દાહોદ: દાહોદ શહેરમાં રવિવાર મધરાતથી બીએસએનએલનુ નેટવર્ક સંપૂર્ણ બંધ થઇ જતાં તેના ગ્રાહકો પરેશાન થઇ ગયા છે. શહેરમાં ચાલતા ખોદકામને લીધે કેબલ કપાઇ જતાં લેન્ડ લાઇન અને મોબાઇલ બંધ થઇ જતાં સંચાર વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. કલાકોના સમારકામ બાદ સાંજે નેટવર્ક યથાવત થયુ હોવાનુ જાણવા મળ્યુ છે. બીએએનએલના અદિકારીઓના ફોન પણ બંધ થઇ ગયા છે.
દાહોદ શહેર તથા જિલ્લામાં બીએસએનએલના ધાંધિયા કોઇ નવી વાત નથી. શહેર તથા જિલ્લામાં છાસવારે ખોટકાતાં નેટવર્કને કારણે બીએસએનએલના ગ્રાહકો વારંવાર અટવાઇ પડે છે તેમ છતાં તેનુ કોઇ કાયમી નિરાકરણ કરવામાં આવતુ નથી. દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત જે કામો ચાલી રહ્યા છે તેમાં શહેરમાં ખોદકામ પણ ચાલી રહ્યા છે.
આવા જ ખોદકામને કારણે કોઇ જગ્યાએ બીએસએનએલનો કેબલ કપાઇ જવાને કારણે રવિવાર મધરાત થી નેટવર્ક બંધ થઇ ગયું છે જેેથી મોબાઇલ અથવા લેન્ડ લાઇન ફોન પણ ઠપ થઇ જતાં સંચાર વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઇ ગઇ છે. વેપારીઓ તેમજ વિવિધ પ્રકારાના રોજગાર સાથે સંકળાયેલા કારોબારીઓ અટવાઇ પડ્યાં છે.
ખાસ કરીને વેપારી વર્ગ, વ્યવસાયી વર્ગાેને આ બીએસએનલના ધાંધિયાના પગલે ભારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. બ્રોડ બેન્ડ ઈન્ટરનેટની સેવાઓ બંધ થઈ જતાં શહેરવાસીઓના મોટા ભાગના ધંધાદારીઓ લોકોના વ્યવહારો સહિત કામકાજ પણ ખોરવાયા છે.
બીએસએનલની આ ભારે અસુવિધાને પગલે પ્રજા માનસમાં એક પ્રકારનો રોષ પણ જાેવા મળી રહ્યો છે ત્યારે વહેલામાં વહેલી તકે આ બીએસએનલની નેટવર્કના ધાંધિયાને રાબેતા મુજબ અને સુવ્યવસ્થિત નિયમીત રીતે ચાલુ કરવામાં આવે તેવી પ્રજાજનોમાં લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે.
ચૂંટણીની મૌસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે નેતાઓ અને કાર્યકરોના ફોન વ્યવહાર બંધ થઇ જતાં ઘણાંને શિયાલાના વાતાવરણમાં પરસેવો થવા માંડ્યા હતો.
થોડી થોડી વાર માટે નેટવર્કનું આવન જાવન થતુ રહેતુ હોવાથી ભારે પરેશાની વેઠવી પડી હતી,સૌથી મોટી સમસ્યા ઓન લાઇન શિક્ષણ મેળવતાં બાળકો માટે સર્જાઇ હતી.કારણ કે ૯ થી ૧૨ની શાળાઓ તો રાબેતા મુજબ શુ થઇ ચુકી છે ત્યારે હવે ધોરણ ૧ થી ૮ ના ભુલકાં જ ઇન્ટરનેટના સહારે શિક્ષણ મેળવી રહ્યા છે.