Editorial

સરકાર રચનાની સાથે જ ભાજપના સાથી પક્ષોનો અસંતોષ શરૂ થઇ ગયો

કેન્દ્રમાં સતત ત્રીજી વખત મોદી સરકાર રચાઇ છે, જો કે આ વખતે તે સ્પષ્ટપણે ગઠબંધન સરકાર છે કારણ કે ભાજપને પુરતી બહુમતિ મળી નથી અને ગઠબંધનના સાથીપક્ષોના ટેકે સરકાર ચલાવવી પડશે. શપથવિધિ તો રવિવારે સુખરૂપ થઇ ગઇ, પણ સરકારની શરૂઆતથી જ સાથી પક્ષોનો કચવાટ અને નારાજગી બહાર આવવા માંડ્યા છે. નવી સરકારમાં ખાતાઓની ફાળવણી પણ સોમવારે થઇ ગઇ.

ખાતાઓની ફાળવણીમાં ખાસ્સી તકેદારી રાખવામાં આવી છે અને ગત સરકારમાં જે મંત્રીઓની પાસે ખાતા હતા તેમાંના ઘણા બધા બદલવામાં આવ્યા નથી. ટોચના મહત્વના ગૃહ, સંરક્ષણ, નાણા અને વિદેશ મંત્રાલયો ગઇ સરકારમાં જેમની પાસે હતા તે અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ અને એસ. જયશંકરને જ ફાળવવામાં આવ્યા છે. આ ટોચના ચાર મંત્રાલયો સંભાળતા મંત્રીઓ વડાપ્રધાનના વડપણ હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ કમિટિના પણ સભ્યો બને છે. અને આ ખાતાઓ બાબતમાં મોદીએ સ્વાભાવિક રીતે જ કોઇ ફેરફાર કરવાનું યોગ્ય સમજ્યું નથી.

કેન્દ્રીય કેબિનેટમાં નવા પ્રવેશેલા મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ગ્રામ્ય વિકાસ મંત્રાલયો આપવામાં આવ્યા છે જ્યારે ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા આરોગ્ય મંત્રાલયમાં પરત ફર્યા છે જેઓ ભાજપ પ્રમુખપદ સંભાળતા પહેલા મોદીની પ્રથમ સરકારમાં પણ આરોગ્ય મંત્રાલય સંભાળતા હતા. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને ગૃહ નિમાર્ણ, શહેરી બાબતો તથા ઉર્જા મંત્રાલયો અપાયા છે. દેશભરમાં હાઇવે નેટવર્કને વેગ આપવાનો યશ જેમને ફાળે જાય છે  તે નીતિન ગડકરીને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ ખાતું જ ફરીથી આપવામાં આવ્યું છે.

જેઓ અગાઉ રેલવે અને આઇટી ખાતું સંભાળતા હતા તે અશ્વિની વૈષ્ણવે પોતાના જૂના ખાતાઓ તો જાળવી જ રાખ્યા છે પણ તેમને અગત્યનું માહિતી અને પ્રસારણ ખાતું પણ ફાળવાયું છે. ધર્મેન્દ્ર પ્રધાન અને પિયુષ ગોયલ તેમના અગાઉના શિક્ષણ તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયો અનુક્રમે સંભાળવાનું ચાલુ રાખશે. હરદીપ સિંઘ પુરીએ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય જાળવી રાખ્યું છે પણ હાઉસિંગે અને શહેરી બાબતોનું મંત્રાલય તેમની પાસેથી લઇ લેવાયું છે.

જોઇ શકાય છે કે ટોચના ચાર ઉપરાંત બીજા પણ મહત્વના ખાતાઓમાં કૃષિના અપવાદ સિવાય કોઇ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. ખાસ કાળજી  તો ભાજપના સાથીપક્ષોને ખાતાઓની ફાળવણીમાં રાખવી પડી છે. ભાજપના સાથી પક્ષોમાંના કેબિનટના પાંચ સભ્યોમાંથી જેડી(એસ)ના એચ.ડી. કુમારાસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલય, જીતેન રામ માંઝી(હમ સેક્યુલર)ને લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અને લલન સિંહ (જનતા દળ-યુ)ને પંચાયતી રાજ, મત્સ્યોધ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલય આપવામાં આવ્યું છે.

