જો હાથીને બરાબર લડાઈ કરતાં ન આવડે તો ક્યારેક કીડી પણ હાથીને ભારે પડી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે મહિના પૂરા થવા આવ્યા છે; પણ યુક્રેન હારતું નથી. રશિયાની ગણતરી એક સપ્તાહમાં યુદ્ધ ખતમ કરવાની હતી, પણ તેની બધી ગણતરીઓ ખોટી પડી છે. રશિયાનું સૈન્ય યુક્રેનની રાજધાની કીવ પર ચડાઈ લઈને ગયું હતું, પણ કીવ સુધી પહોંચવામાં તેને જે મુશ્કેલીઓ પડી તેને કારણે તે કીવની ભાગોળેથી પાછું ફર્યું છે. રશિયા તમાચો મારીને ગાલ લાલ રાખતાં કહે છે કે તેની યોજના રાજધાની કીવ પર કબજો જમાવવાની જ નહોતી. રશિયાએ હવે તેનું લક્ષ્ય યુક્રેનની પૂર્વ દિશામાં આવેલા પ્રદેશો પર કબજો જમાવવા તરફ રૂપાંતરિત કર્યું છે ત્યારે યુક્રેને જબરદસ્ત પરાક્રમ કરીને રશિયાનું રાક્ષસી ‘મોસ્ક્વા’ યુદ્ધજહાજ ડૂબાડીને રશિયાનું નાક કાપ્યું છે. રશિયન ટી.વી.ના પ્રવક્તાએ આ ઘટનાને ત્રીજા વિશ્વયુદ્ધના પ્રારંભ તરીકે ગણાવી છે.
કાળા સમુદ્રમાં રશિયાનો જે નૌકાકાફલો ગોઠવવામાં આવ્યો છે, તેનું ફ્લેગશીપ મોસ્ક્વા ૧૨,૪૯૦ મેટ્રિક ટનનું તોતિંગ ગાઇડેડ મિસાઈલ ક્રૂઝર હતું. તેમાં ખલાસીઓ અને અફસરો મળીને કુલ ૫૦૦ સૈનિકો હતા. આ યુદ્ધજહાજને ટોવિંગ કરીને બંદરમાં લઈ જવામાં આવતું હતું ત્યારે યુક્રેનનું નેપ્ચ્યુન મિસાઈલ તેના પર ત્રાટક્યું હતું. યુદ્ધજહાજ પર પહેલાં ધડાકો થયો હતો અને પછી આગ લાગી હતી. તેના ૫૦૦ કર્મચારીઓએ પણ જળસમાધિ લીધી હોવાની શંકા છે. રશિયાએ યુદ્ધજહાજ પર ધડાકો થવાની વાતને સમર્થન આપ્યું છે, પણ તેમાં યુક્રેનની ભૂમિકા નકારી કાઢી છે. અમેરિકાના જાસૂસી તંત્ર દ્વારા આ યુદ્ધજહાજ યુક્રેને ઉડાડી મૂક્યું હોવાના દાવાને સમર્થન આપવામાં આવ્યું છે. યુક્રેને યુદ્ધજહાજની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ગેરમાર્ગે દોરવા માટે દ્રોન વિમાનનો ઉપયોગ કર્યો હતો. હકીકતમાં આ યુદ્ધજહાજનું નિર્માણ યુક્રેનમાં જ કરવામાં આવ્યું હતું.
