વલસાડ : દેશભરના પુરુષો સેક્સ્ટ્રોશનનો શિકાર બની રહ્યા છે. જેમાં એક ઠગ ટોળકી પુરુષના નગ્ન વીડિયોનું સ્ક્રિન રેકોર્ડીંગ કરી તેને બ્લેકમેલ કરી લાખોની રકમ પડાવી રહ્યાં છે. જોકે, વલસાડના વાપીમાં એક મહિલા આ પ્રકારના સેક્સ્ટ્રોશનનો શિકાર બની છે. મહારાષ્ટ્રના એક પરિણીત પુરુષે તેને ફસાવી વીડિયો કોલ પર નગ્ન કરી તેનું રેકોર્ડીંગ કરી દીધું હતું. ત્યારબાદ તેને બ્લેકમેલ કરતો હતો. આ ફરિયાદ સાયબર પોલીસને મળતાં પોલીસે આ યુવાનને પકડી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના ઘાટકોપરમાં ઇમામ ચોકમાં રહેતા અહેતેરામ અલી ઉર્ફે એતરામ ઉર્ફે કલવા જોહરઅલી શેખ (ઉવ.40)ની વાપીની એક મહિલા સાથે સોશિયલ મીડિયા પર ઓળખાણ થઇ અને તેમની મિત્રતા આગળ વધી હતી. જેમાં અહેતેરામ ઉર્ફે કલવાએ પોતે પરિણીત હોવાનું છુપાવ્યું હતું.
તે અવારનવાર મહિલા સાથે વીડિયો કોલિંગ પર વાત કરતો હતો. જેમાં મહિલાને નગ્ન થવા જણાવતો હતો. એક દિવસ લાગણીમાં વહી મહિલા નગ્ન થઇ ગઇ હતી. સ્ક્રીન રેકોર્ડીંગ થકી અહેતેરામ ઉર્ફે કલવાએ તેનું રેકોર્ડીંગ કરી દીધું હતુ. બીજી તરફ આ કલવા પરિણીત હોવાની જાણ થતાં મહિલાએ તેની સાથે મિત્રતા તોડી નાંખી છેવટે અન્ય સાથે લગ્ન કરી દીધા હતા.
જોકે, આ અહેતેરામ ઉર્ફે કલવાને મંજૂર ન હતું, અને તેણે મહિલાને તેના નગ્ન વીડિયો થકી બ્લેક મેલ કરવાનું ચાલુ કર્યું. તેણે પહેલાં તેની પાસેથી રોકડા રૂ. 5400 પડાવ્યા હતા, તેમજ તેના વીડિયો તેના ઓળખીતાને પણ મોકલી આપ્યા હતા. જેના થકી મહિલાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી કંટાળીને મહિલાએ વલસાડ સાયબર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી અહેતેરામ ઉર્ફે કલવાને પકડી પાડી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
કોઇને પણ ન્યૂડ ફોટા આપી તેના તાબે થવું નહી : પોલીસ
વર્ષોથી મહિલાઓના ન્યૂડ ફોટાના આધારે તેનો પુરુષ મિત્ર બ્લેક મેલ કરતા હોવાના અનેકો બનાવ બનતા રહે છે. ન્યૂડ ફોટાના આધારે પુરૂષ મહિલાને આજીવન ગુલામ બનાવી પોતાની શારીરિક ભુખ સંતોષતા હોવાના બનાવો બનતા રહે છે. ત્યારે આવું ન થાય એ માટે કોઇને પણ પોતાના ન્યૂડ ફોટા ન આપવા તેમજ કોઇની પણ સાથે વીડિયો ચેટ પર પણ ન્યૂડ નહીં થવા વલસાડ સાયબર પોલીસે મહિલાઓને સતર્ક થવા જણાવ્યું છે.
અજાણ્યા નંબરનો વીડિયો કોલ સ્વીકારશો નહીં
પોલીસે મહિલાઓ જ નહી, પુરુષોને પણ અજાણ્યા નંબર પરથી આવતા વીડિયો કોલ નહીં સ્વીકારવા જણાવ્યું છે. આવા વીડિયો કોલ થકી કોઇપણ વ્યક્તિ કોઇની પણ સામે નગ્ન થઇને અથવા સામે વાળા વ્યક્તિને વાતમાં ભોળી નગ્ન કરી તેના વીડિયો ઉતારી લેતા હોય છે. જેમાં પુરુષોના વીડિયો થકી તેમની પાસે પૈસા કઢાવાતા હોય છે. જ્યારે મહિલાઓના નગ્ન વીડિયો શારીરિક ભુખ સંતોષવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે.