Columns

પંજાબમાં આમ આદમી પાર્ટીના વિજયથી અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય નેતા બની ગયા છે

૨૦૧૩ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)નો વિજય થયો તેનો યશ અન્ના હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દ્વારા પેદા થયેલા જુવાળને આપવામાં આવતો હતો. દિલ્હીમાં ‘આપ’ ની જે પહેલી સરકાર બની તે શાસક પક્ષ કરતાં વિરોધ પક્ષ જેવી વધુ દેખાતી હતી. આ સરકાર ટૂંકમાં પડી ભાંગી હતી.  દિલ્હીમાં ‘આપ’ ની બીજી વખત સરકાર બની તેણે આંદોલનનો મૂડ છોડીને સારું શાસન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે આરોગ્ય, શિક્ષણ, વીજળી, પાણી વગેરે ક્ષેત્રોમાં સારી કામગીરી બજાવી હતી. ૨૦૧૭ માં પંજાબ વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં ‘આપ’ એ પોતાનું નસીબ અજમાવ્યું હતું, પણ તેની પાસે મુખ્ય મંત્રીનો ચહેરો ન હોવાથી કેપ્ટન અમરિંદર સિંહ મેદાન મારી ગયા હતા.

૨૦૨૨ માં પંજાબનો રાજકીય માહોલ ધરમૂળથી બદલાઈ ગયો હતો. કિસાન આંદોલનને કારણે કેન્દ્રમાં સત્તામાં રહેલા ભાજપે અને રાજ્યમાં સત્તામાં રહેલી કોંગ્રેસે મતદારોનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. આ રાજકીય શૂન્યાવકાશનો અરવિંદ કેજરીવાલે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. દિલ્હી સરકારની સિદ્ધિઓનું માર્કેટિંગ કરીને પંજાબના મતદારોને લોભાવવાના પ્રયત્નોમાં તેમને સફળતા મળી હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોથી ત્રાસેલા મતદારો માટે ‘આપ’ એ એક આશાસ્પદ વિકલ્પ રજૂ કર્યો હતો. આ વખતે ભગવંત સિંહ માનના રૂપમાં તેમની પાસે મુખ્ય મંત્રીનો ચહેરો પણ હતો. પરિણામે મતદારોએ તેમને સૂંડલો ભરીને મતો આપ્યા હતા. કુલ ૧૧૭ પૈકી ૯૧ બેઠકો પર વિજય પ્રાપ્ત કરીને તેમણે ભાજપ, કોંગ્રેસ તેમ જ અકાલી દળનાં સૂપડાં સાફ કરી નાખ્યાં હતાં. પંજાબની સફળતા પછી અરવિંદ કેજરીવાલની ગણતરી રાષ્ટ્રીય નેતા તરીકે થવા લાગી છે. ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં તેઓ કદાચ નરેન્દ્ર મોદીના સૌથી મોટા હરીફ બની રહેશે.

રાજકારણમાં ધડાકાભેર પ્રવેશ પછી, પ્રારંભિક સફળતાનો સ્વાદ ચાખ્યા પછી ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે જે પછડાટ ખાધી તેને કારણે તેમની રાજકીય કારકીર્દિ જ ખતમ થઈ જાય તેવો માહોલ ઊભો થયો હતો. તેમના પક્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિકલ્પ બનવાના ધખારા સાથે ૪૦૦ ઉમેદવારો દેશભરમાં ઊભા રાખ્યા હતા. તેમાં દિલ્હી અને પંજાબને બાદ કરતાં મોટા ભાગની બેઠકો પર તેમની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. દિલ્હીમાં લોકસભાની સાતે સાત બેઠકો પર તેમના ઉમેદવારો હારી ગયા હતા. અચંબાજનક રીતે ‘આપ’ ને પંજાબમાં ચાર બેઠકો મળી હતી, જે અરવિંદ કેજરીવાલ માટે મોટું આશ્વાસન હતું.

લોકસભાની ચૂંટણીમાં થયેલા ધબડકા પછી અરવિંદ કેજરીવાલને નેશનલ કન્વીનર તરીકે દૂર કરવાની માગણી પક્ષમાં બુલંદ બની હતી. ત્યારે અરવિંદ કેજરીવાલે સંકલ્પ કર્યો હતો કે તેઓ ભારતીય રાજકારણનો ચહેરો બદલી કાઢશે. ૨૦૧૫ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ પૈકી ૬૭ બેઠકો જીતીને તેમણે વિરોધીઓને ચૂપ કરી દીધા હતા. દિલ્હીને ભારતનું મોડેલ સ્ટેટ બનાવવા પાછળ તેમણે શક્તિ કેન્દ્રિત કરી હતી. ૨૦૧૯ માં ફરીથી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે અરવિંદ કેજરીવાલે નિખાલસ એકરાર કર્યો હતો કે તેઓ દિલ્હી સાચવીને બેસી રહેશે; રાષ્ટ્રીય રાજકારણમાં કંઇક કરી છૂટવાની તેમનામાં તાકાત નથી. તેમણે ખરેખર પોતાની તમામ શક્તિ દિલ્હીની પ્રજાનાં દિલ જીતવામાં લગાડી હતી. તેમણે પુરવાર કર્યું હતું કે તેઓ માત્ર આંદોલન કરવામાં જ નથી માનતા પણ કામ કરતી સરકારનો વિકલ્પ આપવાની તેમનામાં ક્ષમતા છે. તેનો ફાયદો તેમને ૨૦૨૦ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં થયો હતો. દિલ્હીના મતદારોએ ત્રીજી વખત ‘આપ’ ના હાથમાં સત્તાનાં સૂત્રો સોંપ્યાં હતાં.

