ભરૂચ: ભરૂચ જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિનની GNFC મંદિર ગ્રાઉન્ડમાં યોગ ટ્રેનરના સહયોગથી જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થાઓ અને એનજીઓના લોકોએ ઉપસ્થિત રહી યોગમાં જોડાયા હતા.
આ તબક્કે સૌ પ્રથમ ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેની અધ્યક્ષતામાં બનાસકાંઠામાં બોર્ડર પરથી યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વિશ્વ યોગ દિવસે ગુજરાતનાં લોકોને સંબોધન કરતા વિશ્વ યોગ દિનની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ જમ્મુ કાશ્મીરના દાલ સરોવરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ ટેલિકાસ્ટને લોકોએ નિહાળ્યું હતું.
ભરૂચ જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંમ સેવકો, સંસ્થાઓ, એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જોડાઈને યોગ કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા, યોગાસન અને તેનાથી થતાં ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત્ત થાય,યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. ભરૂચમાં આજ ઉદ્દેશ્ય સાથે જિલ્લાકક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગર પાલિકાકક્ષાઓ,તાલુકાકક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરાઇ હતી.
જે પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા,જિલ્લા પ્રાયોજના વહીવટદાર યોગેશ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા,R.A.C એન.આર.ધાંધલ,વિવિધ સંસ્થાઓ,શાળાઓના યોગ સાધકો અને મોટી સંખ્યામાં જોડાયા હતા.