૧૯૭૦ ના દાયકામાં કોલ્ડ વોરના જમાનામાં સોવિયેટ રશિયા દ્વારા જે યુદ્ધજહાજો તૈયાર કરવામાં આવ્યા, તેમાં મોસ્ક્વાનો પણ સમાવેશ થતો હતો. તેનું નિર્માણ અમેરિકાના વિમાનવાહક જહાજોના કાફલાનો મુકાબલો કરવા માટે કરવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ દૂરના સમુદ્રોમાં તરતા રશિયન વેપારી જહાજોને સંરક્ષણ આપવા માટે કરવામાં આવતો હતો. તેનું નિર્માણ યુક્રેનના માઇકોલીવ શિપયાર્ડમાં કરવામાં આવ્યું હતું, કારણ કે ત્યારે યુક્રેન સોવિયેટ રશિયાનો એક ભાગ હતું. ૧૮૬ મીટર લંબાઈ ધરાવતા આ જહાજનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે તેનું નામ સ્લાવા રાખવામાં આવ્યું હતું. તેમાં મોર્ટાર, ટોરપિડો, ડેક ગન્સ વગેરે શસ્ત્રો ગોઠવવામાં આવ્યાં હતાં. કોલ્ડ વોરના દિવસોમાં તેને અણુબોમ્બથી પણ સજ્જ કરવામાં આવ્યું હતું. તેના પર હેલિકોપ્ટર ઊતરવા માટેની સવલત પણ છે. તેમાં ૪૭૬ ખલાસીઓ અને ૬૨ ઓફિસરો ફરજ બજાવતા હતા.
૧૯૯૦ ના દાયકામાં સોવિયેટ યુનિયનનું વિસર્જન થયું અને યુક્રેન સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું તે પછી સ્લાવા યુદ્ધજહાજનું સમારકામ કરીને તેને અદ્યતન શસ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યું હતું. ૧૯૯૯ માં વ્લાદિમિર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ બન્યા તે પછી સ્લાવાને મોસ્ક્વાના નવા નામે સમુદ્રમાં ઉતારવામાં આવ્યું હતું. કોઈ પણ દેશના નેતા રશિયાની મુલાકાતે આવે ત્યારે તેમનો સત્કાર સમારંભ આ ભવ્ય યુદ્ધજહાજ પર યોજવામાં આવતો હતો. ૨૦૦૮ માં રશિયાએ જ્યોર્જિયા પર હુમલો કર્યો ત્યારે કાળા સમુદ્રમાં ગોઠવાયેલા મોસ્ક્વાએ પણ તેમાં ભાગ લીધો હતો. ૨૦૧૪ માં રશિયાએ ક્રીમિયા કબજે કર્યું ત્યારે યુક્રેનના નૌકાદળના બ્લોકેડમાં પણ તેણે ભાગ લીધો હતો. તેના પછીના વર્ષે તેણે સીરિયામાં લડી રહેલા રશિયન સૈનિકોને સંરક્ષણ પૂરું પાડ્યું હતું.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછી મોસ્ક્વાની મદદથી યુક્રેનના સ્નેક આઇલેન્ડ તરીકે ઓળખાતા ટાપુ પર કાળા સમુદ્રમાર્ગે હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના સૈનિકો શરણે જવાને બદલે બહાદુરીથી લડ્યા હતા. આ લડાઈમાં ૧૩ સૈનિકો શહીદ થયા હતા. તેમના માનમાં યુક્રેન સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. યુદ્ધના અંતે સ્નેક આઇલેન્ડ પર રશિયાએ કબજો જમાવ્યો હતો અને યુક્રેનના ૮૨ સૈનિકોને બંદી બનાવ્યા હતા. મોસ્ક્વા યુદ્ધજહાજનો ઉપયોગ કરીને રશિયાએ સ્નેક આઇલેન્ડ પર કબજો કર્યો હોવાથી તે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની નફરતનું કારણ બની ગયું હતું. તેમણે મોસ્ક્વાને ડૂબાડી દેવાની યોજના બનાવી હતી. હવે મોસ્ક્વાની જળસમાધિને કારણે જો રશિયા બદલો લેશે તો બીજું વિશ્વયુદ્ધ પણ શરૂ થઈ શકે છે.
