Sports

કોહલીની સદીની મદદથી ભારતે શ્રીલંકા સામે ખડક્યો ‘વિરાટ’ સ્કોર

ગુવાહાટી: શ્રીલંકા સામેની 3 મેચની વન-ડે સિરીઝની (INDvsSrilanka) પહેલી મેચ ગુવાહાટી ખાતે આજે મંગળવારે તા. 10 જાન્યુઆરીના રોજ બપોરે 1.30 વાગ્યે શરૂ થઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાનો આ નિર્ણય ખોટો પડ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા સાથે શુભમન ગિલ ઓપનિંગ માટે મેદાને ઉતર્યો હતો. બંને બેટ્સમેનોએ ફટકાબાજી કરી ભારતને સારી શરૂઆત અપાવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને ગિલ વચ્ચે 100થી વધુ રનની ભાગીદારી થઈ હતી. જોકે મેચનું મુખ્ય આકર્ષણ વિરાટ કોહલીની ઈનિંગ રહી હતી. વિરાટ કોહલીએ કારકિર્દીની 45મી સદી ફટકારી હતી. બાંગ્લાદેશ સામે સદી બાદ શ્રીલંકા વિરુદ્ધ ક્લાસિક સદી ફટકારીને વિરાટ કોહલીએ પોતાનો કલાસ બતાવ્યો હતો. કોહલી 87 બોલમાં 113 રન બનાવી 49મી ઓવરમાં આઉટ થયો હતો. ભારતે પહેલી વન ડે મેચમાં 7 વિકેટ ગુમાવી 50 ઓવરમાં 373 રન બનાવ્યા હતા. શ્રીલંકાને જીતવા માટે ભારતે 374 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ભારતની પહેલી વિકેટ 143ના સ્કોર પર પડી હતી. શુભમન ગિલ 60 બોલમાં 70 રન બનાવી એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ગિલને આઉટ કરી રોહિત-ગિલની 143 રનની ભાગીદારી તોડી હતી. મેચની 20મી ઓવરમાં પહેલી વિકેટ પડી હતી. ભારતની બીજી વિકેટ 173ના સ્કોર પર પડી હતી. કેપ્ટન રોહિત શર્મા 67 બોલમાં 83 રન બનાવી દિલશાન મદુશંકાની બોલ પર બોલ્ડ થયો હતો. ભારતની ત્રીજી વિકેટ 30મી ઓવરમાં 213ના સ્કોર પર પડી હતી. શ્રૈયસ ઐય્યર 28 રન બનાવી આઉટ થયો હતો.

ભારતે 40 ઓવરમાં 300 રનનો આંકડો પાર કરી લીધો હતો. જોકે, 41મી ઓવરમાં કે.એલ. રાહુલ બોલ્ડ થયો હતો. રાહુલે 29 બોલમાં 39 રન બનાવ્યા હતા. ત્યાર બાદ હાર્દિક પંડ્યા વધુ ટકી શક્યો નહોતો. 330ના સ્કોર પર ભારતની પાંચમી વિકેટપડી હતી. ઝડપી રન બનાવવાના ચક્કરમાં હાર્દિક કેચ આપી બેઠો હતો. હાર્દિક માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો.

શ્રીલંકાનો કસુન રજીથા સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો
ભારતના ટોપ થ્રી બેટ્સમેન રોહિત, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ આજે શ્રીલંકાના તમામ બોલરોની ધૂળધાણી કરી નાંખી હતી. શ્રીલંકાના કેપ્ટને આજે 7 બોલર્સને અજમાવ્યા હતા, પણ કોઈને ખાસ સફળતા મળી નહોતી. ભારતીય બેટ્સમેનોએ શ્રીલંકાના મેઈન બોલર કસુન રજીથાને સૌથી વધુ ફટકાર્યો હતો. રજીથાની 10 ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ 88 રન બનાવ્યા હતા. જોકે, સૌથી વધુ 3 વિકેટ પણ રજીથાને જ મળી હતી. આ ઉપરાંત હસરંગાને 67, દુનિથને 65, ચામિકા કરૂણારત્નેની ઓવરમાં 54 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને શ્રીલંકા સામે પ્રથમ વનડેમાં નહીં રમાડાયો
ઈશાન કિશન શ્રીલંકા સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાડાયો નથી. આ અંગે રોહિત મેચના એક દિવસ પહેલાં જ જાહેરાત કરી હતી. રોહિતે કહ્યું હતું છે કે શુભમન ગિલને પૂરી તક આપવી પડશે અને આ કારણોસર ઈશાન પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ જશે. શ્રીલંકા સામેની મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા ભારતીય સુકાનીએ કહ્યું હતું કે એ કમનસીબી છે કે અમે ઈશાન કિશનને રમાડી શકીશું નહીં. અમારે શુભમન ગિલને પૂરી તક આપવી પડશે. ઇશાન કિશને બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં બેવડી સદી ફટકારી હતી. ઈજાગ્રસ્ત રોહિત શર્માના સ્થાને રમતા વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને 131 બોલમાં 210 રન બનાવ્યા હતા.

સૂર્યાના બદલે શ્રેયસને ચાન્સ મળ્યો
T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ પણ ટીમમાં છે, પરંતુ તેને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું નથી. સૂર્યાને બદલે શ્રેયસ અય્યર પર ટીમ મેનેજમેન્ટે વિશ્વાસ મુક્યો છે. શ્રેયસ અય્યરે ગયા વર્ષે ODIમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 15 ઇનિંગ્સમાં 55.69ની એવરેજથી 724 રન બનાવ્યા હતા. બીજી તરફ ટી20માં ત્રણ સદી ફટકારનાર સૂર્યકુમાર વનડેમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. સૂર્યકુમારના નામે 16 મેચમાં માત્ર 384 રન છે.

સૂર્યાને સ્થાન ન આપવા બદલ રોહિતે શું કહ્યું?
કેપ્ટન રોહિત શર્માએ એ મેચના આગલા દિવસે કહ્યું હતું કે જે ખેલાડીઓએ ટી20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે તેમને વનડે શ્રેણીમાં તક મળશે. રોહિતે કહ્યું, ‘હું ફોર્મ સમજું છું. ફોર્મ મહત્વનું છે, પરંતુ ફોર્મેટ પણ મહત્વપૂર્ણ છે. 50 ઓવરનું ફોર્મેટ અલગ છે અને તે T20 ફોર્મેટ કરતા થોડું લાંબુ છે. વનડેમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને અવશ્ય તકો મળશે.

બુમરાહ પહેલેથી જ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે
વન ડે શ્રેણીની શરૂઆત પહેલા જ ભારતને આંચકો લાગ્યો હતો કારણ કે જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ત્રણેય મેચમાંથી બહાર થઈ ગયો હતો. બુમરાહ ઈજાના કારણે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો. વર્લ્ડ કપમાં હવે વધુ મહિનાઓ બચ્યા નથી, આવી સ્થિતિમાં બુમરાહના અંતિમ ક્ષણોમાં ટીમની બહાર હોવાના કારણે તેના ટીમમાં પરત ફરવા અંગે સવાલો ઉભા થયા છે.

Most Popular

To Top