Dakshin Gujarat

દેવધા ગામમાં પાણી ફરી વળવા સાથે ડેમ પણ પાણીમાં ગરક થઈ ગયો

બીલીમોરા : બીલીમોરા સાથે ગણદેવીમાં અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડતા અંબિકા અને કાવેરી નદીના જળસ્તર વધવા સાથે દેવધા ગામમાં પાણી ફરી વળવા સાથે ડેમ પણ પાણીમાં ગરક થઈ ગયો હતો.

અઠવાડિયાથી ગણદેવી તાલુકા સાથે બીલીમોરામાં જોરદાર વરસાદ પડતા અંબિકા, કાવેરી, અને ખરેરા નદીમાં પાણીની આવક વધવા સાથે નદીઓની સપાટી વઘતા નીચાણવાળા વિસ્તારોના રહીશોની હાલત દયનિય બની ગઈ હતી. નદી પાસેના રહીશો માટે રાત્રે પડેલો સાંબેલાધર વરસાદ આફત લઈને આવ્યો હતો. બીલીમોરા નજીકના દેવધા ગામે પાણી ભરાઈ ગયા હતા તે સાથે ધમડાછા હાઈસ્કૂલ પાસેના રસ્તા પર પાણી ફરી વળતા ઇન્દિરા નગર જતો રસ્તો બંધ થઇ ગયો હતો. ગણદેવી પાસેના તોરણગામ પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ફરી વળ્યાં હતા. સાલેજથી કોલવા જતા રસ્તા પર પાણી હોવાથી આવન જવન બંધ થઇ ગઈ હતી, ગંઘોરના મુખ્ય માર્ગ સાથે સરિબુજરંગ કોસ્ટલ હાઈવે પર વૃક્ષ પડતા વાહન વ્યવહાર અટકી ગયો હતો.

બીલીમોરા પાસેના ઘોલ અને ભાઠામાં અંબિકા નદીના પાણી ફરી વળ્યાં હતા. ઉડાંચનો લો લેવલ પુલ ફરી પાછો પાણીમાં ડૂબી ગયો હતો. ગણદેવી કોઠી ફળીયાંમા પણ પાણીએ મોકાણ સર્જી હતી. સાથે નેરોગેજ નીચેના પુલ પર પણ પાણી હોવાથી ગણદેવીથી બીલીમોરા જવા માટેનો જૂનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. નેરોગેજ રેલ્વે ફાટકથી કસ્બાવાડી જતા રસ્તા પર પણ પાણી હોવાથી ખડી ખાડી થઇને કસ્બાવાડી જવાના માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો. ગણદેવી સહિત બીલીમોરામાં છેલ્લા ચોવીસ કલાકમાં 123 એમએમ એટલે કે (4.92 ઇંચ) વરસાદ પડવા સાથે મોસમનો કુલ વરસાદ 1272 એમએમ એટલે કે (50.88) ઇંચ પડી ચૂક્યો છે. અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટની સામે 27.55 ફૂટે વહી રહી છે, તેવી જ રીતે કાવેરી પણ ભયજનક 19 ફૂટની સામે 12 ફૂટે વહી રહી છે.

ચીખલી પંથકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જ પડ્યા
ઘેજ : ચીખલી પંથકમાં ગુરૂવારના રોજ દિવસભર વાદળો છવાયેલા રહેવા સાથે મેઘરાજાએ આરામ ફરમાવ્યો હતો. રાત્રીના 10 વાગ્યા બાદ વરસાદની તેજ પવન સાથે જોરદાર શરૂઆત થઈ હતી. અને વહેલી સવારે 2 વાગ્યા સુધીના 6 કલાકમાં 1.8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગુરૂવારના સાંજે 4 વાગ્યાથી શુક્રવારના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં તાલુકામાં 2.16 ઇંચ વરસાદ થતાં માર્ગ ઉપરથી પાણી વહેતા થઈ જવા પામ્યા હતા. જોકે શુક્રવારની સવારથી જ મેઘરાજાએ આરામ ફરમાવતા છૂટાછવાયા વરસાદી ઝાપટા જ થવા પામ્યા હતા. ચીખલી તાલુકામાં ૨.૧૬ ઇંચ વરસાદ સાથે સીઝનનો કુલ વરસાદ ૫૬.૪ ઈંચ નોધાવા પામ્યો છે.

Most Popular

To Top