સુરત(Surat) : સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની (UkaiDam) સપાટી સતત વધી રહી છે. છેલ્લા અપડેટ અનુસાર ઉકાઈ ડેમની સપાટી હાલ ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે. તેથી ઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવક બંને સરખી કરી દેવામાં આવી છે. સોમવારે તા. 25 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાના અપડેટ અનુસાર ઉકાઈ ડેમમાં 63 હજાર ક્યુસેક પાણીની આવક સામે એટલું જ 63 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં ગઈકાલે રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં રાત્રિના 8 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના લીધે સુરત શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા છે. બપોરે પણ સુરત શહેરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યાં હતાં. ત્યારે બીજી તરફ સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ વરસી રહ્યો હોવાના લીધે ઉકાઈ ડેમમાં પાણીનો ઈનફલો ચાલુ રહ્યો છે.
આજે સોમવારે ઉકાઈ ડેમના કેચમેન્ટમાં વરસાદ પડતા ડેમમાં આજે સવારથી 63,354 ક્યૂસેક ઈનફલો ચાલુ રહ્યો છે. આ સાથે જ ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે તેની નજીક ડેમની સપાટી પહોંચી ગઈ છે. બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 344.06 ફૂટ નોંધાઈ હતી. ડેમની સપાટી સતત ભયજનક સપાટી તરફ આગળ વધી રહી હોય તંત્ર દ્વારા આવક એટલી જાવકનો નિર્ણય લેવાયો છે. 63,354 ક્યૂસેક ઈનફલો સામે ડેમમાંથી 63,354 ક્યૂસેક આઉટફલો ચાલુ રાખવામાં આવ્યો છે.
સુરતના કોઝવેની સપાટીમાં સામાન્ય વધારો
ઉકાઈ ડેમમાંથી 63,354 ક્યૂસેક આઉટફલોના પગલે તાપી નદીમાં પાણીની આવક થઈ છે, તેના પગલે સુરત ખાતે આવેલા વિયર કમ કોઝવેની સપાટીમાં સામાન્ય વધારો થયો છે. વિયર કમ કોઝવેની સપાટી સવારે 8 વાગ્યે 7.43 મીટર હતી તે બપોરે 12 વાગ્યે વધીને 7.44 મીટર થઈ છે.