Charchapatra

નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે

તા. 5/12/25ના પોતાના લેખમાં ઉપરોક્ત વિષય સંદર્ભે કાર્તિકેય ભટ્ટે ખૂબ સુંદર ચર્ચા કરી છે. તેમને અભિનંદન. આપણે બોલકા ભારતીયો ખૂબ બોલબોલ કરીએ, લખવું વાંચવું એ સંવાદિતાના માધ્યમનો ખૂબ જ ઓછો ઉપયોગ કરીએ છીએ. ભાગવત કથા, રામાયણ, મહાભારત ટીવી સિરિયલો જોવા લાખ્ખો લોકો દિવસોને કલાકો બગાડી રહ્યા છે. પરિણામે આપણી સમજ બીજા પર આધારિત બને છે. એ બતાવે તેટલું આકાશ આપણે જોઈએ છીએ. પણ લોકશાહી વ્યવસ્થા મજબૂત થાય તેવું લખાતું-વંચાતું નથી. આપણે આપણી સમસ્યા અંગે પાનને ગલ્લે મંદિરને ઓટલે, બાગબગીચામાં, ટ્રેન-બસ મુસાફરીમં તે માટે જરૂર ચર્ચાઓ કરીએ છીએ. પણ તે માટે કાગળ પેન લઈ, સત્તાવાળાને લેખિત ફરિયાદ કરતા નથી.

  ઉદાહરણ તરીકે વ્યારા-સોનગઢ વિ. નગરોમાંથી રોજ સેંકડો લોકો ગુજરાત / મહારાષ્ટ્રની બસોમાં આવજાવ કરે છે. બસમાં ગરદી રહેલી હોવાથી કલાકો સુધી ઊભા ઊભા મુસાફરી કરી ત્યાં પહોંચે છે. સુરત ભુસાવળ રેલ્વે લાઈન પર રોજની સુપરફાસ્ટ ઘણી બધી ટ્રેનો દોડી રહી છે. બસ મુસાફરીની સમસ્યા રોજ મુંગે મોઢે સૌ સહન કરે છે. પણ તે કાગળ પર લખી, નવાપુર – સુરત વચ્ચે એક મેમું ટ્રેન દિવસમાં પાંચ વખત આવજાવ કરે તેવી દોડાવવા માંગણી કરતું નથી. આપણા રોજીદી સમસ્યાને કાગળપર લખી યોગ્ય સત્તાધીશોને પહોંચાડીશુ નહીં તો આપણી સમસ્યા કહી હલ થશે નહીં.
વ્યારા    – પ્રકાશ સી.શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તફાવત સમજવો જ રહ્યો
વિશ્વમાં અનેક મહાન લેખકો અને સર્જકો થઈ ગયાં છે કે જેઓ પોતાના જીવનમાં અમૂલ્ય પ્રદાન કરી ગયાં. એવા જ એક સર્જક એટલે માર્ક ટ્વેઇન. હાલમાં જ એમનું એક વાક્ય વાંચવાનું થયું. એમણે કહ્યું હતું કે; ‘‘તમે ભૂખ્યા કૂતરાને ખવડાવશો અને એની સંભાળ લેશો તો એ કદી પણ તમને કરડશે નહીં. માણસ અને કૂતરામાં આટલો તફાવત છે.’’ આ વાક્યમાં બહુ જ કડવી વાત બહુ જ વેધક રીતે રજૂ થઈ છે. આ વાકયમાં રહેલો ગર્ભિતાર્થ ખૂબ જ માર્મિક છે અને સ્વયંસ્પષ્ટ છે એટલે વિશેષ ચર્ચાને કોઈ અવકાશ નથી.પરંતુ આ વાક્ય સંદર્ભે આપણે, આપણી કક્ષા વિશે વિચારવું રહ્યું એવું નોંધવાનું જરૂર પ્રાપ્ત થાય છે.
નવસારી – ઇન્તેખાબ અનસારી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top