ક્યારેક કોઈ વ્યક્તિની વાત સાંભળી આપણે જાણે અજાણે કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય કરી દેતા હોઈએ છીએ! સત્ય જાણ્યા વિના, કોઈ વ્યક્તિના સંજોગ સમજ્યા વિના એના ચારિત્ર્ય કે વ્યવહાર અંગે કોઈ પણ અનુચિત ધારણા બાંધી લેવી એ અયોગ્ય બાબત સાબિત થાય. કોઈની અંગત, પારિવારીક સમસ્યાને ઘણી વ્યક્તિ (જેની સાથે અણબનાવ હોય) એ સમાજમાં કાન ભંભેરણી કરતા જણાય છે. અને એક કાનથી બીજે કાન સુધી ઘટના પહોંચતા એમાં અન્ય અસત્ય વાતનો (મસાલો) ઉમેરો પણ થાય છે! ખાસ કરીને મહિલાઓના ચરિત્ર પર ઘણીવાર આંગળી ઉઠાવાય છે. નોકરિયાત મહિલા પરપુરુષ સાથે વાત કરે.
લંચ શેર કરે કે લિફ્ટ લે એમાં ઘણો વ્યક્તિને અજુગતુ લાગે અને વાતનું વતેસર કરી સમાજમાં એ મહિલાની બદનામી થાય. અર્થાત કોઈ પણ વાતમાં કાનભંભેરણી કે નિંદા પંચાતનો અહેસાસ થાય તો સાચી હકીકત જાણ્યા વિના વિશ્વાસ કરવો એ અપરિપકવતા કહેવાય. અને દૃષ્ટિ તેવી સૃષ્ટિ ઉક્તિ જગજાહેર છે. સ્વાનુભય વિના કોઈ વ્યક્તિ વિશે અયોગ્ય અભિપ્રાય આપવો એ પણ યોગ્ય ન જ કહેવાય. જ્યારે સત્ય જાણીએ ત્યારે આપણો જ અંતરાત્મા ડંખે! ગુજરાતી ભાષાનું એક જોડકણું સાચું જ છે, ‘‘કોઈના ચઢાવ્યા ચઢવું નહીં, કોઈના લડાવ્યા લડવું નહીં’’ આપણા જ સબંધોને હાનિ પહોંચી શકે.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