રશિયાના સૈન્યે મોસ્ક્વાના ડૂબવાને નાનકડી ઘટના ગણાવતાં કહ્યું છે કે ‘‘તે ખૂબ જૂનું યુદ્ધજહાજ હતું. તેને પાંચ વર્ષ પછી ભંગારમાં વેચવાની તૈયારી ચાલી રહી હતી. તે રશિયા માટે યુદ્ધમાં બહુ ઉપયોગી નહોતું પણ સ્ટેટસ સિમ્બોલ હતું. યુક્રેનના યુદ્ધમાં કોઈ ફરક નહીં પડે.’’ યુક્રેનના લશ્કરે મોસ્ક્વાને ડૂબાડવા માટે અદ્યતન ટેકનોલોજીની સાથે બુદ્ધિનો પણ ઉપયોગ કર્યો હતો. કાળા સમુદ્રમાં આવેલા ઓડેસા બંદરની દક્ષિણે રહેલા યુદ્ધજહાજની નજીકથી બે દ્રોન વિમાન ઉડાડવામાં આવ્યાં હતાં. તેનો મુકાબલો કરવા યુદ્ધજહાજની એન્ટી મિસાઇલ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. તેના દ્વારા મિસાઇલ છોડવામાં આવ્યાં હતાં. દરમિયાન યુક્રેનના લશ્કર દ્વારા ઓછી ઊંચાઇ પર ઊડતા નેપ્ચ્યુન મિસાઇલ છોડવામાં આવ્યા હતા. તે રડારમાં પકડાઇ શકાતાં નથી. આવું મિસાઇલ મોસ્ક્વા પર ત્રાટક્યું હતું અને તેણે પડખામાં મોટું ગાબડું પાડી દીધું હતું. યુદ્ધજહાજ પર પહેલાં આગ લાગી હતી, પછી તે ડાબે પડખે નમી ગયું હતું અને પછી ડૂબી ગયું હતું.
૨૦૧૪ માં રશિયાએ ક્રીમિયા પર કબજો કરી લીધો તે પછી યુક્રેન દ્વારા કાળા સમુદ્રમાં પોતાની દરિયાઈ સીમાની સુરક્ષા માટે ઉતાવળે નેપ્ચ્યુન મિસાઈલનું ઉત્પાદન હાથ ધરવામાં આવ્યું હતું. આ મિસાઇલ બનાવવામાં રશિયન કેએચ-૩૫ મિસાઇલની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાટોમાં તેને એએસ-૨૦ કાયાક મિસાઇલના નામે ઓળખવામાં આવે છે. તેને તૈયાર કરવામાં ૬ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. જમીન પરથી છોડવામાં આવતું મિસાઇલ દરિયામાં ૩૦૦ કિલોમીટર દૂર જઈને જહાજ પર ત્રાટકી શકે છે. યુક્રેન દ્વારા તેનો ઉપયોગ કરીને કાળા સમુદ્રમાં ચોકી કરતી રશિયાની ઘણી નૌકાઓ તોડી પાડવામાં આવી છે, પણ મોસ્ક્વાની વાત તદ્દન અલગ છે.
યુક્રેનમાં રશિયા અને અમેરિકા અત્યાર સુધી પ્રોક્સીથી યુદ્ધ લડી રહ્યાં છે. અમેરિકા તેમ જ યુરોપના દેશો યુદ્ધમાં સીધા સામેલ નથી થયાં, પણ તેમના દ્વારા યુક્રેનને સતત નાણાં અને શસ્ત્રોનો પુરવઠો મળતો રહ્યો છે, જેને કારણે યુક્રેન રશિયા સામે ટકી રહ્યું છે. બીજી બાજુ રશિયા પર આર્થિક પ્રતિબંધો ઉગ્ર બનતાં તે અકળાયું છે. સ્વિફ્ટ સિસ્ટમમાંથી બાકાત થઈ જવાને કારણે તે પોતાના ડોલરના ભંડારનો ઉપયોગ આવશ્યક ચીજો ખરીદવા કે દેવું ચૂકવવા માટે પણ કરી શકતું નથી. દેવું સમયસર ન ચૂકવી શકવાને કારણે રશિયા પણ શ્રીલંકાની જેમ ડિફોલ્ટર જાહેર થવાની તૈયારીમાં છે. આ સંયોગોમાં મોસ્ક્વાનું ડૂબવું રશિયાની પીઠ પર છેલ્લું તણખલું સાબિત થઈ શકે છે. રશિયા તેનો બદલો લેવા અણુબોમ્બનો ઉપયોગ કરે તો કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ નિવારી શકાશે નહીં.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.