ટીડીપીના કે. રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન અને એલજેપીના નેતા ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય આપવામાં આવ્યા છે. પરંતુ માંઝી અને ચિરાગ પાસવાનને કેબિનેટ ખાતાઓ આપવામાં આવ્યા તેનાથી શિવસેના નારાજ થઇ ગઇ છે. તેનું કહેવું એમ છે કે અમારી વધુ બેઠકો છે અને હમ અને એલજેપી જેવા પક્ષોની ઓછી બેઠકો છે છતાં તેમને કેબિનેટ કક્ષાના ખાતા અપાયા અને અમારા એક જ મંત્રીને રાજ્ય કક્ષાનું ખાતું ફાળવાયું. આ પહેલા અજીત પવારની આગેવાની હેઠળના એનસીપીએ તો શપથવિધિના દિવસે જ નારાજગી વ્યક્ત કરી દીધી અને કોઇ પણ ખાતું સ્વીકાર્યું જ નહીં.

એનસીપીનું કહેવું એમ છે કે તેના પ્રફુલ પટેલ અનુભવી છે અને અગાઉ કેબિનેટ ખાતું સંભાળી ચુક્યા છે તેથી  તેમને હવે રાજ્ય કક્ષાનું મંત્રીપદ શોભે નહીં. એનસીપીએ કોઇ ખાતું સ્વીકાર્યું જ નથી અને કહ્યું છે કે રાજ્ય કક્ષાનું ખાતું સ્વીકારવાને બદલે તેઓ કેબિનેટ સ્થાન માટે રાહ જોશે. જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ નવી રચાયેલી મોદી સરકારમાં ખાતાઓની ફાળવણી બાબતે પોતાની નિરાશા વ્યક્ત કરી હતી અને શાસક ગઠબંધનમાં ખાતાઓની વહેંચણીમાં પક્ષપાતનો આક્ષેપ કર્યો હતો.

એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના સાંસદ શ્રીરંગ બર્નેએ સોમવારે ખાતા વહેંચણી પછી  કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીમાં શિવસેના મહારાષ્ટ્રમાં સાત બેઠકો જીતી છે ત્યારે ઓછી બેઠકો ધરાવતા અન્ય પક્ષોને કેબિનેટ કક્ષાનું મંત્રીપદ અપાયું છે, અમે શિવસેના માટે ઓછામાં ઓછું એક કેબિનેટ સ્થાન અને એક રાજ્ય કક્ષાનું મંત્રીપદ ઇચ્છતા હતા, જે શિવસેના ભાજપનો સૌથી જૂનો સાથી પક્ષ છે અમે બર્નેએ કહ્યું હતું. તેમણે ખાતા વહેંચણીમાં પક્ષપાત થયો હોવાનું કહ્યું હતું. 

મોદી ૩.૦ સરકારમાં પ્રતાપ જાધવ એ શિંદે સેનામાંથી એક માત્ર મંત્રી છે અને  તેમને રવિવારે સ્વતંત્ર હવાલા સાથેનું રાજ્ય કક્ષાનું મંત્રીપદ અપાયું હતું. સોમવારે તેમને આયુષ અને આરોગ્ય મંત્રાલય ફાળવવામાં આવ્યું હતું. જો કે લોકસભામાં શિવસેના પક્ષના નેતા શ્રીકાંત શિંદેએ ભારપૂર્વક કહ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારને તેમના પક્ષનો કોઇ પણ સોદાબાજી વિના ટેકો છે. જો કે રાજકારણમાં આવી ખાતરીઓનો ઘણી વખત કશો અર્થ રહેતો નથી.

પરિણામ પછી જ આ સ્થળે કહેવામાં આવ્યું હતું કે મોદી માટે આગળનો માર્ગ હવે સરળ  નહીં હોય કારણ કે ભાજપને ચોખ્ખી બહુમતિ મળી નથી અને તે વાત શરૂઆતથી જ સાચી પડી રહેલી જણાય છે. અગાઉ ભાજપને પુરી બહુમતિ હતી ત્યારે પણ બંને વખત ગઠબંધનના સાથીપક્ષોને સાથે રાખીને જ તેણે સરકાર બનાવી હતી પરંતુ ત્યારે સાથીપક્ષોએ ભાગ્યે જ ખાતા વહેંચણીમાં કે અન્ય કોઇ બાબતે નારાજગીના બુલંદ સૂર કાઢ્યા હતા. આ વખતે શરૂઆતથી જ તેઓ બોલકી રીતે પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માંડ્યા છે અને  તે આવનારા દિવસોનો સંકેત પણ છે. મોદીએ હવે સરકાર ચલાવવા માટે સ્વાભાવિક રીતે જ તંગ દોરડા પર ચાલવાનો ખેલ કરવો પડશે.

Most Popular

To Top