Sports

ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી

નવી દિલ્હીઃ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 295 રનથી શાનદાર જીત હાંસલ કરી હતી. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કાંગારૂ ટીમને જીતવા માટે પહાડ જેવો 594 રનનો ટાર્ગેટ હતો પરંતુ તે માત્ર 238 રન સુધી જ સિમિત રહી ગયો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.

ભારત ટોચ પર પહોંચ્યું
પર્થ ટેસ્ટમાં યાદગાર જીત બાદ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ટેબલમાં ફાયદો થયો છે. હવે ભારતીય ટીમ ફરી WTC ટેબલમાં નંબર વન પર છે. ભારતીય ટીમના અત્યાર સુધી 15 મેચમાં 9 જીત, 5 હાર અને એક ડ્રો સાથે 110 પોઈન્ટ છે. તેના માર્કસની ટકાવારી 61.11 ટકા છે. ભારતે વર્તમાન રાઉન્ડમાં વધુ 4 મેચ રમવાની છે, જે તમામ ઓસ્ટ્રેલિયા સામે છે.

બીજી તરફ WTC ટેબલમાં ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને સરકી ગયું છે. કાંગારૂ ટીમના 13 મેચમાં 8 જીત, 4 હાર અને 1 ડ્રો સાથે 90 પોઈન્ટ છે. તેના ગુણની ટકાવારી 57.69 છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાને છે. શ્રીલંકાના નવ મેચમાં 55.56 ટકા માર્ક્સ અને 60 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને, દક્ષિણ આફ્રિકા પાંચમા સ્થાને અને ઈંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને છે. જ્યારે પાકિસ્તાન સાતમા, બાંગ્લાદેશ આઠમા અને વેસ્ટ ઈન્ડિઝ નવમા ક્રમે છે.

WTC ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બાકીની ચાર ટેસ્ટમાંથી ત્રણ મેચ જીતવી પડશે અને એક મેચ ડ્રો કરવી પડશે. જો ભારતીય ટીમ એક પણ મેચ હારે છે તો તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. ભારતીય ટીમ મહત્તમ 69.30% અંક સુધી પહોંચી શકે છે.

અંતિમ સમીકરણ (અન્ય પરિણામો પર આધાર રાખ્યા વિના) ઓસ્ટ્રેલિયા – 6 માંથી 5 મેચ જીતવી પડશે. ભારતે 4 માંથી 3 જીત અને એક ડ્રો કરવી પડશે. શ્રીલંકાએ 4 માંથી 4, ન્યુઝીલેન્ડે 3 માંથી 3 અને દક્ષિણ આફ્રિકા 4 માંથી 4 મેચ જીત મેળવવી પડશે.

Most Popular

To Top