Charchapatra

વૈશ્વિક સુખાકારી અહેવાલ સંદર્ભે

તાજેતરમાં વૈશ્વિક સુખાકારી અહેવાલ –  2025ની વિગત વાંચીને ખૂબ જ આશ્ચર્ય થયું. આશ્ચર્ય એટલા માટે કે આ રિપોર્ટ અનુસાર જ્યાં સુધી જાહેર જનતાની સુખાકારીને સંબંધ છે ત્યાં સુધી પાકિસ્તાન, યુક્રેન અને પેલેસ્ટાઇન જેવાં દેશના લોકો આપણા દેશનાં લોકો કરતા સુખી છે! શું આપણા દેશની પ્રજા વિશ્વના 117 દેશો કરતા પણ દુઃખી છે? આ રિપોર્ટ અનુસાર આપણા દેશનો ક્રમ સુખાકારીને સંબંધ છે ત્યાં સુધી 118 મો છે. વૈશ્વિક સુખાકારીમાં આપણો દેશ આટલો બધો પાછળ છે તે જાણીને ખૂબ જ નવાઈ લાગે છે અને  સાથે દુઃખ પણ થાય છે. દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ જેટલા પસાર થઈ ગયા પછી પણ આપણી પ્રજા આ રિપોર્ટ મુજબ અન્ય દેશોની તુલનામાં ઘણી જ દુઃખી છે ત્યારે આપણે નવેસરથી વિચારણા કરવાની આવશ્યકતા છે.

સુખ અને દુઃખ એ સાપેક્ષ છે એ સત્યને સ્વીકારીએ તો પણ આ અહેવાલના તારણ કેટલે અંશે  સત્યની નજીક હશે એવો પ્રશ્ન પણ મને થાય છે. આપણા દેશે આર્થિક અને સામાજિક ક્ષેત્રે આટલી બધી પ્રગતિ કર્યા પછી પણ સુખાકારીની બાબતમાં આપણે ઘણા પાછળ છીએ. આ રિપોર્ટ મુજબ વિશ્વના પ્રથમ 25 દેશોની સુખાકારીનો આપણે અભ્યાસ કરીને આપણા દેશમાં શું ખૂટે છે અથવા શેની ઉણપ છે એ દિશામાં વિચારવાની તાતી જરૂરિયાત છે. વિશ્વગુરુની વાતો થઈ રહી હોય ત્યારે આપણે પ્રજાની  સુખાકારીના સંદર્ભે ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે. ૨૧ મી સદીમાં ભારતની તમામ ક્ષેત્રોમાં કાયાપલટ થઈ રહી છે છતાં પણ દેશની પ્રજા દુઃખી  હોય તો આવી કાયાપલટનો અર્થ શું ? ઇન્ડિયા શાઇનિંગની થઈ રહેલી વાતો અને વૈશ્વિક સુખાકારીના અહેવાલના તારણો બાબતે આપણે પુન:વિચારણા કરવી અતિ જરૂરી છે.
નવસારી           – ડૉ. જે. એમ.નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top