ઉપર ચડી ગઈ હતી. કહેવા લાગી કે, પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપી દો. ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોક ટોળું એકત્રિત થયું હતું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પર્વતપાટિયામાં લોકોએ BRTSના બસ સ્ટેન્ડની અંદરથી વાહનો કાઢવા પડ્યા
સુરત : એક બાજુ સુરત પોલીસ અને મનપા દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રોંગસાઇડમાં ચાલતા વાહનો સામે ડ્રાઇવ યોજી પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ અનેક સર્કલો પર સિગ્નલોના ટાઇમીંગ તેમજ અન્ય પરિબળોના કારણે વાહન ચાલકો વધુ મુશકેલીમાં મુકાઇ રહ્યાં છે.
તેમાં પણ મેટ્રોના કામને કારણે જયાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા થાય છે તે પર્વત પાટીયા ખાતે પીકઅવર્સમાં એટલો બધો ટ્રાફિકજામ થાય છે કે, વાહનચલકો અસહ્ય હાલાકીથી અકળાઈ ઉઠ્યા છે. શનિવારે રાત્રે પર્વત પાટીયા નજીક અકળાયેલા વાહનચાલકો ના છુટકે બીઆરટીએસમાં ઘુસીને આગળ વધવા મજબુર બન્યા હતા, લોકોએ આ દ્રશ્યનો વિડિયો વાયરલ કરીને પોલીસ-તેમજ મનપાને ટ્રફિક સમસ્યાના ઉકેલ માટે નકકર આયોજન કરી લોકોને સમસ્યામાંથી મુક્તિ આપવા અપીલ કરી હતી.
રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસ રૂટની સાથે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો અપનાવ્યો હતો.
શનિવારની સાંજે ઉતારાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે,પીકઅવર્સના સમયે આ જગ્યા પર ભારે ટ્રાફિક સર્જાયો હતો તો બીજી તરફ કેટલાક લોકો વાહનો બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી ચલાવી રહ્યા છે. આટલી હદે કોઈ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું નથી.
બસ સ્ટેન્ડની અંદર કે જ્યાં બસની રાહ જોતા પેસેન્જર ઊભા હોય છે. તેવા સ્થળે આ પ્રકારે વાહન દોડાવવા કેટલું યોગ્ય છે? જોકે આ રીતે વાહન ચલાવવા શહેરીજનો મજબુર બન્યા હોય તંત્રની પણ નિષ્ફળતા સાબિત થઇ રહી છે.