મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના થયેલા ઊભા ફાડચાને હવે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે પણ સંમતિ આપી દીધી છે. છેલ્લા ઘણા સમયથી જેની માથાકૂટ ચાલતી હતી તેવી અસલી શિવસેના કોની?ના વિવાદમાં આખરે સ્પીકર રાહુલ નાર્વેકરે પોતાનો ચૂકાદો આપી દીધો છે. નાર્વેકરે કહ્યું છે કે ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ શિંદે જુથ જ અસલી શિવસેના છે અને ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેને પાર્ટીમાંથી હટાવવાનો કોઈ જ અધિકાર નથી.
આ અધિકાર માત્ર પક્ષની કાર્યકારિણીને જ છે. સ્પીકર રાહુલ નાર્વેકરના આ નિર્ણયને કારણે ઉદ્ધવ જુથને ભારે ઝાટકો લાગ્યો છે. જોકે, આ ઉદ્ધવ જુથ માટે અપેક્ષિત પણ હતું અને આ નિર્ણયને પગલે હવે આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં માથાકૂટ વધવાના એંધાણ મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જુથના 15 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ચાલેલી કાયદા-કાનૂનની આ લડાઈમાં આખરે આ નિર્ણય આવ્યો છે.
પોતાનો નિર્ણય જણાવતાં સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે, નિર્ણય પાછળ 3 બાબતોની સમજણ છે. જેમાં પક્ષનું બંધારણ શું કહે છે? કોની પાસે નેતૃત્વ હતું? અને કોની પાસે વિધાનસભામાં બહુમતી હતી?નો સમાવેશ થાય છે. વર્ષ 2018માં શિવસેના પાર્ટીના બંધારણ હેઠળ કરવામાં આવેલી નિમણુંકોને પણ ધ્યાને લેવામાં આવી છે અને વર્ષ 2018માં બંને પક્ષો પાર્ટીના બંધારણમાં કરવામાં આવેલા ફેરફારથી વાકેફ પણ હતા.
જ્યારે આ મુદ્દે સુનાવણી થઈ ત્યારે જાણવા મળ્યું હતું કે, 2018 પછી શિવસેનામાં કોઈ જ ચૂંટણી થઈ નથી. આ કારણોસર શિવસેનાનું 2018નું બંધારણ માન્ય રાખી શકાય નહીં. જેથી શિવસેનાના 1999ના બંધારણને માન્ય રાખવામાં આવ્યું છે. જે ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાનો મુદ્દો હતો તેમાં સીએમ એકનાથ શિંદેથી માંડીને મહારાષ્ટ્ર સરકારના અનેક મંત્રીઓ પણ સામેલ છે.
મહારાષ્ટ્રમાં હાલમાં ભાજપ પાસે 104, શિંદેની શિવસેના પાસે 40, અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસે 41 અને અન્ય પાસે 18 બેઠક છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ પાસે 44 બેઠકો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે 16 બેઠકો છે. શરદ પવારની એનસીપી પાસે 12 અને અન્ય 11 બેઠકો છે. જેથી શિંદે સરકાર પાસે 203 અને મહાવિકાસ અઘાડી પાસે માત્ર 83 જ બેઠક છે. ઉલ્લેખનીય છે કે, જૂન 2022માં એકનાથ શિંદે તેમજ અન્ય ધારાસભ્યો દ્વારા ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરવામાં આવ્યો હતો અને શિવસેનામાં ભાગલા પડ્યા હતા.
ત્યાંથી અસલી શિવસેના કોણ તેનો વિવાદ શરૂ થયો હતો. સ્પીકરે તો આજે પોતાનો ચુકાદો આપી દીધો પરંતુ આ ચુકાદાથી રાજકારણમાં શરૂ થયેલા વમળ શાંત થાય તેવી સંભાવના નથી. બની શકે છે કે સ્પીકરના આ નિર્ણયની સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે. આ સંજોગોમાં આખરી નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધારીત રહેશે. અગાઉ સુપ્રીમ કોર્ટે જ તાકીદ કરી હતી કે મહારાષ્ટ્રના સ્પીકર દ્વારા આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે નિર્ણય કરવામાં આવે.
જોવા જેવું છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાને હવે વધુ સમય રહ્યો નથી. આગામી ઓક્ટોબર માસમાં મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત પૂરી થશે. હાલમાં જાન્યુઆરી માસ ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત 10 જ માસ બાકી છે. આ સંજોગોમાં આ ચુકાદાનું વધુ મહત્વ રહેતું નથી. સ્પીકરે ભલે ચુકાદો એકનાથ શિંદે જુથની તરફેણમાં આપ્યો હોય પરંતુ ખરી શિવસેના કોણ તેના પારખાં આ ચૂંટણીમાં થઈ જશે. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે દ્વારા ભલે દાવો કરવામાં આવી રહ્યો હોય અને ચૂંટણી પંચ તેમજ સ્પીકર દ્વારા ભલે ચુકાદા આપવામાં આવ્યા હોય ચૂંટણીમાં મતદારો અસલી શિવસેનાની ઓળખ કરાવી જ દેશે ત્યાં સુધીમાં મહારાષ્ટ્રની સાથે આખા દેશે રાહ જોવી રહી કે અસલી શિવસેના કોણ?