૨૦૧૭ માં પંજાબ અને ગોવા વિધાનસભાની ચૂંટણીમાં માર ખાનારા અરવિંદ કેજરીવાલે આ વખતે ૨૦૨૨ માં દિલ્હીમાં શાસન કરવાના ઉજળા હિસાબ સાથે ઝંપલાવી દીધું હતું. અરવિંદ કેજરીવાલની જેમ મમતા બેનરજીએ પણ ગોવામાં ખાલી પડેલા શૂન્યાવકાશને ભરી દેવામાં પોતાની તાકાત લગાવી હતી. મમતા બેનરજી જે કામ ગોવામાં ન કરી શક્યાં તે અરવિંદ કેજરીવાલે પંજાબમાં કરી બતાવ્યું હતું. પહેલી વખત ભારતના એક પૂર્ણ કક્ષાનાં રાજ્યનું શાસન કરવાની અને પોતાની ક્ષમતા પુરવાર કરવાની તક અરવિંદ કેજરીવાલને મળી છે. અત્યાર સુધી ભારતના કોઈ પ્રાદેશિક પક્ષના નેતા પોતાના રાજ્ય સિવાયના અન્ય રાજ્યમાં સરકાર બનાવી શક્યા નથી. એ પરાક્રમ અરવિંદ કેજરીવાલે કરી બતાવ્યું હોવાથી હવે તેઓ કદાવર વિપક્ષી નેતા બની ગયા છે.

૨૦૧૭ માં પંજાબ વિધાનસભાની ચૂંટણી લડતી વખતે અરવિંદ કેજરીવાલે ત્રણ મોટી ભૂલો કરી હતી. એક, તેમણે પંજાબમાં સ્થાનિક કાર્યકરોની ટીમ ઊભી નહોતી કરી. આખી ચૂંટણી તેમણે દિલ્હીથી આવેલા કાર્યકરોના બળ પર લડી હતી. પંજાબના મતદારોમાં એવી છાપ ઊભી થઈ હતી કે ‘આપ’ પંજાબની બહારથી આવેલા લોકોનો પક્ષ છે. તેણે બીજી ભૂલ એ કરી કે કોઈ સ્થાનિક નેતાના નામની મુખ્ય પ્રધાનના દાવેદાર તરીકે જાહેરાત નહોતી કરી. પંજાબના મતદારો ‘આપ’ ના ઉમેદવારોને સવાલ કરતા હતા કે, શું અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્ય મંત્રી બનવાના છે? ઉમેદવારો પાસે તેનો કોઈ જવાબ નહોતો.

તેમની ત્રીજી ભૂલ એ હતી કે કેટલાક ખાલિસ્તાનતરફી તત્ત્વો ‘આપ’ ના નેતાઓ સાથે દેખાયા હતા. કોંગ્રેસે તેનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. આ કારણે ૨૦૧૭ ની ચૂંટણીમાં ‘આપ’ ને માત્ર ૨૦ બેઠકો સામે કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. ૨૦૨૨ ની ચૂંટણી પહેલાં કોંગ્રેસે નેતૃત્વ બદલવાની જે ભૂલ કરી તે તેને ભારે પડી ગઈ હતી. કેપ્ટન અમરિંદર સિંહે ભાજપનું બાવડું પકડ્યું એ તેમના માટે આત્મઘાતક પુરવાર થયું હતું. કોંગ્રેસે દલિતને મુખ્ય પ્રધાન બનાવ્યા તેનાથી પણ મતદારો પ્રભાવિત થયા નહોતા. પંજાબમાં ભાજપ, અકાલી દળ અને કોંગ્રેસ ત્રણેયનાં વળતાં પાણી થયાં તેનો લાભ ‘આપ’ ને ઓછી મહેનતે મળી ગયો હતો.

પંજાબમાં ‘આપ’ ને ઝળહળતી સફળતા મળી અને પાંચેય રાજ્યોમાં કોંગ્રેસનો રકાસ થયો તેને પરિણામે રાષ્ટ્રીય રાજકારણનાં સમીકરણો પણ બદલાઈ ગયાં છે. લોકસભાની ચૂંટણીને બે વર્ષનું છેટું છે ત્યારે ફરી પાછી બિનભાજપી પક્ષનો નેતા કોણ બની શકે? તેની ચર્ચા ચાલુ થઈ છે. જો ભાજપને ૨૦૨૪ માં હંફાવવા માટે કોઈ ત્રીજો મોરચો રચાય તો તેના સંભવિત નેતા તરીકે અરવિંદ કેજરીવાલનો દાવો મજબૂત બની ગયો છે. આજ સુધી આ સંભવિત મોરચાના સંભવિત નેતાઓ તરીકે શરદ પવારથી લઈને મમતા બેનરજી અને ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇકથી લઈને તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવનાં નામો બોલાતાં આવ્યાં છે.  આ બધા નેતાઓની મર્યાદા એ છે કે તેઓ પોતાના ગૃહ રાજ્યની બહાર એક પણ વિધાનસભાની ચૂંટણી જીતી શક્યા નથી. અરવિંદ કેજરીવાલે પંજાબની ચૂંટણી જીતીને તેમના બધા કરતાં પોતાની અલગ રાષ્ટ્રીય ઓળખ ઊભી કરી છે. જો ૨૦૨૪ માં કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષો સંગઠિત થાય અને અરવિંદ કેજરીવાલને સંયુક્ત વિપક્ષના નેતા બનાવાય તો તેઓ નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે તેમ છે. આ વિકલ્પ અત્યારે અશક્ય જણાય છે, પણ રાજકારણમાં ચમત્કારો કાયમ બનતા જ હોય છે.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top