સુરતઃ મેઘરાજાએ વિરામ લેતા છેલ્લાં કેટલાંક દિવસોથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો નથી. ત્યારે શહેરના સહારા દરવાજા પાસે આવેલી સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં આજે એકાએક પાણીનો ભરાવો થતા આશ્ચર્ય સર્જાયું હતું. વગર વરસાદે બેઝમેન્ટમાં પાણી ભરાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ પાણી ક્યાંથી બેઝમેન્ટમાં આવ્યું તે શોધવા મથામણ શરૂ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અુનુસાર સ્મીમેરમાં આજે સવારે વાહન ચાલકો વાહન પાર્ક કરીને ગયા ત્યાર બાદ અચાનક બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાયા હતા. દર્દીના સગા સંબંધીઓ બેઝમેન્ટ પાર્કિંગમાં ટુ વ્હીલર પાર્ક કર્યા બાદ દર્દી પાસે ગયા હતા. ત્યારે આ ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી.
બેઝમેન્ટમાં થોડી જ મિનિટોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે આશ્ચર્ય સર્જાયું હતું. વાહન ચાલકોને પોતાના વાહનો કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દર્દીઓને સાથે લઈને આવેલા પરિવારજનો ખૂબ હેરાન થયા હતા. કેટલાંય વાહન ચાલકોએ પાર્કિંગની બહાર વાહનો પાર્ક કરવા પડ્યા હતા.
આ બાબતે સ્મીમેર હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શને કહ્યું હતું કે, બેઝમેન્ટમાં પાણી ભરાયા હોવાની બાબત અમારા ધ્યાનમાં આવી છે. પાણી ક્યાંથી આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાણી ભરાઈ ગયા બાદ પણ તંત્ર અજાણ છે કે, બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ક્યાંથી આવ્યું. સવારથી હાલત હોવા છતાં પણ બપોર સુધીમાં હજુ સુધી લીકેજ મળ્યું નથી.